Home Gujarat Gujarat Weather Report Imd Ambala Patel Prediction For Rain And Temperature

ઠંડી માટે રહેજો તૈયાર : અંબાલાલ પટેલે આ તારીખથી ફરી હાડ થીજાવતી ઠંડીની કરી આગાહી

ઠંડી માટે રહેજો તૈયાર
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2025, 05:54 AM IST

Gujarat Weather: ગુજરાતમાં હાલ તાપમાનમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકો ડબલ મોસમનો અનુભવ કરી રહ્યા છે. સવારના સમયે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે બપોરે આંશિક ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આમ ડબલ ઋતુને કારણે લોકો વાઇરલ ઇન્ફેક્શનનો શિકાર બની રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજે અમદાવાદનું લઘુતમ તાપમાન 14 ડિગ્રીની આસપાસ જ્યારે મહત્તમ તાપમાન 28 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

રાજ્યમાં તાપમાનમાં ઘટાડો
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર ગુરુવારે નલિયા 9.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આ સાથે અમદાવાદમાં 14.2 ડિગ્રી, ગાંધીનગરમાં 11.8, રાજકોટમાં 12.1, પોરબંદરમાં 14.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે વડોદરામાં 15.4 અને સુરતમાં 17.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં છેલ્લા બે દિવસથી રાજ્યના મોટા ભાગના શહેરના લઘુતમ તાપમાન ઘટી રહ્યું છે.

અમદાવાદના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ઠંડી અંગેની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. જ્યારે લઘુતમ તાપમાનમાં ડાઉન ટેન્ડેન્સી રહેશે પરંતુ કોઈ મોટો ફેરફાર નહીં થાય. હાલ ગુજરાતમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વની છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેશે. આજે તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે.

ફરી તાપમાનનો પારો ગગડશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આગામી 27 જાન્યુઆરી સુધીમાં પવનની દિશા બદલાતા ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે. જ્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ભાગોમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા રહેશે. તેમજ જૂનાગઢનું લઘુતમ તાપમાન 13 ડિગ્રી આસપાસ રહેશે અને જામનગરમાં પણ ઠંડીનો અહેસાસ થશે. 27મી જાન્યુઆરી સુધી ઠંડીનો અહેસાસ રહી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીની અસર જોવા મળશે.

અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
આ સાથે જ અંબાલાલ પટેલે માવઠાની પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 30થી 31 જાન્યુઆરીમાં બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં દેશના ઉત્તરીય ભાગોમાં મેઘ ગર્જના સાથે માવઠાની શક્યતા રહેશે. દેશના ઉત્તરપ્રદેશથી ગુજરાતના ભાગો સુધી તેની અસર જોવા મળી શકે છે. ફેબ્રુઆરી શરૂઆત સુધીમાં ઉત્તર-પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. કૃષિ પાકોમાં રોગ ન આવે તે માટે પાક સંરક્ષણ પગલાં લેવા જરૂરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now