Gujarat weather:સમગ્ર રાજ્યમાં શિયાળની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે અને છેલ્લા એક સપ્તાહથી કડકડતી ઠંડીની કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આ સાથે પવનની ગતિ સામાન્યથી વધુ રહેતા ઠંડીની તીવ્રતા વધી છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે. ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનો મિજાજ કેવો રહેશે તે અંગેની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ઠંડીને લઈ આગાહી કરવામાં છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 5 દિવસ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની આગાહી છે. ગુજરાતમાં આગામી 24 કલાકમાં કચ્છના કેટલાક વિસ્તારોમાં કોલ્ડવેવ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ઠંડી વધવાનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને જણાવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં નલિયાનું તાપમાન રાજ્યમાં સૌથી નીચું નોંધાયું છે. આ મોસમમાં પહેલીવાર નલિયાનું તાપમાન 6.2 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાનું તાપમાન 13.7 ડિગ્રી, વડોદરામાં 10 ડિગ્રી, ડીસામાં 10.3, ગાંધીનગરમાં 12.7, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 13 અને સુરતમાં 14.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ઠંડીની આગાહી કરતા જણાવ્યું કે, હાલ પવનની ગતિમાં વધારો થયો છે. રાજ્યમાં 14થી 20 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તેમજ રાજ્યમાં 14 ડિસેમ્બર સુધી પવનની ગતિ આવી જ રહેવાની સંભાવના છે. હાલ તાપમાન 30 ડિગ્રી કરતા નીચું ગગડ્યું છે. સમગ્ર રાજ્યમાં 12-13 તારીખ સુધી ઠંડી જોવા મળી શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીનો પારો ગગડશે
પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે, આવનારા દિવસોમાં ડિસેમ્બર મહિનામાં જ કોલ્ડવેવનો એક રાઉન્ડ આવી શકે છે. ઉત્તર ભારતના પહાડી પ્રદેશો પરથી બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે. તેમજ 16થી 18 તારીખ દરમિયાન એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય તેવું એક અનુમાન છે. જો એવું થશે તો 18 તારીખથી એક મોટો કોલ્ડવેવનો રાઉન્ડ આવી શકે છે. જેને લઈ રાજ્યમાં આગામી દિવસોમાં હાલ કરતા ઠંડી વધુ તીવ્ર પડી શકે છે.






