Gujarat Elections: ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અટકેલી પાલિકા અને પંચાયતોની ચૂંટણીને લઈને મહત્વનું અપડેટ સામે આવ્યુ છે. મળતી માહિતી મુજબ આગામી બુધ કે ગુરૂવારના દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઇ શકે છે. જ્યારે 13 કે 14 ફેબ્રુઆરીના રોજ મતદાન અને 16 ફેબ્રુઆરીના દિવસે પરિણામોની આવવાની શક્યતાઓ છે.
કેબિનેટ બેઠક બાદ જાહેર થઈ શકે છે તારીખ
રાજ્યમાં પાલિકા અને પંચાયતો પર લાંબા સમયથી લંબાઇ રહેલી ચૂંટણીઓ આવતા સપ્તાહે જાહેર થઇ શકે છે. બુધવારે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળ્યા બાદ રાજ્ય ચૂંટણી પંચ તારીખો જાહેર કરી શકે છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરીએ શરૂ થવા જઇ રહ્યું છે, તે પહેલાં આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે તેવી શક્યતા છે. આ માટેનું જાહેરનામું જાન્યુઆરી માસના અંતિમ દિવસોમાં બહાર પડવાનું હોવાથી ફોર્મ ભરવાથી માંડીને મતદાન સુધીમાં ઉમેદવારોને પ્રચાર માટે માંડ દસેક દિવસનો સમય મળશે.
અગાઉ બેઠકોની યાદી જાહેર કરવામાં આવી હતી
મળતી માહિતી અનુસાર આ ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામતની જોગવાઇ લાગુ કરવાની હોવાથી અગાઉ ચૂંટણીઓ લંબાઇ હતી. ત્યારબાદ નવેસરથી સીમાંકન અને રોસ્ટર અમલી કરવાનું હોવાથી મુદત વીત્યા બાદ પણ અઢી વર્ષથી આ ચૂંટણીઓ ટળતા વહીવટદાર શાસન લાદવામાં આવ્યું હતું. જો કે, હવે ખેડા અને બનાસકાંઠા એમ બે જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 78 નગરપાલિકા બેઠક અને જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ ઉપરાંત કેટલીક પાલિકા અને પંચાયતોની પેટાચૂંટણીઓ યોજાશે. આ અગાઉ બીજી જાન્યુઆરીએ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓ હેઠળ જનારી બેઠકોની યાદી જાહેર કરવામાં આવી હતી. પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ અધિકારીઓની નિયુક્તિ કરાઈ છે.
'ગુજરાતીઓને અભણ કહેતા પહેલા ઇતિહાસ જાણી લેવો જોઈએ': ખડગેના નિવેદન પર માયાભાઈ આહીરનો જડબાતોડ જવાબ






