ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરી છે. રાજ્ય ચૂંટણી કમિશનર ડૉ.એસ.મુરલીક્રિષ્નાએ આ જાહેરાત કરી છે. જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકાઓ, કઠવાડા, કપડવંજ, ગાંધીનગર તાલુકા પંચાયતોની ચૂંટણી, બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.
66 નગરપાલિકાઓ અને અન્ય ચૂંટણીઓ માટે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. 27 જાન્યુઆરીથી ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 1 ફેબ્રુઆરી છે. મહત્વનું છે કે ધાનેરા નગરપાલિકાનો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી.
ક્યા ક્યા યોજાશે ચૂંટણી?
જૂનાગઢ મહાનગરપાલિકા
66 નગરપાલિકા
કઠવાડા, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયત
મધ્યસત્ર ચૂંટણી- બોટાદ અને વાંકાનેર નગરપાલિકા
ક્યા ક્યા યોજાશે પેટાચૂંટણી?
મહાનગરપાલિકાની 3 બેઠકો, નગરપાલિકાની 21 બેઠકો, જિલ્લા પંચાયતની 9 તો તાલુકા પંચાયતની 91 બેઠકો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો
21 જાન્યુઆરી,2025એ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી. 27 જાન્યુઆરી જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ છે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 1 ફેબ્રુઆરી છે. ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 3 ફેબ્રુઆરી છે. ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 4 ફેબ્રુઆરી છે. મતદાનની તારીખ 16 ફેબ્રુઆરી સવારના 7 કલાકથી સાંજના 6 વાગ્યાનો છે. પુન:મતદાનની તારીખ (જો જરૂર જણાય તો) 17 ફેબ્રુઆરી છે. મત ગણતરીની તારીખ 18 ફેબ્રુઆરીની છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 21 ફેબ્રુઆરી છે.
ધાનેરાની ચૂંટણી કેમ ના થઈ જાહેર?
બનાસકાંઠામાં ધાનેરા નગરપાલિકાની ચૂંટણી ઉગ્ર વિરોધના વાતાવરણ વચ્ચે ટાળવામાં આવી છે. મહત્વનું છે કે થોડા દિવસો અગાઉ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું, જેમાં વાવ-થરાદ નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો. ધાનેરાનો સમાવેશ વાવ-થરાદમાં કરવામાં આવ્યો, જેને લઈ નારાજગી જોવા મળી હતી. ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં આવે તેવી ઉગ્ર માગ થઈ રહી છે.





