Mehmedabad Electric Pole Accident: ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના આમસરણ ગામમાં બુધવારે સવારે એક અત્યંત દુઃખદ અકસ્માતમાં 11 વર્ષના વિદ્યાર્થીનું મોત થયું છે. શાળાએ જવા નીકળેલા બાળક પર અચાનક વીજળીનો સિમેન્ટનો થાંભલો પડી જતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. આ ઘટનાએ સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકની ઓળખ ક્રિષ્ના કુમાર યાદવ (ઉંમર 11 વર્ષ) તરીકે થઈ છે. ક્રિષ્ના ગામની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ-6માં અભ્યાસ કરતો હતો. રોજની જેમ સવારે સ્કૂલ બેગ લઈને શાળાએ જવા નીકળ્યો હતો ત્યારે રસ્તામાં આ અકસ્માત સર્જાયો.
કેવી રીતે બની દુર્ઘટના?
ક્રિષ્ના મંગળવારે સવારે આશરે 10 વાગ્યાના સુમારે તે રોજિંદા ક્રમ મુજબ પોતાની સાયકલ લઈને શાળાએ જવા માટે ઘરેથી નીકળ્યો હતો. પરંતુ માર્ગમાં બનેલી એક કમનસીબ દુર્ઘટનાને કારણે તે ક્યારેય શાળાએ પહોંચી શક્યો નહીં. પ્રાથમિક માહિતી મુજબ, ગામમાં વીજ લાઇનની નજીક આવેલા એક વૃક્ષની ડાળીઓ કાપવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ઝાડની ભારે ડાળી હાઈ-ટેન્શન વીજ લાઇન પર પડી હતી. ડાળીના ભારે દબાણના કારણે નજીકનો સિમેન્ટનો વીજ થાંભલો અચાનક ધરાશાયી થઈ ગયો અને તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા કૃષ્ણ પર સીધો પડ્યો. થાંભલા નીચે દબાઈ જતાં ક્રિષ્નાને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
પોલીસ તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં મહેમદાવાદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મહેમદાવાદની સરકારી હોસ્પિટલમાં મોકલ્યો હતો. હાલ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને વૃક્ષ કાપવાની કામગીરી દરમિયાન સલામતીના નિયમોનું પાલન થયું હતું કે નહીં તે સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: મોરબીમાં સ્કૂલ વાલીઓના WhatsApp ગ્રુપ હેક કરનાર સાયબર ઠગ ઝડપાયો : OTP મેળવી કરતો ફ્રોડ, 13 ગુનામાં સંડોવણી
પરિવારમાં શોકનું મોજું
ક્રિષ્ના યાદવ પોતાના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો અને તેને છ બહેનો છે. પરિવાર માટે આ ઘટના ભારે આઘાતજનક સાબિત થઈ છે. એકમાત્ર પુત્રને ગુમાવતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ગામમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે અકસ્માત પાછળની જવાબદારી નક્કી કરવા તપાસ હાથ ધરી છે. જો બેદરકારી સામે આવશે તો સંબંધિત લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.





