Telegram Movie Piracy: ડિજિટલ યુગમાં ફિલ્મો અને વેબ સિરીઝની પાયરેસી હવે ફિલ્મ ઉદ્યોગ માટે સૌથી મોટો પડકાર બની ગઈ છે. કોઈ પણ ફિલ્મ રિલીઝ થાય કે તરત જ તેના લીક થયેલા વર્ઝન ટેલિગ્રામ સહિતના વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થઈ જાય છે. હાલમાં ચર્ચામાં આવેલી 'સતલુજ' ફિલ્મના મામલાએ ફરી એકવાર આ મુદ્દાને કેન્દ્રસ્થાને લાવી દીધો છે. વિવાદો બાદ 'સતલુજ' ફિલ્મને OTT પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી હતી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ફિલ્મની પાયરેટેડ કોપી હજુ પણ ટેલિગ્રામ પર સરળતાથી મળી રહી છે. માત્ર ફિલ્મનું નામ સર્ચ કરતાં જ અનેક ચેનલ, ગ્રુપ અને બોટ્સ સામે આવી જાય છે, જ્યાંથી લોકો Full HD ક્વોલિટી સુધીની કોપી ડાઉનલોડ કરી રહ્યા છે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર પ્રશ્ન ઊભો કર્યો છે કે, આખરે નવી ફિલ્મો રિલીઝ પહેલાં કે રિલીઝ થયાના થોડા જ સમયમાં ટેલિગ્રામ સુધી કેવી રીતે પહોંચી જાય છે? અને શું ટેલિગ્રામ પોતે જ આ ફિલ્મો અપલોડ કરે છે?
શું ટેલિગ્રામ પોતે ફિલ્મો અપલોડ કરે છે?
આ સવાલનો સીધો જવાબ છે – નહીં. ટેલિગ્રામ એક મેસેજિંગ અને ફાઇલ શેરિંગ પ્લેટફોર્મ છે. તે સીધા કોઈ ફિલ્મ અપલોડ કરતું નથી. પરંતુ તેના કેટલાક ફીચર્સનો ગેરકાયદેસર ઉપયોગ કરીને પાયરેસીનું વિશાળ નેટવર્ક ઉભું કરવામાં આવે છે. સાયબર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ટેલિગ્રામ પર કાર્યરત પાયરેસી ચેનલોના એડમિન અલગ અલગ સ્ત્રોતોથી ફિલ્મોની ગેરકાયદેસર કોપી મેળવી તેને લાખો લોકો સુધી પહોંચાડે છે.
ફિલ્મની પાયરેટેડ કોપી ક્યાંથી આવે છે?
ફિલ્મોની ગેરકાયદેસર કોપી વિવિધ રીતે તૈયાર થઈ શકે છે. ક્યારેક સિનેમાઘરમાં કેમેરા દ્વારા રેકોર્ડિંગ કરવામાં આવે છે, તો ઘણીવાર OTT અથવા ડિજિટલ વિતરણ સિસ્ટમમાંથી કન્ટેન્ટ લીક થવાના કિસ્સાઓ પણ સામે આવે છે.કેટલાક કિસ્સાઓમાં આંતરિક સ્તરે જ ફિલ્મની હાઈ ક્વોલિટી કોપી બહાર આવી જતી હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવે છે. એકવાર આ ફાઇલ ઇન્ટરનેટ પર આવી જાય પછી તે ખૂબ જ ઝડપથી અનેક પ્લેટફોર્મ સુધી પહોંચી જાય છે.
આ પણ વાંચો: કેરળના વાયનાડમાં ભૂસ્ખલનનો કહેર! : અચાનક પુલ નજીક ટેકરી ધસી પડતાં 3ના મોત, અનેક લોકો ફસાયા હોવાની આશંકા
ટેલિગ્રામ પર કેવી રીતે ફેલાય છે આખી ફિલ્મ?
ટેલિગ્રામ પર પાયરેસીનું આખું મોડલ ખૂબ જ વ્યવસ્થિત રીતે કામ કરે છે. જો કોઈ યુઝર નવી ફિલ્મનું નામ સર્ચ કરે તો તેને અનેક ચેનલ્સ જોવા મળે છે. આમાંથી ઘણી ચેનલો સીધી ફિલ્મ આપતી નથી, પરંતુ યુઝરને એક Bot તરફ મોકલે છે. આ બોટ પહેલા યુઝરને 'સ્ટાર્ટ' કરવાનું કહે છે અને ત્યારબાદ બે કે ત્રણ અલગ અલગ ચેનલ્સમાં જોડાવા માટે કહેવામાં આવે છે. એકવાર યુઝર આ ચેનલ્સમાં જોડાઈ જાય પછી બોટ તેને ફિલ્મની ડાઉનલોડ લિંક અથવા વીડિયો ફાઇલ ઉપલબ્ધ કરાવી દે છે. આ ફિલ્મો 480p, 720p અને 1080p જેવી અલગ અલગ ક્વોલિટીમાં પણ ઉપલબ્ધ હોય છે. એટલે યુઝર્સ પોતાની જરૂરિયાત મુજબ ફાઇલ ડાઉનલોડ કરી શકે છે.
ચેનલ્સ વારંવાર કેમ બદલવામાં આવે છે?
પાયરેસી નેટવર્ક ચલાવતા લોકો સતત નવી નવી ચેનલો બનાવતા રહે છે. જો કોઈ ચેનલ વિરુદ્ધ ફરિયાદ થાય અને તેને બંધ કરવામાં આવે તો એડમિન તરત જ નવી ચેનલ બનાવી દે છે. જૂની ચેનલ પર અગાઉથી જ સંદેશ મૂકી દેવામાં આવે છે કે હવે નવી ચેનલમાં જોડાવું. આ રીતે લાખો સબ્સ્ક્રાઇબર્સ સરળતાથી નવા નેટવર્કમાં પહોંચી જાય છે. પરિણામે એક ચેનલ બંધ થવાથી આખી પાયરેસી ચેઇન બંધ થતી નથી. તાજેતરના કેટલાક અભ્યાસોમાં પણ જાણવા મળ્યું છે કે પાયરેસી કરનારા લોકો બેકઅપ ચેનલ્સ, ઓટોમેટેડ બોટ્સ અને અનેક સ્તરોનું નેટવર્ક બનાવીને કામ કરે છે, જેથી કાર્યવાહી બાદ પણ તેમની પ્રવૃત્તિ ચાલુ રહી શકે.
પાયરેસી પાછળ કમાણીનો મોટો ખેલ
પાયરેસી માત્ર ગેરકાયદેસર રીતે ફિલ્મ વહેંચવાનો મુદ્દો નથી, પરંતુ તેની પાછળ કરોડો રૂપિયાની કમાણીનું મોડલ પણ કાર્યરત હોય છે. ઘણા બોટ્સ યુઝર્સને પહેલા અલગ અલગ ચેનલ્સમાં જોડાવા માટે મજબૂર કરે છે, જેના કારણે સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા વધે છે. આ ચેનલ્સ પર જાહેરાતો ચલાવવામાં આવે છે અથવા યુઝર્સને બહારની વેબસાઇટ્સ પર મોકલવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં ક્લિક્સ અને ટ્રાફિક દ્વારા પણ આવક ઊભી કરવામાં આવે છે. એટલે પાયરેસી માત્ર કૉપિરાઇટનો ભંગ જ નહીં પરંતુ એક વ્યવસાયિક મોડલ તરીકે પણ વિકસી રહી છે.
સરકાર હવે કેમ કડક બની?
ભારત સરકાર છેલ્લા કેટલાક સમયથી ટેલિગ્રામ પર વધી રહેલી પાયરેસીને લઈને ચિંતિત છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ટેલિગ્રામને નોટિસ પાઠવીને પાયરેટેડ ફિલ્મો અને OTT કન્ટેન્ટ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. સરકારએ ટેલિગ્રામ પાસે 15 દિવસમાં જવાબ પણ માંગ્યો છે. સરકારની માંગ છે કે, આવા ચેનલો, ગ્રુપ્સ અને બોટ્સને ઝડપથી ઓળખીને દૂર કરવામાં આવે અને ભવિષ્યમાં ફરીથી આવા નેટવર્ક ઉભા ન થાય તે માટે અસરકારક સિસ્ટમ તૈયાર કરવામાં આવે.
યુઝર્સ માટે પણ જોખમકારક બની શકે છે પાયરેસી
સાયબર નિષ્ણાતોનું માનવું છે કે પાયરેટેડ ફિલ્મો ડાઉનલોડ કરવી માત્ર કાયદાકીય જોખમ નથી, પરંતુ તે સાયબર સુરક્ષા માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. ઘણા કિસ્સાઓમાં આવા બોટ્સ અને લિંક્સ યુઝર્સને નકલી વેબસાઇટ્સ પર મોકલી દે છે, જ્યાં માલવેર, ફિશિંગ અને ઓનલાઈન ઠગાઈનો ભય રહે છે. આ કારણે નિષ્ણાતો હંમેશા સલાહ આપે છે કે, ફિલ્મો અને વેબ સિરીઝ માત્ર સત્તાવાર OTT પ્લેટફોર્મ અથવા સિનેમાઘરોમાં જ જોવી જોઈએ.
ડિજિટલ યુગમાં પાયરેસી સામે લડાઈ વધુ મુશ્કેલ
ટેલિગ્રામ અને અન્ય સોશિયલ પ્લેટફોર્મ્સ પર વિકસેલા આ ગેરકાયદેસર નેટવર્ક્સને સંપૂર્ણપણે બંધ કરવું સરળ નથી. તેમ છતાં સરકારો, કન્ટેન્ટ સર્જકો અને ટેક કંપનીઓ માટે હવે પાયરેસી સામે અસરકારક પગલાં લેવાની જરૂરિયાત વધુ સ્પષ્ટ બની રહી છે.





