Home International Health Minister Jp Nadda Statement In Rajya Sabha On Doctor Patient Ratio And Medical Seats

દેશમાં 811 લોકો માટે માત્ર એક ડૉક્ટર : સંસદમાં સરકારે જાહેર કર્યાં આંકડા

દેશમાં 811 લોકો માટે માત્ર એક ડૉક્ટર
Published by: OBS Bureau
Last Updated: Dec 02, 2025, 06:18 PM IST

કેન્દ્ર સરકાર દ્વારા દેશની સ્વાસ્થ્ય સેવાઓને લઈને સંસદમાં મહત્વના આંકડા રજૂ કરવામાં આવ્યા છે. મંગળવારે રાજ્યસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ માહિતી આપી હતી કે ભારતમાં હવે ડોક્ટર અને વસ્તીનો રેશિયો સુધરીને 1 પર 811 થઈ ગયો છે. એટલે કે પ્રત્યેક 811 નાગરિકોની સારવાર માટે દેશમાં એક ડોક્ટર સેવામાં હાજર છે. આ ઉપરાંત તેમણે એલોપેથી અને આયુષ પદ્ધતિના રજિસ્ટર્ડ ડોક્ટરોની કુલ સંખ્યા વિશે પણ ગૃહને માહિતગાર કર્યા હતા. સ્વાસ્થ્ય મંત્રીએ લેખિત જવાબમાં જણાવ્યું હતું કે દેશભરમાં હાલમાં 13,88,185 જેટલા રજિસ્ટર્ડ એલોપેથિક ડોક્ટરો પ્રેક્ટિસ કરી રહ્યા છે જ્યારે આયુષ ચિકિત્સા પદ્ધતિ સાથે જોડાયેલા 7,51,768 ડોક્ટરો મેડિકલ કાઉન્સિલમાં નોંધાયેલા છે.

મેડિકલ શિક્ષણ ક્ષેત્રે થયેલી પ્રગતિ વિશે વાત કરતા મંત્રીએ ઉમેર્યું હતું કે વર્ષ 2014 બાદ મેડિકલ કોલેજોની સંખ્યામાં જબરદસ્ત વધારો નોંધાયો છે. વર્ષ 2014માં દેશમાં મેડિકલ કોલેજોનો આંકડો 387 હતો તે વધીને હવે 818 સુધી પહોંચી ગયો છે. આ સાથે જ મેડિકલ સ્ટુડન્ટ્સ માટેની બેઠકોમાં પણ વધારો થયો છે. અંડર ગ્રેજ્યુએટ એટલે કે યુજી બેઠકો 51,348થી વધીને 1,28,875 થઈ છે જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે પીજી બેઠકો 31,185થી વધીને 82,059 થઈ ગઈ છે. સરકાર દ્વારા ખાસ કરીને છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચે તે માટે ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં ડોક્ટરોની ઉપલબ્ધતા વધારવા અનેક પગલાં લેવામાં આવ્યા છે.

સંસદમાં હાર્ટ એટેકના વધતા કેસો અંગે પણ સવાલ પૂછવામાં આવ્યો હતો જેના જવાબમાં જેપી નડ્ડાએ સ્પષ્ટતા કરી હતી કે હાર્ટ એટેકના કેસોનો ડેટા કેન્દ્રીય સ્તરે અલગથી મેન્ટેન કરવામાં આવતો નથી. જોકે આઈસીએમઆર દ્વારા હૃદયરોગના કારણો જાણવા માટે એક વિશેષ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આઈસીએમઆર અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી દ્વારા દેશની 25 જેટલી હોસ્પિટલોમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં ઓક્ટોબર 2021થી જાન્યુઆરી 2023 દરમિયાન હોસ્પિટલમાં દાખલ થયેલા 18થી 45 વર્ષની વયના યુવા દર્દીઓની માહિતી એકત્ર કરવામાં આવી હતી.

તાજેતરમાં કફ સિરપ પીવાથી બાળકોના મોતના કિસ્સાઓને સરકારે ગંભીરતાથી લીધા છે. ખરાબ ક્વોલિટીની સિરપ બનાવતી કંપનીઓ પર લગામ કસવા માટે 700થી વધુ મેન્યુફેક્ચરર્સનું સઘન ઓડિટ કરવામાં આવ્યું છે. કેન્દ્ર અને રાજ્યના ડ્રગ રેગ્યુલેટર્સ દ્વારા બજારમાં વેચાતી દવાઓ પર દેખરેખ વધારી દેવામાં આવી છે. સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે અન્ય એક જવાબમાં જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશના છિંદવાડામાં બાળકોના મોતના સમાચાર મળતા જ નિષ્ણાતોની એક સેન્ટ્રલ ટીમ મોકલવામાં આવી હતી. આ ટીમે સ્થાનિક તંત્ર સાથે મળીને નાગપુર અને છિંદવાડામાં તપાસ હાથ ધરી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now