Gujarat Weather: રાજ્યમાં લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતા લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ઉત્તર અને ઉત્તર-પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા પવન ફૂંકાઈ રહ્યા છે. કચ્છના નલિયામાં આજે 6.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે. ગુજરાતની સાથે માઉન્ટ આબુમાં પણ પારો ગગડીને માઈનસ 3 ડિગ્રી થઈ જતાં ઠેર-ઠેર બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. ક્રિસમસ વેકેશનની મજા માણવા આવેલા પ્રવાસીઓ માઈનસ તાપમાનમાં પણ મોજ માણતા જોવા મળી રહ્યા છે.
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસમોમાં ઠંડીને લઈ આગાહી કરતા જણાવ્યુ કે, કચ્છ - સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. આ ઉપરાંત કોલ્ડવેવ અને માવઠાની કોઈ આગાહી કરવામાં આવી નથી.
ઠંડા પવનોને કારણે દિવસભર ઠંડકનો અહેસાસ
નોંધનીય છે કે, રાજ્યના વિવિધ શહેરમાં પવનની ગતિ સામાન્યથી વધુ રહેતા દિવસભર ઠંડકનો અહેસાસ થયો હતો. હવામાન નિષ્ણાતોએ ઉત્તરાયણ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાનમાં પલટા સાથે વરસાદ થવાની આગાહી કરી છે. જ્યારે 4થી 8 જાન્યુઆરી દરમિયાન ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ડીસામાં 9.6 ડિગ્રી, ગાંધીનગરમાં 10.6 ડિગ્રી, ભુજમાં 10.8 ડિગ્રી, રાજકોટમાં 11 ડિગ્રી, અમદાવાદમાં 13 ડિગ્રી, પોરબંદરમાં 14.6 ડિગ્રી, વડોદરામાં 15.2 ડિગ્રી, દ્વારકામાં 16 ડિગ્રી, સુરતમાં 18.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
આગામી દિવસોમાં માવઠાની આગાહી
હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સર્જાય તેવી શક્યતા છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે 12થી 18 જાન્યુઆરી દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. જેમાં ખાસ કરીને પૂર્વ, ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થશે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ આ દિવસો દરમિયાન વાતાવરણમાં પલટાય શકે છે. સૌરાષ્ટ્ર, જામનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની પણ આગાહી આપવામાં આવી છે. આ સાથે 4થી 8 જાન્યુઆરી દરમિયાન ઉત્તર, મધ્ય ગુજરાત, પંચમહાલ અને સાબરકાંઠાના કેટલાક ભાગોમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા છે. જેમાં તાપમાનનો પારો 8 ડિગ્રીથી નીચે જઈ શકે છે.
'ગુજરાતીઓને અભણ કહેતા પહેલા ઇતિહાસ જાણી લેવો જોઈએ': ખડગેના નિવેદન પર માયાભાઈ આહીરનો જડબાતોડ જવાબ






