તુર્કીના 18 પ્રાંતોમાં ભારે હિમવર્ષાના કારણે જનજીવન ખોરવાયું છે. ટીઆરટી રિપોર્ટ અનુસાર, 2,173 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. પૂર્વીય વાન પ્રાંતના મહાનગર વિસ્તારમાં, 19 વિસ્તારો અને 35 નાના ગામોનો સંપર્ક તૂટી ગયો હતો. સમાચાર એજન્સી સિન્હુઆના અહેવાલ મુજબ, એર્સિસ જિલ્લામાં બરફનીનો થર 40 સેન્ટિમીટર સુધી પહોંચી ગયો છે, જ્યાં રસ્તાઓ સાફ કરવાની કામગીરી ચાલી રહી છે.
પૂર્વીય મુઆસ પ્રાંતમાં, અધિકારીઓ હિમવર્ષાને કારણે થતી પીડાને ઘટાડવા માટે કામ કરી રહ્યા છે, પરંતુ 46 ગામોના રસ્તાઓ હજુ પણ બંધ છે. દક્ષિણ-પૂર્વ બિટલીસ પ્રાંતમાં પણ સ્થિતિ ગંભીર છે. 50 ગામોના રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે.
રસ્તાઓ પર બરફવર્ષા યથાવત
પૂર્વીય હક્કારીમાં શુક્રવારે ભારે હિમવર્ષાને કારણે 34 વસાહતો કપાઈ ગઈ હતી, જેમાંથી 32ને ફરીથી જોડવામાં આવી છે. જોકે હિમસ્ખલનની આશંકાને કારણે શેમદિનલી જિલ્લાના એલન ગામ અને યુકસેકોવા જિલ્લાના ઓક્ટોપ્રેક નાનકડા ગામમાં રસ્તાઓ ખોલવાનું કામ થઈ શક્યું ન હતું.
રસ્તાઓ બરફથી ઢંકાયેલા, શું કહી રહ્યું છે પ્રશાસન?
હિમવર્ષાની અસર કાળા સમુદ્ર ક્ષેત્રના ઊંચાઈવાળા ગામડાઓમાં વધુ જોવા મળી છે. કસ્તમોનુમાં પર્વતીય વિસ્તારોમાં ટ્રાફિક પ્રભાવિત થયો છે, જ્યારે સિનોપના 282 ગામોના રસ્તાઓ બરફથી ઢંકાયેલા છે. સિનોપ પ્રાંતીય વહીવટીતંત્રે ચેતવણી આપી છે કે બરફવર્ષા અને ઠંડીની સ્થિતિ સોમવાર બપોર સુધી ચાલુ રહી શકે છે.
કાળા સમુદ્રમાં ઊંચા મોજા
ટ્રેબઝોનમાં સવારથી જ હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે જનજીવનને અસર થઈ રહી છે. ભારે પવનને કારણે કાળા સમુદ્રમાં ઊંચા મોજાઓ વધી રહ્યા છે, જેના કારણે માછીમારી કરતી બોટને બંદરો પર લંગર કરવાની ફરજ પડી રહી છે. એ જ રીતે, રિજેમાં પણ 81 ગામોના રસ્તાઓ અવરોધિત કરવામાં આવ્યા છે અને વહીવટીતંત્ર તેમને સાફ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પૂર્વીય એર્ઝુરમ પ્રાંતમાં ભારે હિમવર્ષા અને પવનોએ આઠ વિસ્તારોમાં રસ્તાઓ બંધ કરી દીધા હતા, જ્યારે અર્દાહાનના ચાર ગામોનો હજુ પણ સંપર્ક તૂટી ગયો હતો.
ઘરની બહાર ન નીકળોઃ વહિવટીતંત્ર
વહિવટી તંત્રએ તમામ અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને સાવચેત રહેવાની અને રસ્તાઓ સંપૂર્ણપણે સાફ ન થાય ત્યાં સુધી જરૂરી હોય તો જ મુસાફરી કરવાની સલાહ આપી છે.





