Gujarat Weather: ગુજરાતના હવામાનમાં ફરીથી પલટો આવવાની શક્યતા છે. આવતીકાલથી એટલે કે, મંગળવારથી ઠંડી ઘટવાની આગાહી પણ દર્શાવવામાં આવી છે.
ગુજરાતમાં હાલ ઉત્તર-પૂર્વીય પવનને કારણે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. કોલ્ડવેવની અસરને કારણે રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ત્યારે ગુજરાતનું કાશ્મીર ગણાતું નલિયામાં લઘુતમ તાપમાન 6.2 ડિગ્રી નોંધાયું હતું, આ સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. તેમજ અમદાવાદનું લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આજે પણ કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. કચ્છમાં યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ રાજ્યમાં આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે. આ સાથે ગુજરાતના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાનો નથી. આજે કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાશે. સોમવારે કચ્છમાં કોલ્ડવેવની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જો કે, બાકીના જિલ્લાઓમાં કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી.
લોકો ઠંડીમાં ઠુઠવાયા સમગ્ર રાજ્યમાં ફૂંકાયેલા ઠંડા અને શુષ્ક પવનને કારણે મોડી રાતથી સવાર સુધી કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. બીજી તરફ દિવસભર ઠંડો પવન ફૂંકાતો રહે છે. દિવસનું તાપમાન પણ સામાન્યથી બે ડિગ્રી ઓછું નોંધાયું હતું. દિવસે પણ લોકો સ્વેટર પહેરી બહાર નીકળતા નજરે પડ્યા હતા. જો કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે પરંતુ ફરી પવનની દિશા બદલાવવાના કારણે ઠંડીમાં ઘટાડો થશે.






