logo-img
Gujarat Police Psi Recruitment Result Declared

PSI ભરતીના ઉમેદવારોની આતુરતાનો અંત : ગુજરાત પોલીસ ભરતી બોર્ડે જાહેર કરી હંગામી પસંદગી યાદી

PSI ભરતીના ઉમેદવારોની આતુરતાનો અંત
Published by: Offbeat Team
| Last Updated: Feb 23, 2026, 04:45 PM IST

ગુજરાત પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર બનવાનું સ્વપ્ન જોતા હજારો યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પો.સ.ઇ. કેડરની ખાલી જગ્યાઓ ભરવા માટે હાથ ધરવામાં આવેલી લાંબી પ્રક્રિયાના અંતે પ્રોવિઝનલ સિલેક્શન લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા રાજ્ય પોલીસ દળને નવા અને ઉત્સાહી અધિકારીઓ મળશે. બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી આ યાદીમાં અનેક તેજસ્વી ઉમેદવારોએ સ્થાન મેળવ્યું છે.

નોંધનીય છે કે જાહેરાત ક્રમાંક GPRB/202324/1 હેઠળ કુલ 472 પદો માટે આ ભરતી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સફરની શરૂઆત શારીરિક કસોટીથી થઈ હતી જેમાં 460000 કરતા પણ વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમાંથી સફળ થયેલા અંદાજે 1 લાખથી વધારે ઉમેદવારોએ 13.04.2025ના રોજ લેખિત પરીક્ષા આપી હતી. લેખિત કસોટીના પરિણામોને આધારે કુલ 1023 જેટલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા.

દસ્તાવેજ ચકાસણીની આ પ્રક્રિયા 05.02.2026 થી 10.02.2026 દરમિયાન પૂર્ણ કરવામાં આવી હતી. તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ બાદ ભરતી બોર્ડે 472 ઉમેદવારોની પ્રોવિઝનલ સિલેક્શન લિસ્ટ તૈયાર કરી છે. આ ઉપરાંત ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 95 ઉમેદવારોનો સમાવેશ પ્રોવિઝનલ વેઇટિંગ લિસ્ટમાં પણ કરવામાં આવ્યો છે.

ઉમેદવારો આ બંને યાદીઓ પોલીસ ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને જોઈ શકે છે. લાખો અરજદારો વચ્ચે ચાલેલી આ સ્પર્ધાત્મક પ્રક્રિયાના અંતે હવે ગુજરાત પોલીસને ટૂંક સમયમાં નવા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરો પ્રાપ્ત થશે. સફળ થયેલા ઉમેદવારોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now