Home Agriculture Gujarat Sets New Record In Fish Production Became The Countrys Second Largest Producer

ગુજરાતે બનાવ્યો માછલી ઉત્પાદનમાં નવો રેકોર્ડ : બન્યું દેશનું બીજું સૌથી મોટું ઉત્પાદક, જાણો કેટલો થયો વધારો?

ગુજરાતે બનાવ્યો માછલી ઉત્પાદનમાં નવો રેકોર્ડ
Published by: OBS Bureau
Last Updated: Nov 26, 2025, 07:28 AM IST

Gujarat Fish Economy: ગુજરાતના 2,340 કિલોમીટર લાંબા દરિયાકાંઠે આજે નવી ચમક ઝિલાઈ રહી છે. રાજ્યે દરિયાઈ માછલી ઉત્પાદનમાં નવો રેકોર્ડ નોંધાવ્યો છે અને ભારતનો બીજું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય બની ગયું છે. છેલ્લા ચાર વર્ષમાં સરેરાશ 8.56 લાખ મેટ્રિક ટન ઉત્પાદન સાથે ગુજરાતનું મત્સ્ય અર્થતંત્ર ઝડપથી વિકાસના પથ પર આગળ વધી રહ્યું છે.

ધોલાઈ બંદરથી દરિયાકાંઠે નવી જીવંતતા

નવસારી જિલ્લાના અંબિકા નદી કિનારે આવેલું ધોલાઈ બંદર આ વિકાસનું જીવંત ઉદાહરણ છે. 1995માં નિર્માણ પામેલું આ બંદર આજે દરરોજ સેંકડો બોટનું આગમન-પ્રસ્થાન કરે છે. સવારથી સાંજ સુધી બંદર અને આસપાસનાં બજારો ધમધમી ઊઠે છે. તાજી માછલીઓની ખરીદ-વેચાણની ધમાલથી આખો વિસ્તાર જાણે ફરી જીવંત થયો હોય તેમ લાગે છે.

માછીમારોનું બદલાતું નસીબ

એક સમયે અનિશ્ચિત આવક સાથે સંઘર્ષ કરતા માછીમારોના જીવનમાં આજે સ્થિરતા અને આત્મવિશ્વાસ આવ્યો છે. દરિયાકાંઠાના ગામોમાં રહેતી મહિલાઓ પણ આ અર્થતંત્રનો મહત્વનો હિસ્સો બની છે. ઘણી મહિલાઓ વધારાની માછલી ખરીદીને અન્ય જિલ્લાઓમાં સપ્લાય કરી વધુ આવક મેળવે છે.

સરકારનું ₹1,622 કરોડનું મોટું પેકેજ

ગુજરાત સરકારે મત્સ્ય ઉદ્યોગને વેગ આપવા ₹1,622 કરોડના વિશેષ પેકેજની જાહેરાત કરી છે, જેમાં શામેલ છે.

ઝીંગા ઉત્પાદનમાં વધારો

કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓનો વિસ્તાર

પાંજરા સંવર્ધન (કેજ કલ્ચર) નો પ્રોત્સાહન

માછલીના ઉપ-ઉત્પાદનોના ઉત્પાદન એકમો

આ બધું માછીમારીથી નિકાસ સુધીની સમગ્ર સપ્લાય ચેઇનને આધુનિક અને વધુ નફાકારક બનાવવા માટે છે.

નિકાસમાં દસ ગણો વધારો

2001માં ગુજરાતની માછલી નિકાસ માત્ર ₹625 કરોડ હતી, જે 2023-24માં વધીને ₹6,087 કરોડ થઈ ગઈ છે – એટલે કે લગભગ દસ ગણી વૃદ્ધિ! નિકાસનું પ્રમાણ પણ 1.32 લાખ મેટ્રિક ટનથી વધીને 3.37 લાખ મેટ્રિક ટન થયું છે. આજે ગુજરાતની તાજી અને પ્રોસેસ્ડ માછલી વિશ્વના અનેક દેશોમાં પહોંચી રહી છે અને રાજ્યના દરિયાકાંઠાના લોકોના જીવનમાં સમૃદ્ધિનો નવો પ્રકાશ લાવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now