Home Gujarat Gujarat Weather Rain Forecast Today District Wise April

ગરમી વચ્ચે વરસાદની આગાહી : જાણો આજે કયા જિલ્લાનું બદલાશે હવામાન

કેટલાકા જિલ્લામાં વરસાદની શક્યતા
Published by: Niraj Chokshi
Last Updated: Apr 20, 2026, 01:30 AM IST

ગુજરાતમાં ઉનાળાની ગરમી વચ્ચે અચાનક વરસાદની શક્યતાએ લોકોમાં ઉત્સુકતા ઉભી કરે છે. હાલના હવામાનના અંદાજ મુજબ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પ્રભાવ યથાવત રહેવાનો છે પરંતુ કેટલાક જિલ્લાઓમાં હવામાનમાં આંશિક ફેરફાર થશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન સતત વધતું રહ્યું છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહ્યું છે. આ પરિસ્થિતિમાં લોકો ગરમીથી ભારે પરેશાન છે. હવે વરસાદથી શહેરી વિસ્તારમાં ઠંડક થઈ શકે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી પાક નિષ્ફળ થવાની છે ચિંતા.

ક્યાં વિસ્તારોમાં પડી શકે વરસાદ?

હવામાન વિભાગના અંદાજ મુજબ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં પણ અચાનક હવામાન બદલાઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા ઝાપટાંની શક્યતા વ્યક્ત કરાઈ છે.

ગરમી વચ્ચે વરસાદ

ગરમી દરમિયાન અચાનક વરસાદ પડવાની ઘટના હવામાન વિજ્ઞાન મુજબ સામાન્ય છે. જ્યારે જમીનનું તાપમાન વધારે હોય છે ત્યારે નીચેની હવા ગરમ થઈને ઉપર જાય છે. ઉપરના સ્તરે જો ઠંડી હવા હોય અથવા દબાણમાં ફેરફાર થાય તો વાદળો ઝડપથી બને છે. આ પ્રક્રિયા દરમિયાન ગાજવીજ, પવન અને હળવા વરસાદની પરિસ્થિતિ સર્જાતી હોય છે.

આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે?

હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ આગામી 2થી 3 દિવસ સુધી ગુજરાતમાં ગરમીમાં કોઈ ખાસ ઘટાડો થવાની શક્યતા નથી. કેટલાક વિસ્તારોમાં હીટવેવ જેવી સ્થિતિ રહી શકે છે. દિવસ દરમિયાન તાપમાન વધુ રહેવાના કારણે લોકો માટે સાવચેતી જરૂરી બની રહે છે. વરસાદની વાત કરીએ તો તે માત્ર છૂટાછવાયા અને ટૂંકા ગાળાનો રહેશે. રાજ્યમાં હાલમાં કોઈ મોટી વેધર સિસ્ટમ સક્રિય નથી, એટલે વ્યાપક કે ભારે વરસાદની શક્યતા હાલ નથી.

લોકો માટે જરૂરી સૂચનો

આવા બદલાતા હવામાનમાં આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. દિવસ દરમિયાન વધુ ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. પૂરતું પાણી પીવું, હળવા કપડાં પહેરવા અને સૂર્યપ્રકાશથી બચવા માટે ટોપી કે છત્રીનો ઉપયોગ કરવો જોઈએ.

જો કોઈ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થાય તો ખુલ્લા મેદાનમાં રહેવાનું ટાળવું, વૃક્ષ નીચે ના ઊભું રહેવું. વીજળી પડવાની શક્યતા હોવાથી સાવચેત રહેવું જરૂરી છે.

ગુજરાતમાં હાલમાં ગરમીનો પ્રભાવ જ વધુ રહેશે, પરંતુ કેટલાક જિલ્લાઓમાં અચાનક હવામાનમાં ફેરફાર આવી શકે છે. હળવા વરસાદથી થોડોક સમય રાહત મળી શકે છે પરંતુ લાંબા ગાળે ગરમીમાં કોઈ ખાસ ઘટાડો થવાનો નથી. તેથી લોકો માટે સાવચેતી રાખવી અને હવામાન મુજબ પોતાની દિનચર્યામાં ફેરફાર કરવો તે જરૂરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now