Weather Update: ગુજરાતમાં દિવસેને દિવસે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. ઠંડા પવનો ફૂંકાવાના કારણે ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે હવે આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે. ઉત્તર ભારતના પહાડી પ્રદેશમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે ઉત્તર-પૂર્વ તરફથી આવતા ઠંડા પવન સતત ગુજરાત તરફ ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે રાજ્યનાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જ્યારે બીજી બાજુ ગુજરાતનું કાશ્મીર ગણાતું નલિયામાં પણ શનિવારે 6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ સાથે ગુજરાતના પડોસમાં આવેલ માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઈનસમાં પહોંચી ગયો છે. હવામાન વિભાગે હવામાન અંગે આગાહી કરી છે
નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી અનુસાર આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું છે, જ્યાં લઘુત્તમ તાપમાનનો પારો 6 ડિગ્રી નોંધાયો છે. આ સાથે કંડલા અને ડીસામાં 9 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો વડોદરામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદ અને ભુજમાં 11 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. આબુમાં ઠંડીની મજા માણતા પ્રવાસીઓ અગાઉના દિવસોની જેમ શનિવારે પણ માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ નોંધાયું હતું. આબુમાં -3 ડિગ્રી તાપમાન સાથે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હતા. સવારે સૂર્યોદય સુધી ધુમ્મસવાળું વાતાવરણ રહ્યું હતું. આ દિવસોમાં માઉન્ટ આબુમાં શિયાળો પોતાનો પ્રકોપ બતાવી રહ્યો છે. પ્રવાસીઓ શક્ય તેટલા ગરમ કપડાં પહેરીને શિયાળાની મજા માણતા જોવા મળી રહ્યા છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ રાજ્યમાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કાતિલ ઠંડી પડશે. હાલ જે ઠંડી પડી રહી છે તેમાં આગામી ત્રણ દિવસ ઠંડીમાં આંશિક રાહત મળી શકે છે. ત્યાર બાદ ઠંડીનો પારો વધુ નીચે ગગડી શકે છે. તેમજ 18 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનો કહેર જોવા મળશે. ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં તાપમાનનો પારો ગગડશે.






