Gujarat Weather: રાજ્યમાં સતત ત્રણેક દિવસથી ઠંડા પવનોને કારણે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો. જો કે, ગુજરાતમાં હવે પવનની દિશા બદલાઈ છે. જેના કારણે હવે તાપમાન ઊંચું જઈ રહ્યું છે. લોકોને ઠંડીમાંથી રાહત મળી છે. ત્યારે હવે જાન્યુઆરીના બાકી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તેના અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસમાં ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં આગામી સાત દિવસ સૂકું રહેવાની સંભાવનાઓ છે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે. ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની સંભાવનાઓ ન હોવાની શક્યતાઓ છે. ઉત્તર ભારતમાં બનેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના હવામાન પર જોવા મળી રહી છે.
ઠંડીમાં થશે ઘટાડો
બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, "20 જાન્યુઆરી સુધીમાં હવામાનમાં પલટો આવશે. ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થશે એટલે ઠંડી ઘટશે. તેમજ જાન્યુઆરીના અંતમાં વારંવાર પલટો આવશે. અરબી સમુદ્રના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વારંવાર પલટો આવશે. 22મીથી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે. જેનાથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે."
અંબાલાલ પટેલે માવઠા અંગે આગાહી કરતા જણાવ્યું છે કે, "27, 28 અને 29મી જાન્યુઆરીએ વાદળછાયું અને કોઈક ભાગોમાં માવઠાની શક્યતા રહેશે. તારીખ 18,19 અને 20માં તો ડાંગમાં મોટો પલટો આવવાની શક્યતા છે."
હવામાનમાં આવશે મોટો પલટો
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, "અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે ગુજરાતમાં 21થી 30મી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે અને ફરીથી માવઠું થવાની શક્યતા રહેશે. છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા રહેશે. જેના કારણે 24 જાન્યુઆરીથી ફરીથી ઠંડા પવનો ફૂંકાવાની સાથે ઠંડી વધવાની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યું કે, પોષ માસમાં હિમ પડે તો આવતું વર્ષ સારું રહે. જાન્યુઆરી અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં હાડ થીજવતી ઠંડી પડશે."






