Home Gujarat Gujarati Tourists Stranded In Dubai In Distress Demand For Special Flights Is Fierce

દુબઈમાં ફસાયેલા ગુજરાતી પર્યટકોની વ્યથા : વન-વે ટિકિટના ભાવ ₹70 હજારને પાર, સ્પેશિયલ ફ્લાઇટની માંગ ઉગ્ર!

દુબઈમાં ફસાયેલા ગુજરાતી પર્યટકોની વ્યથા
Published by: OBS Bureau
Last Updated: Mar 05, 2026, 02:09 PM IST

The plight of Gujarati tourists : દુબઈમાં છેલ્લા પાંચ દિવસથી ફસાયેલા ગુજરાતી પર્યટકોની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. દુબઈ એરપોર્ટ પરની મર્યાદાઓને કારણે અનેક ભારતીયો, ખાસ કરીને ગુજરાતના પર્યટકો, પરત ભારત આવી શકતા નથી. આ મામલે વડોદરાના એડવોકેટ શૈલેષ અમીને પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે અને ભારત સરકારના વિદેશ મંત્રાલય પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. એડવોકેટ શૈલેષ અમીનના જણાવ્યા મુજબ, દુબઈ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશનને લઈને કડક એડવાઇઝરી હોવાને કારણે અનેક મુસાફરો વિકલ્પ તરીકે ફુજૈરાહ, શારજાહ અને અબુધાબી એરપોર્ટ તરફ વળી રહ્યા છે. આ એરપોર્ટો વચ્ચેનું અંતર કાર દ્વારા એકથી બે કલાકનું છે, છતાં દરેક એરપોર્ટની અલગ-અલગ એડવાઇઝરીને કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.મુસાફરો પાસેથી ભારે ભાડા વસૂલવામાં આવી રહ્યું છે

આ પરિસ્થિતિનો લાભ લઈને કેટલીક ઇન્ટરનેશનલ એરલાઈન્સ અને બુકિંગ એજન્ટો દ્વારા મુસાફરો પાસેથી ભારે ભાડા વસૂલવામાં આવી રહ્યા હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે અમદાવાદથી દુબઈની રિટર્ન ટિકિટ 20 થી 25 હજાર રૂપિયામાં મળી રહે છે, જ્યારે હાલ દુબઈથી અમદાવાદ માટે માત્ર વન-વે ટિકિટના ભાવ 60 થી 70 હજાર રૂપિયા સુધી પહોંચી ગયા છે. બીજી તરફ ફુજૈરાહથી ઉપડતી ચાર્ટર્ડ ફ્લાઇટ માટે પ્રતિ મુસાફર લગભગ 85 હજાર રૂપિયા સાથે 18 ટકા GST વસૂલવામાં આવી રહ્યો છે. દુબઈમાં મર્યાદિત દિવસો માટે પર્યટક તરીકે આવેલા ગુજરાતીઓ પાસે મર્યાદિત ખર્ચ હોય છે. પરંતુ અચાનક ફસાઈ જવાને કારણે હોટલનું ભાડું, ખાવા-પીવાનું, ટેક્સી અને મોબાઈલ રોમિંગ જેવા ખર્ચોમાં સતત વધારો થઈ રહ્યો છે.સ્પેશિયલ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવેમુસાફરો દ્વારા ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવામાં આવે ત્યારે વોટ્સએપ પર માત્ર ઓટો જનરેટેડ જવાબ મળતા હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે. ઇમેઇલ દ્વારા પણ માત્ર સામાન્ય સલામતી સૂચનાઓ આપવામાં આવે છે, જ્યારે રહેવા કે પરત ફરવાની વ્યવસ્થા અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવતી નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એડવોકેટ શૈલેષ અમીને ભારત સરકારને અપીલ કરી છે કે, દુબઈમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે તાત્કાલિક સ્પેશિયલ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવે અને વ્યાજબી ભાવે ટિકિટ ઉપલબ્ધ કરાવવામાં આવે. હાલમાં ફસાયેલા પર્યટકોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now