હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં આવેલા અત્યંત જોખમી અને દુર્ગમ સચ પાસ માર્ગ પર વધુ એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા આઠ લોકોનાં મોતની આશંકાએ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. પ્રાથમિક માહિતી મુજબ પ્રવાસીઓથી ભરેલું એક વાહન બૈરાગઢ-સચ પાસ-કિલાડ રોડ પર નિયંત્રણ ગુમાવી ઊંડી ખીણમાં ખાબકી ગયું હતું. વાહન ખીણમાં લગભગ 500 ફૂટથી વધુ ઊંડે પડ્યું હોવાનું સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે.
અકસ્માતમાં મૃત્યુ પામનારાઓમાં છત્તીસગઢના બે પરિવારોના સભ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. જોકે અધિકારીઓ તરફથી તમામ મૃતકોની સત્તાવાર ઓળખ અને મૃત્યુઆંકની અંતિમ પુષ્ટિ હજુ સુધી કરવામાં આવી નથી. પોલીસ, સ્થાનિક વહીવટીતંત્ર અને રાહત-બચાવ દળોએ ઘટનાસ્થળે પહોંચીને સર્ચ અને રિકવરી ઓપરેશન શરૂ કર્યું છે.
હોટેલમાંથી સચ પાસ ફરવા નીકળ્યા બાદ સંપર્ક તૂટ્યો
મળતી માહિતી અનુસાર, પ્રવાસીઓ હિમાચલ પ્રદેશના લોકપ્રિય પર્યટન કેન્દ્ર ડેલહાઉસીમાં રોકાયા હતા. 29 મેના રોજ તેઓએ સ્થાનિક સ્તરે વાહન ભાડે રાખીને સચ પાસની મુલાકાત માટે પ્રવાસ શરૂ કર્યો હતો. સાંજ સુધીમાં તેઓ હોટેલ પરત ફરવાના હતા, પરંતુ મોડી રાત સુધી તેઓ પરત ન આવતા ચિંતા વધી હતી.
આ પણ વાંચો: સોનારપુરમાં મમતા બેનર્જીના ભત્રીજા અને TMC સાંસદ અભિષેક પર હુમલો : ઈંડા-પથ્થરમારા વચ્ચે હેલ્મેટ પહેરી બચાવાયા
પરિવારજનો અને હોટેલ મેનેજમેન્ટે અનેક વખત મોબાઇલ ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. ત્યારબાદ હોટેલ સંચાલકોએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ફરિયાદ મળતાં જ બૈરાગઢ પોલીસ દ્વારા શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
શોધ દરમિયાન કાલાબન વિસ્તાર નજીક માર્ગની બાજુએ વાહનના કેટલાક તૂટેલા ભાગો નજરે પડ્યા હતા. ત્યારબાદ પોલીસ અને સ્થાનિક લોકોએ આસપાસના વિસ્તારની તપાસ કરતાં ઊંડી ખીણમાં ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત હાલતમાં કાર મળી આવી હતી. વાહનની સ્થિતિ જોઈને અકસ્માતની ભયાનકતા સ્પષ્ટ થઈ રહી છે.
આ પણ વાંચો: 'ઓપરેશન સિંદૂર 2.0' માટે ભારત તૈયાર : આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીનું મોટું નિવેદન
દુર્ગમ પહાડી વિસ્તાર બન્યો સૌથી મોટો પડકાર
ચંબા જિલ્લાના ચુરાહ સબડિવિઝન હેઠળનો સચ પાસ વિસ્તાર હિમાચલના સૌથી જોખમી અને પડકારજનક માર્ગોમાં ગણાય છે. સમુદ્ર સપાટીથી લગભગ 4,400 મીટરથી વધુ ઊંચાઈએ આવેલો આ માર્ગ સાંકડા રસ્તા, ઊંડી ખીણો, પથ્થર ધસારા અને અચાનક બદલાતા હવામાન માટે જાણીતો છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર અકસ્માત સ્થળ અત્યંત અંતરિયાળ વિસ્તારમાં આવેલું હોવાથી બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી રહી છે. ખીણ સુધી પહોંચવા માટે કોઈ સીધો માર્ગ ઉપલબ્ધ નથી. ઉપરાંત વિસ્તારમાં મોબાઇલ નેટવર્ક નબળું હોવાથી સંકલન અને સંચારમાં પણ અવરોધો સર્જાયા હતા. અંધારું અને ખરાબ ભૂગોળને કારણે રાત્રે કામગીરી મર્યાદિત રાખવી પડી હતી.
આ પણ વાંચો: IT મેનેજરની લાખોની નોકરી છોડી, હવે રિક્ષા ચલાવે છે મહિલા! : કારણ જાણીને તમે પણ વિચારમાં પડી જશો
સ્થાનિક લોકોની મદદથી પોલીસ અને રાહત દળોએ ખીણમાં ઉતરી કામગીરી શરૂ કરી છે. સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે પ્રાથમિક સંકેતો મુજબ વાહનમાં સવાર તમામ આઠ લોકોના બચવાની શક્યતા અત્યંત ઓછી છે, જોકે અંતિમ પુષ્ટિ માટે રિકવરી પ્રક્રિયા પૂર્ણ થવી જરૂરી છે.





