Home Gujarat Health Deteriorated After Consuming Cold And Cough Syrup In Vadodara City

વડોદરામાં શરદી-ખાંસીની સિરપ બની જીવલેણ? : 'દવા પીવડાવ્યા બાદ થોડા જ સમયમાં બાળકીની હાલત લથડી અને...', પાંચ વર્ષીય બાળકીનું મોત

વડોદરામાં શરદી-ખાંસીની સિરપ બની જીવલેણ?
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2026, 10:28 AM IST

વડોદરા શહેરમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી પાંચ વર્ષની માસૂમ બાળકીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટી ફેલાઈ ગઈ છે. સામાન્ય શરદી-ખાંસીની તકલીફ માટે મેડિકલ સ્ટોરમાંથી લાવવામાં આવેલી સિરપ પીવડાવ્યા બાદ બાળકીની તબિયત અચાનક બગડતા સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થતાં અનેક સવાલો ઊભા થયા છે. મૃતક બાળકીની ઓળખ ધ્યાની ઠક્કર તરીકે થઈ છે. ધ્યાની તેના દાદા-દાદી સાથે વડોદરામાં રહેતી હતી. ખૂબ જ નાની ઉંમરે તેના માતા અને પિતાનું અવસાન થઈ ગયું હોવાથી પરિવારજનો તેની સંભાળ રાખતા હતા અને તે સૌ માટે ખૂબ જ લાડકી હતી. તાજેતરમાં ધ્યાનીને સામાન્ય શરદી અને ખાંસીની ફરિયાદ થતાં તેના પિતરાઈ કાકાએ નજીકના મેડિકલ સ્ટોર પરથી શરદી-ખાંસીની સિરપ લાવી હતી.

'સિરપ પીવડાવ્યા બાદ થોડા જ સમયમાં બાળકીની હાલત લથડી ગઈ'

પરિવારજનોના જણાવ્યા મુજબ સિરપ પીવડાવ્યા બાદ થોડા જ સમયમાં બાળકીની હાલત લથડી ગઈ હતી. તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી અને અચાનક અસ્વસ્થતા જણાઈ હતી. પરિસ્થિતિ ગંભીર બનતા પરિવારજનો તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ દુર્ભાગ્યવશ સારવાર શરૂ થાય તે પહેલાં જ માસૂમ ધ્યાનીનું મોત નીપજ્યું હતું.

પરિવારના ગંભીર આક્ષેપ

ઘટનાની જાણ થતાં જ બાળકીના માસી સહિત અન્ય સગાસંબંધીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં કરૂણ માહોલ સર્જાયો હતો. મૃતક બાળકીના માસીએ રડતા રડતા ગંભીર આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે, “સામાન્ય શરદી-ખાંસીમાં અપાયેલી દવાથી બાળકનું મોત થવું શંકાસ્પદ છે. દવાની આડઅસર હતી કે અન્ય કોઈ કારણ, તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.” પરિવારે મેડિકલ સ્ટોર પરથી અપાયેલી દવાની ગુણવત્તા અને તેની અસર પર શંકા વ્યક્ત કરી છે તથા જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

પોલીસે તપાસ હાથ ધરી

બનાવની ગંભીરતા જોતા વડોદરા બી ડિવિઝનના એસીપી આર.ડી. કવા તાત્કાલિક ગોત્રી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પહોંચ્યા હતા અને શોકગ્રસ્ત પરિવારજનોને મળીને ઘટનાની વિગત મેળવી હતી. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને બાળકીના મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ દુઃખદ ઘટનાએ શહેરમાં દવાઓની સલામતી અને ડૉક્ટરની સલાહ વિના દવા આપવાની પ્રથાને લઈ ગંભીર ચિંતા ઉભી કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now