Home National Gurugram Basketball Pole Collapse Boy Seriously Injured

એક ઝટકામાં ખેલ બની ગયો ખતરનાક! : રમત રમતા રમતા યુવક પર આવી મોત જેવી આફત, જુઓ શ્વાસ થંભાવી દેતો VIDEO

Gurugram Basketball Pole Accident
Published by: Nirali Gohil
Last Updated: Jul 21, 2026, 08:15 AM IST

Gurugram Basketball Pole Accident: રહેણાંક સોસાયટીઓમાં બાળકો અને યુવાનો માટે બનાવવામાં આવતા સ્પોર્ટ્સ એરિયાને સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ જ્યારે બેદરકારી જીવલેણ સાબિત થવા લાગે ત્યારે એ જ સ્થળ અકસ્માતનું કારણ બની જાય છે. હરિયાણાના ગુરુગ્રામમાંથી સામે આવેલી એક ઘટનાએ આવી જ ગંભીર ચિંતા ઊભી કરી છે. બાસ્કેટબોલ રમતી વખતે અચાનક આખો પોલ તૂટી પડતાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, કેટલાક યુવકો સામાન્ય રીતે બાસ્કેટબોલની રમત રમી રહ્યા છે. કોઈને પણ અંદાજ નહોતો કે પળવારમાં રમતનું મેદાન અકસ્માતના સ્થળમાં ફેરવાઈ જશે. એક ખેલાડી પોલ પર લટકતા જ ભારે લોખંડી પોલ અચાનક નીચે તૂટી પડ્યો અને નીચે ઉભેલા યુવકના માથા પર પડ્યો. ઘટનાના દ્રશ્યો જોઈને લોકો પણ હચમચી ગયા છે.

ગુરુગ્રામની સોસાયટીમાં બન્યો ગંભીર અકસ્માત

આ ઘટના ગુરુગ્રામના સેક્ટર-84 સ્થિત અંતરિક્ષ હાઇટ્સ (Antriksh Heights) સોસાયટીની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અહીં આવેલા બાસ્કેટબોલ કોર્ટમાં 9થી 10 જેટલા યુવકો રમત રમી રહ્યા હતા. રમત દરમિયાન એક યુવક બાસ્કેટબોલના રિંગ તરફ ગયો અને પોલ પર લટક્યો. તે જ સમયે પોલનું સંતુલન બગડતાં આખો બાસ્કેટબોલ સ્ટ્રક્ચર ધડાકાભેર નીચે તૂટી પડ્યો.

માથા પર પડ્યો ભારે પોલ, યુવક ગંભીર રીતે ઘાયલ

પોલ સીધો એક સફેદ ટી-શર્ટ પહેરેલા યુવકના માથા પર પડ્યો હતો. ભારે લોખંડી પોલ નીચે દબાઈ જતાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટના બનતા જ અન્ય યુવકો તરત જ તેની મદદ માટે દોડી આવ્યા. સૌએ મળીને પોલ હટાવ્યો અને ઘાયલ યુવકને બહાર કાઢ્યો. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

મેન્ટેનન્સ વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલ

આ અકસ્માત બાદ સોસાયટીની મેન્ટેનન્સ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. રહેવાસીઓ દર મહિને મેન્ટેનન્સના નામે મોટી રકમ ચૂકવતા હોવા છતાં સ્પોર્ટ્સ સાધનોની નિયમિત તપાસ અને સમારકામ થાય છે કે નહીં તે અંગે ચર્ચા શરૂ થઈ છે. રહેવાસીઓનું કહેવું છે કે, જૂના અને જોખમી બનેલા સાધનોની સમયસર તપાસ અને જાળવણી કરવામાં આવે તો આવા અકસ્માતો ટાળી શકાય.

અગાઉ પણ બની ચૂક્યા છે જીવલેણ અકસ્માતો

આ પહેલી વખત નથી જ્યારે બાસ્કેટબોલનો પોલ તૂટી પડવાથી ગંભીર અકસ્માત સર્જાયો હોય. નવેમ્બર 2025 દરમિયાન હરિયાણાના રોહતક અને ઝજ્જરમાં પ્રેક્ટિસ દરમિયાન આવી જ બે અલગ-અલગ ઘટનાઓ બની હતી. આ બંને અકસ્માતોમાં બાસ્કેટબોલ ખેલાડીઓ હાર્દિક રાઠી અને અમનના મોત થયા હતા. ત્યારબાદ રાજ્ય સરકારે સંબંધિત જિલ્લા રમત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા અને તમામ બાસ્કેટબોલ પોલની સુરક્ષા તપાસ કરવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો: દારૂની દુકાનમાં ઘૂસ્યો દીપડો! : પળવારમાં મચી અફરાતફરી, 3 લોકો પર કર્યો હુમલો; CCTVમાં કેદ થઈ રૂંવાડા ઊભા કરી દેતી ઘટના

સુરક્ષા ધોરણો અંગે ફરી ઊભા થયા પ્રશ્નો

ગુરુગ્રામની આ નવી ઘટના બાદ ફરી એકવાર સોસાયટીઓ, શાળાઓ અને રમતગમતના મેદાનોમાં લગાવવામાં આવેલા બાસ્કેટબોલ પોલની ગુણવત્તા અને જાળવણી અંગે પ્રશ્નો ઊભા થયા છે. નિષ્ણાતોનું માનવું છે કે, આવા ભારે સ્ટીલના સ્ટ્રક્ચરની સમયાંતરે ટેક્નિકલ તપાસ, બોલ્ટ-ફાઉન્ડેશનની ચકાસણી અને સલામતી ઓડિટ ફરજિયાત હોવી જોઈએ. નાની બેદરકારી પણ પળવારમાં જીવલેણ અકસ્માતમાં ફેરવાઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now