Home Gujarat Hybrid Marijuana Seized From Passenger At Ahmedabad Airport

અમદાવાદ એરપોર્ટ પર મુસાફર પાસેથી ઝડપાયો હાઈબ્રિડ ગાંજો : 4 કરોડના ગાંજાની બેગ ગુમ થતાં કરી ફરિયાદ, કસ્ટમ્સની તપાસમાં ફૂટ્યો ભાંડો

અમદાવાદ એરપોર્ટ પર મુસાફર પાસેથી ઝડપાયો હાઈબ્રિડ ગાંજો
Published by: OBS Bureau
Last Updated: Aug 28, 2025, 05:19 AM IST

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે બેંગકોકથી આવેલી યુવતીના ટ્રોલી બેગમાંથી 4 કિલો હાઇબ્રીડ ગાંજો ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ગાંજાની કિંમત અંદાજે રૂ. 4 કરોડ જેટલી થાય છે.

બેગ ગુમ થવાની ફરિયાદથી શરુ થયો કેસ

માહિતી મુજબ, પંજાબના જલંધરની રહેવાસી નિતેશ્વરી નામની યુવતી 13 ઓગસ્ટે એર એશિયાની ફ્લાઈટથી બેંગકોકથી અમદાવાદ આવી હતી. એરપોર્ટ પર તેની બે બેગ ગુમ થતા તેણે મિસ બેગેજનો ફોર્મ ભરી દીધુ હતુ.
બે દિવસ પછી એક બેગ મળી આવી હતી જેમાં કશું જ વાંધાજનક ન મળ્યું. ત્યારબાદ થોડા દિવસ પછી બાકી રહેલી હેન્ડબેગ મળી આવતાં તેની કસ્ટમ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

8 પેકેટમાંથી 4 કિલો ગાંજો મળી આવ્યો

તપાસ દરમિયાન બેગમાંથી 4 કિલો વજનના 8 પેકેટ મળ્યા, જેમાં હાઇબ્રીડ ગાંજો ભરેલો હતો. કસ્ટમ વિભાગે યુવતીનો સંપર્ક કરી બેગ લેવા બોલાવ્યું, પરંતુ યુવતી હાજર ન રહી. તેણે બેગ જલંધરમાં પોતાના ઘેર મોકલી દેવાની માંગ કરી હતી અને એક ડ્રાઇવર મારફતે બેગ છોડાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પણ ડ્રાઇવરે ઇનકાર કર્યો હતો.

CID ક્રાઈમની મદદથી યુવતી પકડાઈ

કસ્ટમ અધિકારીઓને શંકા થતાં તપાસ શરૂ થઈ. DRIની ટીમ પણ જોડાઈ. તપાસમાં જાણવા મળ્યું કે યુવતી જલંધરમાં નહીં પરંતુ અમદાવાદમાં જ હતી. અંતે યુવતી કાલુપુર રેલવે સ્ટેશન પરથી CID ક્રાઈમની મદદથી પકડાઈ હતી.
એરપોર્ટ પર તેની હાજરીમાં બેગનું પંચનામું કરવામાં આવ્યું અને ગાંજો ઝડપાયો. યુવતીની અટકાયત કરીને કેસની તપાસ CID ક્રાઈમના નાર્કોટિક સેલને સોંપી દેવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now