Home Gujarat Gujarat Police Cctv Integration Mission Better Policing Gs Malik

ગુજરાત પોલીસનું ‘મિશન બેટર પોલિસિંગ’ વધુ ગતિશીલ : ખાનગી CCTV કેમેરાને પોલીસ નેટવર્ક સાથે જોડવા DGP જી.એસ. મલિકનો ભાર

dgp જી.એસ. મલિક
Published by: Chintan Chavda
Last Updated: Jun 12, 2026, 01:05 PM IST

ગુજરાતના પોલીસ વડા જી.એસ. મલિકના અધ્યક્ષસ્થાને ગાંધીનગર સ્થિત પોલીસ ભવનમાંથી રાજ્યવ્યાપી મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. ટેક્નોલોજી અને જનભાગીદારીના સમન્વયથી રાજ્યના સુરક્ષા માળખાને વધુ મજબૂત બનાવવાના હેતુથી યોજાયેલી આ બેઠકમાં તમામ પોલીસ કમિશનર, રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા (SP) અને વિવિધ પોલીસ યુનિટના વડાઓ ઓનલાઈન જોડાયા હતા.

બેઠક દરમિયાન કાયદો અને વ્યવસ્થા, ગુના નિયંત્રણ, નાગરિકોની ફરિયાદોના ઝડપી નિવારણ, પોલીસ દળની ફિટનેસ અને ‘મિશન બેટર પોલિસિંગ’ સહિતના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

ખાનગી CCTV કેમેરાને પોલીસ નેટવર્ક સાથે જોડવા વિશેષ ભાર

બેઠકનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો રાજ્યના ડિજિટલ સુરક્ષા કવચને વધુ મજબૂત બનાવવાનો હતો. ડીજીપી જી.એસ. મલિકે ખાનગી ધોરણે લગાવવામાં આવેલા CCTV કેમેરાઓને પોલીસના મોનિટરિંગ અને સર્વેલન્સ નેટવર્ક સાથે ઇન્ટિગ્રેટ કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા સૂચના આપી હતી.

ગીર સોમનાથમાં સાયબર સેલનો મોટો સપાટો: ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ માં 310 કરોડના સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ

તેમણે જણાવ્યું કે શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં રીઅલ ટાઈમ સર્વેલન્સ ક્ષમતા વધારવાથી ગુનાઓની અટકાયત, ગુનાઓના ભેદ ઉકેલવામાં સહાય અને તપાસ પ્રક્રિયાને વધુ સચોટ બનાવી શકાય છે. આ માટે લોકભાગીદારીને મહત્વપૂર્ણ ગણાવી વધુમાં વધુ CCTV નેટવર્ક ઊભું કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

પ્રોએક્ટિવ પોલિસિંગ અને ફરિયાદ નિવારણ પર ભાર

રાજ્યની કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા દરમિયાન ડીજીપીએ અધિકારીઓને ‘પ્રોએક્ટિવ પોલિસિંગ’નો અભિગમ અપનાવવા સૂચના આપી હતી. ગુનાઓ બન્યા પછીની કાર્યવાહી કરતાં ગુનાઓ અટકાવવા માટેની પૂર્વ તૈયારી અને સતત દેખરેખ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

નાગરિકોની ફરિયાદોનું ઝડપી, પારદર્શક અને સંતોષકારક નિરાકરણ લાવવા માટે Public Grievance Redressal Systemને વધુ મજબૂત બનાવવા પણ નિર્દેશ આપવામાં આવ્યા હતા. વિવિધ સ્તરે મળતી અરજીઓ અને ફરિયાદોના સમયસર નિકાલ માટે અધિકારીઓને જવાબદારીપૂર્વક કામગીરી કરવા જણાવાયું હતું.
ગુના નિયંત્રણ અને વૈજ્ઞાનિક તપાસ પર ધ્યાન

બેઠકમાં ગુનાખોરી અટકાવવા, ગુનાઓનો ભેદ ઉકેલવા અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સમયબદ્ધ તપાસ કરવા માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તપાસને વધુ અસરકારક બનાવવાના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ડીજીપીએ પોલીસ અધિકારીઓને ગુનાઓની તપાસમાં ગુણવત્તા અને ઝડપ બંને જાળવવા સૂચના આપી હતી. ખાસ કરીને ગંભીર ગુનાઓમાં ટેક્નિકલ પુરાવા અને ડિજિટલ ફોરેન્સિક્સનો વધુ ઉપયોગ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પોલીસ કર્મચારીઓની ફિટનેસ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ

બે કલાકથી વધુ સમય ચાલેલી મેરેથોન બેઠકમાં પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્ય અને માનસિક સુખાકારીના મુદ્દાઓ પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. ડીજીપીએ પોલીસ દળ શારીરિક અને માનસિક રીતે સક્ષમ રહે તે માટે નિયમિત ફિટનેસ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમો ચલાવવા સૂચના આપી હતી.

પોલીસ કર્મચારીઓમાં વધતા કાર્યભાર અને માનસિક દબાણને ધ્યાનમાં રાખીને વિવિધ કલ્યાણકારી પગલાંઓના અમલીકરણ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

GP-SMASH, બોડી વોર્ન કેમેરા અને ઓનલાઈન સિસ્ટમને પ્રોત્સાહન

સોશિયલ મીડિયા મારફતે મળતી ફરિયાદોના ઝડપી નિવારણ માટે GP-SMASH પ્રોજેક્ટને વધુ મજબૂત બનાવવા તેમજ PG પોર્ટલ પર આવતી અરજીઓનો સમયસર નિકાલ કરવા તાકીદ કરવામાં આવી હતી.

આ ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનમાં સ્વચ્છતા જાળવવા, SRP પોઈન્ટ્સનું નિયમિત ચેકિંગ, ફરજ દરમિયાન બોડી વોર્ન કેમેરાનો ફરજિયાત ઉપયોગ અને સમન્સ-વોરંટની ઓનલાઈન બજવણીને વેગ આપવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
વ્યાજખોરો અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી

ડીજીપીએ પ્રજાની સુરક્ષા અને સુખાકારીને ધ્યાનમાં રાખીને વ્યાજખોરો સામેની ઝુંબેશ વધુ સક્રિય બનાવવા સૂચના આપી હતી. સાથે જ અસામાજિક તત્વો સામે પાસા અને તડીપાર જેવી કડક કાર્યવાહી ચાલુ રાખવા આદેશ આપવામાં આવ્યા હતા.

ગેરકાયદેસર દબાણો દૂર કરવા, FIR માં તમામ વિગતો સાથે ઝડપી નોંધણી અને આરોપીઓની ત્વરિત ધરપકડ જેવા કોર પોલીસિંગના મુદ્દાઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

‘મિશન બેટર પોલિસિંગ’ની પ્રગતિની સમીક્ષા

પોલીસિંગ વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને નાગરિક-કેન્દ્રિત બનાવવા માટે ‘મિશન બેટર પોલિસિંગ’ અંતર્ગત રચાયેલી વિવિધ સમિતિઓની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકના અંતે ડીજીપી જી.એસ. મલિકે તમામ અધિકારીઓને સમયમર્યાદામાં નિર્ણયોનો અસરકારક અમલ સુનિશ્ચિત કરવા અને રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે કામગીરી કરવાની સૂચના આપી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now