Gujarat Weather: રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું જોર ઘટ્યુ છે. ઉત્તરાયણ પહેલાથી શરૂ થયેલી કોલ્ડવેવ હવે ઓછી થઇ છે. પરંતુ આ સાથે જ નવી આગાહીએ લોકોને ચોંકાવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજુપણ ઠંડીનો ચમકારો જોવા મળશે. ઉત્તર-પૂર્વના પવન ફૂંકાતા અને વેસ્ટન ડિસ્ટર્બન્સના ઠંડીનું પ્રમાણ વધી શકે છે.
રાજ્યમાં આજે તાપમાનની વાત કરીએ તો ફરી એકવાર ઠંડીનું જોર ઘટવા લાગ્યુ છે. જો કે, કેટલાક શહેરોમાં હજુ પણ પારો નીચે જતો જોવા મળ્યો છે. આજે અમદાવાદમાં 17.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું, જ્યારે અમરેલી 15.0 ડિગ્રી, વડોદરા 19.2 ડિગ્રી, ભુજ 13.2 ડિગ્રી, ડીસામાં 15.4 ડિગ્રી, દીવમાં 15.2 ડિગ્રી, કંડલા 15.5 ડિગ્રી, પોરબંદર 13.4 ડિગ્રી, સુરત 18.8 ડિગ્રી અને નલિયામાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આગામી ત્રણ દિવસ ઠંડીથી મળશે રાહત
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં પવનોની દિશા બદલાતા ગુજરાતના હવામાનમાં જોરદાર પલટો આવી શકે છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં હજુપણ ઠંડીની અસરમાં કોઇ રાહતના સમાચાર નથી, આગામી ત્રણ દિવસ બાદ આંશિક રાહત મળવાની સંભાવના છે.
મહત્વનું છે કે, અત્યારે દેશભરમાં શીતલહેર ફરી વળી છે, કાતિલ ઠંડીમાં સમગ્ર ઉત્તર ભારત ઠૂંઠવાયુ છે. આબુમાં આજનું તાપમાન 0.8 ડિગ્રી સુધી નોંધાયુ છે, પહાડોમાં તાપમાન માઈનસમાં પહોંચ્યુ છે. તેમજ વૈષ્ણોદેવીમાં બરફવર્ષા થઇ રહી છે. હવામાન વિભાગ અનુસાર દેશભરમાં 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જો વરસાદી ઝાંપટા પડશે તો ઠંડીનું જોર વધી શકે છે.
પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે, સામાન્ય રીતે તાપમાન ઊંચું જતાં ઠંડીમાં રાહત મળતી હોય છે, પરંતુ આ વખતે જાન્યુઆરી મહિનામાં ઠંડીમાં રાહત મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી નથી. આ વખતે શિયાળો લાંબો ચાલવાનો છે, એટલે જાન્યુઆરી મહિનામાં ઠંડીમાં કોઈ મોટી રાહત મળે તેવી કોઈ શક્યતાઓ પણ નથી.

_f0b23cfe-a78d-4114-b782-5e96a3abb15c.png)




