Home Gujarat Himmatnagar Liquor Bottles Road Viral Video Police Action

હિંમતનગરમાં દારૂની બોટલો ગોઠવી વીડિયો વાયરલ કરવાનો મામલો : બે બુટલેગરો ઝડપાયા, જૂની અદાવત આવી સામે

હિંમતનગરમાં ઝડપાયેલ 2 આરોપી
Published by: Chintan Chavda
Last Updated: Jun 10, 2026, 11:57 AM IST

સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં જાહેર માર્ગ પર દારૂની બોટલો ગોઠવી તેનો વીડિયો વાયરલ કરવાના મામલે પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સમગ્ર ઘટનાના મૂળમાં બે બુટલેગર જૂથો વચ્ચે અગાઉ થયેલી મારામારી અને અદાવત જવાબદાર હોવાનું સામે આવ્યું છે. હિંમતનગર ડીવાયએસપી સ્મિત ગોહિલે જણાવ્યું હતું કે આ ઘટનામાં કુલ ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાંથી બેની ધરપકડ થઈ ચૂકી છે જ્યારે એક આરોપી હજુ ફરાર છે.

તાજેતરમાં હિંમતનગર શહેરના પોશ વિસ્તારમાં આવેલા માર્ગ પર દારૂની બોટલો ગોઠવવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં જાહેર માર્ગ પર મોટી સંખ્યામાં દારૂની બોટલો જોવા મળતા સમગ્ર જિલ્લામાં ચર્ચા જાગી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.

તપાસમાં અદાવતનું કારણ સામે આવ્યું

ડીવાયએસપી સ્મિત ગોહિલના જણાવ્યા અનુસાર વીડિયોમાં દેખાતો વ્યક્તિ શ્રવણ ચેલાજી ભાટ હોવાનું ઓળખાયું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે શ્રવણ ભાટે દારૂની બોટલો મુકેશ ભાટ પાસેથી મેળવી હતી. બંને પક્ષોના સંબંધીઓ વચ્ચે આશરે દસ દિવસ પહેલાં મારામારીનો બનાવ બન્યો હતો, જેને લઈને બંને તરફથી અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ક્રોસ ફરિયાદો નોંધાઈ હતી.

પોલીસના જણાવ્યા મુજબ આ જૂની અદાવતના કારણે જ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે ઘટનાનો હેતુ માત્ર દારૂનું પ્રદર્શન કરવાનો નહોતો, પરંતુ વિરોધી જૂથ સામે દબાણ ઊભું કરવાનો પણ હતો.
સુરતમાં સનસનાટી: પત્ની સાથે અફેરની શંકામાં પતિ બન્યો જલ્લાદ: યુવકની ચપ્પુના ઘા ઝીંકી નિર્મમ હત્યા

બે અલગ ગુના નોંધાયા

આ મામલે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શ્રવણ ચેલાજી ભાટ, મુકેશ ભાટ અને જીતુ ભાટ સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત જાહેર માર્ગ પર દારૂની બોટલો ગોઠવીને અવરજવરમાં અવરોધ ઊભો કરવા બદલ શ્રવણ ભાટ સામે અલગથી વધુ એક ગુનો પણ નોંધવામાં આવ્યો છે.

પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 285, 270 અને 292 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 102 હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જાહેર માર્ગ પર આ પ્રકારની હરકતથી લોકોની અવરજવર અને જાહેર વ્યવસ્થાને અસર પહોંચતી હોવાથી પોલીસ દ્વારા ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો

તપાસ દરમિયાન આરોપીઓના ગુનાહિત ભૂતકાળ અંગે પણ વિગતો સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ શ્રવણ ચેલાજી ભાટ સામે અગાઉથી પ્રોહિબિશન, લૂંટ સહિતના અનેક ગુના નોંધાયેલા છે. જ્યારે મુકેશ ભાટ સામે પણ પ્રોહિબિશન અને અન્ય વિવિધ કલમો હેઠળ કેસ નોંધાયેલા છે.

આ સમગ્ર વિવાદ સાથે સંકળાયેલા પ્રવીણ ઉર્ફે પુસ્યો ભાટ સામે પણ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પાંચથી છ જેટલા કેસ નોંધાયેલા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. તેમાં પ્રોહિબિશન અને મારામારી સંબંધિત ગુનાઓનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં વિશાલા-નારોલ રોડ પર મેટ્રો નજીક ભીષણ આગ: અનેક ગરીબોના ઝૂંપડા બળીને ખાખ, સાજીશ કે દુર્ઘટના?

બે આરોપી ઝડપાયા, એકની શોધખોળ ચાલુ

પોલીસે હાલમાં શ્રવણ ચેલાજી ભાટ અને મુકેશ ભાટની ધરપકડ કરી લીધી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે શ્રવણ ભાટે વીડિયો વાયરલ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જ્યારે મુકેશ ભાટે દારૂ ઉપલબ્ધ કરાવ્યો હતો. ત્રીજા આરોપી જીતુ ભાટની ધરપકડ હજુ બાકી છે અને તેની શોધખોળ ચાલી રહી છે.

સાબરકાંઠા પોલીસના જણાવ્યા મુજબ જિલ્લામાં અસામાજિક અને ગુનાહિત તત્વો સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા ચાર મહિનામાં જિલ્લામાં 60થી વધુ પાસા અને 50થી વધુ તડીપારની દરખાસ્તો કરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.

આ ઘટનાએ ફરી એકવાર જાહેર સ્થળોએ કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નોને ચર્ચામાં લાવ્યા છે. પોલીસનું કહેવું છે કે જાહેર માર્ગો પર આવા પ્રકારના કૃત્યો કરનારાઓ સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે અને કોઈપણ વ્યક્તિને કાયદો હાથમાં લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now