Narendra Modi : ગુજરાત સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવાના અવસરે રાજ્યવ્યાપી સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર આ ગૌરવશાળી સમયગાળાને એક મોટા ઉત્સવ તરીકે ઉજવશે. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સુશાસન અને રાષ્ટ્રનિર્માણના કાર્યોને પ્રજા સુધી સીધા પહોંચાડવાનો છે. આ અંગે કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચા બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં વિગતો આપી હતી.
મીડિયા સંવાદથી શરૂઆત
આ રાષ્ટ્રીય ઉજવણીની શરૂઆત આગામી 8 અને 9 જૂનના રોજ દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રીમંડળના મીડિયા સંવાદથી થશે. ગુજરાતમાં પણ આ અંતર્ગત વિશેષ આયોજન છે, જેમાં 11 અને 12 જૂનના રોજ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યો મીડિયા સાથે રૂબરૂ મુલાકાત કરશે. આ સંવાદ દરમિયાન છેલ્લા 12 વર્ષોમાં દેશ અને રાજ્યમાં થયેલા અભૂતપૂર્વ પરિવર્તનો તેમજ વિકાસના કાર્યોની વિસ્તૃત માહિતી આપવામાં આવશે.
પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન
પર્યાવરણના જતન માટે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસથી રાજ્યભરમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન શરૂ કરાશે. શાળાઓ, કોલેજો અને સામાજિક સંસ્થાઓના સહયોગથી સમગ્ર ગુજરાતમાં 6 કરોડ વૃક્ષો વાવવાનો મોટો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ સાથે 8 થી 14 જૂન દરમિયાન પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પર ભાર મૂકીને તમામ ગામડાઓ અને શહેરોમાં મોટી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
ઘરઆંગણે સરકારી સેવાઓ
રાજ્યના નાગરિકોને સરળતાથી સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે 12 થી 20 જૂન દરમિયાન ‘જનકલ્યાણ શિબિરો’ યોજાશે. આ શિબિરો જાણીતા સેવા સેતુ મોડલ પર આધારિત હશે. જેમાં આયુષ્માન ભારત, પીએમ સૂર્ય ઘર યોજના, લખપતિ દીદી અને પીએમ સ્વનિધિ જેવી મહત્વની યોજનાઓ માટે સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરીને લોકોને સીધું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
વિકાસ પ્રદર્શન અને પ્રગતિપથ
રાજ્યમાં 8 થી 14 જૂન દરમિયાન ‘પ્રગતિપથ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા દરમિયાન સરકારના મોટા વિકાસ પ્રોજેક્ટ્સની રૂબરૂ મુલાકાત લેવાશે. તેની સાથે દરેક જિલ્લામાં 3 દિવસ માટે મોદી સરકારની વિવિધ ઉપલબ્ધિઓ દર્શાવતું પ્રદર્શન યોજાશે, જ્યાં યોજનાઓ અંગે સામાન્ય લોકોના સીધા પ્રતિભાવો પણ મેળવવામાં આવશે.
સમાજના તમામ વર્ગોની ભાગીદારી
આ ઉજવણીને સરકારી મર્યાદામાંથી બહાર લાવીને એક મોટું જનઆંદોલન બનાવવામાં આવશે. આ માટે ડોક્ટરો, એન્જિનિયરો, શિક્ષણવિદો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે બેઠકો યોજાશે. આ મધ્યમથી આદિવાસી, દલિત, પછાત વર્ગ, ખેડૂતો અને યુવાનો સહિત સમાજના તમામ લોકોમાં એક નવી સકારાત્મક જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
પ્રાકૃતિક ખેતીને મોટો વેગ
જમીનની ફળદ્રુપતા જાળવવા અને લોકોના સારા સ્વાસ્થ્ય માટે ‘પ્રાકૃતિક કૃષિ’ મિશનનો વ્યાપ વધારવામાં આવશે. ગુજરાતમાં 1000 થી વધુ સ્થળોએ પ્રાકૃતિક ખેતીના વર્કશોપ અને પ્રદર્શનો યોજાશે. ખેડૂતોની ગેરસમજ દૂર કરવા માટે સફળ ખેતીના સ્થળોની મુલાકાત કરાવાશે. તેમજ ઓર્ગેનિક પાકના વેચાણ માટે વિશેષ બજારો અને ઓનલાઇન માર્કેટીંગની સગવડ અપાશે.
યોગ દિવસ પર ભવ્ય પૂર્ણાહુતિ
આ સમગ્ર રાજ્યવ્યાપી જનકલ્યાણ અભિયાનની પૂર્ણાહુતિ 21 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ થશે. ગુજરાત યોગ બોર્ડના સંકલન સાથે રાજ્યના પ્રત્યેક તાલુકા મથકોએ સામૂહિક યોગાભ્યાસના ભવ્ય કાર્યક્રમો યોજીને આ અભિયાનને આખરી ઓપ આપવામાં આવશે.





