ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ દ્વારા ચલાવવામાં આવી રહેલા 'ઓપરેશન મ્યૂલ હન્ટ 2.0' અંતર્ગત રાજ્યભરમાં સાયબર ઠગાઈ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી અલગ-અલગ 5 ગુનાઓમાં કુલ 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર, સુરત અને વડોદરા ઝોનની ટીમોએ સંયુક્ત તપાસ દરમિયાન સાયબર ફ્રોડ માટે બેંક ખાતાં ઉપલબ્ધ કરાવતી ગેંગો, ખોટી કંપનીઓના નામે ખાતાં ચલાવતું નેટવર્ક અને મની મ્યૂલ એકાઉન્ટના રેકેટનો પર્દાફાશ કર્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ મુખ્યત્વે એવા કોર્પોરેટ અથવા કરંટ બેંક ખાતાં શોધતા હતા જેમાં એકસાથે મોટી સંખ્યામાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન (Bulk Mode) કરવાની સુવિધા ઉપલબ્ધ હોય. આવા ખાતાઓનો ઉપયોગ દેશભરમાં થતા સાયબર ફ્રોડની રકમ ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવતો હતો.
ગાંધીનગર ઝોનમાં 6 આરોપીઓ ઝડપાયા
સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સના SP રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે ગાંધીનગર ઝોનને મળેલી બાતમીના આધારે વાયરલેસ PI કેતુલ મોદીની ટીમે કાર્યવાહી કરીને 6 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે ગેંગ એવા ખાતાધારકોને શોધતી હતી જેમની પાસે કોર્પોરેટ અથવા બિઝનેસ સાથે જોડાયેલા કરંટ એકાઉન્ટ હોય. પ્રથમ ખાતાની ટ્રાન્ઝેક્શન ક્ષમતાની ચકાસણી કરવામાં આવતી અને ત્યારબાદ ખાતાધારકના મોબાઇલમાં APK ફાઇલ મારફતે એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવવામાં આવતી, જેથી વારંવાર OTPની જરૂરિયાત ન રહે અને ખાતાનું સંચાલન સરળતાથી થઈ શકે.
પોલીસે આ કેસમાં ચૌધરી અંકુર (મહેસાણા), પટેલ ચેતન (વિસનગર), પંચાલ કિરણ (નાનાચિલોડા), રબારી સુરેશ (નિકોલ), રાવળ રાજકુમાર (નિકોલ) અને પરમાર અક્ષયસિંહ (મુંબઈ)ની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, કેટલાક આરોપીઓ ખાતાં ઉપલબ્ધ કરાવતા હતા, જ્યારે અન્ય આરોપીઓ ખાતાંનું ઓનલાઈન ચેકિંગ અને APK ઇન્સ્ટોલ કરાવવાની કામગીરી સંભાળતા હતા.
સુરતમાં ₹116 કરોડના સાયબર ફ્રોડ સાથે જોડાયેલી ગેંગ ઝડપાઈ
ઓપરેશન દરમિયાન સુરત ઝોને પણ મોટી સફળતા મેળવી છે. પોલીસે 7 આરોપીઓની ગેંગની ધરપકડ કરી છે, જે મોટા વરાછા અને જહાંગીરપુરા વિસ્તારમાં બે ઓફિસ ચલાવી સમગ્ર નેટવર્ક સંચાલિત કરતી હતી. પ્રાથમિક તપાસ મુજબ, આ ગેંગની કડી દેશના 21 રાજ્યોમાં નોંધાયેલા 146થી વધુ સાયબર ફ્રોડ કેસો સાથે જોડાયેલી હોવાનું સામે આવ્યું છે. આ કેસોમાં ₹116 કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાની માહિતી મળી છે. ગેંગ સામે અત્યાર સુધી 14 ફરિયાદો નોંધાઈ હોવાનું પોલીસે જણાવ્યું છે.
વડોદરામાં MBA વિદ્યાર્થી સહિત 4 આરોપીઓ ઝડપાયા
વડોદરા ઝોનમાં નોંધાયેલા એક કેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં પારુલ યુનિવર્સિટીમાં MBAનો અભ્યાસ કરતા અભિલાષ મિશ્રાની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, અભિલાષે પોતાના નામે 10થી વધુ બેંક ખાતાં ખોલીને સહ-આરોપીઓને ઉપલબ્ધ કરાવ્યાં હતાં. આ ખાતાઓનો ઉપયોગ સાયબર ઠગાઈના નાણાંના વ્યવહારો માટે થતો હોવાની શંકા છે.
આ પણ વાંચો: સાયબર ઠગો પર ગુજરાત પોલીસનો સકંજો : ઓપરેશન ‘મ્યુલ હન્ટ 2.0’માં આંતરરાજ્ય સાયબર ગેંગના 6 સાગરીતો ઝડપાયા
અમદાવાદમાં ₹161 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન તપાસ હેઠળ
સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સે જણાવ્યું કે બે દિવસ પહેલાં અમદાવાદમાં પણ એક વ્યક્તિ સાથે જોડાયેલા આશરે ₹161 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન તપાસ હેઠળ લેવામાં આવ્યા છે. આ કેસમાં નાણાંના સ્ત્રોત, લાભાર્થીઓ અને સંભવિત સાયબર ફ્રોડ સાથેના સંબંધોની તપાસ ચાલી રહી છે.
મની મ્યૂલ એકાઉન્ટ સામે કડક કાર્યવાહી
ગુજરાત પોલીસનું કહેવું છે કે સાયબર ઠગાઈમાં હવે માત્ર મુખ્ય આરોપીઓ જ નહીં, પરંતુ પોતાના બેંક ખાતાં ભાડે આપતા અથવા કમિશન માટે ઉપયોગ કરવા દેતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે લોકોને ચેતવણી આપી છે કે કોઈપણ અજાણ્યા વ્યક્તિને પોતાનું બેંક ખાતું, ATM કાર્ડ, ચેકબુક, ઇન્ટરનેટ બેન્કિંગ અથવા OTP સંબંધિત માહિતી આપવી નહીં. આવા કૃત્યમાં સંડોવણી સામે આવે તો કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.






