Home Gujarat Ahmedabad Gujarat Latest News Updates Today 19 July 2026

LiveGujarat News Updates Live : 19 જુલાઈ 2026ના આજના ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર

Gujarat News Live Updates
Published by: OBS Bureau
Last Updated: Jul 19, 2026, 10:15 AM IST

Gujarat News Live Updates 19 July 2026: આજે 19 જુલાઈ 2026. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર સહિત ગુજરાતના દરેક શહેરો અને જિલ્લાઓના દિવસભરના મોટા અને મહત્વના તમામ સમાચાર જાણો Offbeat Stories પર. વરસાદથી લઇને તમારા વિસ્તારની સ્થાનિક સમસ્યાઓ, ક્રાઈમથી લઇના ગુજરાતની રાજકીય હલચલ સુધીની તમામ મહત્ત્વની બાબતોની લેટેસ્ટ અપડેટ્સ અહીં જાણો.

લાઈવ અપડેટ્સ
51 મિનિટ પહેલા19 જુલાઈ 2026

દાહોદ: ગોવિંદાતળાઈ ગામ હિબકે ચડ્યું, અમદાવાદ ફેક્ટરી બ્લાસ્ટના એક જ પરિવારના ૭ મૃતકોની નીકળી સામૂહિક અંતિમયાત્રા

અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં જીવ ગુમાવનારા દાહોદના સંજેલી તાલુકાના ગોવિંદાતળાઈ ગામના એક જ પરિવારના ૭ સભ્યોની વતનમાં સામૂહિક અંતિમયાત્રા નીકળતાં સમગ્ર પંથક ગમગીન બની ગયો છે. અંતિમયાત્રા દરમિયાન પરિવારજનોના હૃદયદ્રાવક આક્રંદથી વાતાવરણ ભારેખમ બની ગયું હતું અને આખું ગામ હિબકે ચડ્યું હતું. આ મહાત્રાજડીના પગલે શોકાતુર પરિવારને સાંત્વના આપવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સ્થાનિક મામલતદાર સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ગોવિંદાતળાઈ ગામ ખાતે દોડી આવ્યા હતા. એકસાથે ૭ ચિતાઓ સળગતાં સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.

09:41 AM19 જુલાઈ 2026

અમદાવાદ: રથયાત્રા બંદોબસ્તનો લાભ ઉઠાવી મેહુલ ડોડિયાએ ગેરકાયદે ફેક્ટરી ચાલુ કરી, પોલીસ કમિશનરનો ખુલાસો

રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં અમદાવાદ પોલીસ કમિશનરે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસ જ્યારે રથયાત્રાના બંદોબસ્તમાં વ્યસ્ત હતી, ત્યારે તેનો ગેરલાભ ઉઠાવીને આરોપી મેહુલ ડોડિયાએ ગેરકાયદેસર રીતે ફેક્ટરી ધમધમતી કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, ૪ માર્ચ ૨૦૨૬ના રોજ લાઇસન્સ પૂર્ણ થતાં રામોલ પોલીસે આ ફેક્ટરી બંધ કરાવી હતી અને ફેક્ટરી બંધ હોવાના ફોટો પણ કમિશનર ઓફિસમાં જમા કરાવાયા હતા. ત્યારબાદ ફેક્ટરી શરૂ કરવા કોઈ મંજૂરી લેવાઈ નહોતી. અત્રે નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૪માં પણ આ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને લાઇસન્સ રદ કરાયું હતું. બાદમાં વર્ષ ૨૦૨૦માં ફરી લાઇસન્સ મેળવાયું હતું. પોલીસ કમિશનરે જણાવ્યું કે, રામોલ વિસ્તારની ૧૩ ફટાકડા ફેક્ટરીઓમાંથી ૧૨ બંધ કરાવાઈ છે અને માત્ર એક જ નિયમ મુજબ કાર્યરત છે. સંવેદનશીલ સમયે જ નિયમોનું ઉલ્લંઘન કરીને ખેલ કરી જનાર સંચાલક સામે હવે કાયદાકીય સકંજો મજબૂત કરાયો છે.

09:27 AM19 જુલાઈ 2026

અમદાવાદ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 'વાઇબ્રન્ટ ઇન્ડિયા સ્ટેનલેસ સ્ટીલ એક્ઝિબિશન-૨૦૨૬'ની મુલાકાત લીધી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે આયોજિત 'વાઇબ્રન્ટ ઇન્ડિયા સ્ટેનલેસ સ્ટીલ એક્ઝિબિશન-૨૦૨૬'ની ગરિમામય મુલાકાત લીધી હતી. આ B2B ટ્રેડ પ્રદર્શનમાં દેશભરમાંથી કિચનવેર, ક્રોકરી અને હોમ એપ્લાયન્સિસ ઉદ્યોગના ૧૦૦થી વધુ અગ્રણી ઉત્પાદકો અને સ્ટોલધારકો જોડાયા છે. મુખ્યમંત્રીશ્રીએ વિવિધ સ્ટોલ્સની રૂબરૂ મુલાકાત લઈ ઉત્પાદકો અને ઉદ્યોગસાહસિકોનો ઉત્સાહ વધાર્યો હતો તથા આધુનિક સંશોધનોના વૈશ્વિક પ્રવાહોની જાણકારી મેળવી હતી. આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના સ્ટેનલેસ સ્ટીલ ઉદ્યોગને વધુ મજબૂત અને આત્મનિર્ભર બનાવી વૈશ્વિક સ્તરે ભારતને ઉત્પાદન હબ તરીકે સ્થાપિત કરવાનો છે. એક્ઝિબિશનમાં ગ્રીન સ્ટીલ ટેકનોલોજી, ઇનોવેશન, MSME સેક્ટરને પ્રોત્સાહન અને રોજગાર સર્જન જેવા મહત્વના વિષયો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

09:24 AM19 જુલાઈ 2026

મોંઘવારીનો માર: અદાણી CNGના ભાવમાં ફરી ₹૨નો તોતિંગ વધારો, નવો ભાવ ₹૯૦.૦૨ પર પહોંચ્યો

ગુજરાતના વાહનચાલકો પર મોંઘવારીનો વધુ એક ડામ પડ્યો છે. અદાણી ગેસ દ્વારા ફરી એકવાર સીએનજી (CNG)ના ભાવમાં પ્રતિ કિલો ₹૨નો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ વધારા સાથે જ હવે અદાણી CNGનો નવો ભાવ પ્રતિ કિલો ₹૯૦.૦૨ પર પહોંચી ગયો છે, જેના કારણે સીએનજી રિક્ષાચાલકો અને મધ્યમવર્ગીય વાહનધારકોના બજેટ ખોરવાશે. નોંધનીય છે કે, ચાલુ વર્ષ ૨૦૨૬માં જ અદાણી સીએનજી દ્વારા ભાવમાં કૂલ ₹૧૦નો તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે. આ પૂર્વે ગત ૨૭ મે, ૨૦૨૬ના રોજ પણ પ્રતિ કિલો ₹૨ વધારવામાં આવ્યા હતા. આમ, માત્ર ૩ મહિનાના ટૂંકા ગાળામાં જ કંપની દ્વારા ફરીથી ભાવવધારો કરવામાં આવતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વધતા જતા ઇંધણના ભાવના કારણે આગામી દિવસોમાં ટ્રાન્સપોર્ટેશન અને રિક્ષા ભાડામાં પણ વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે.

09:21 AM19 જુલાઈ 2026

ગાંધીનગર: સંત શિરોમણિ ગુરુ રવિદાસજી મહારાજના ૬૫૦મા જન્મજયંતી વર્ષ નિમિત્તે ભવ્ય સમાગમ, રાષ્ટ્રીય સ્મારિકા-ગુજરાતનું વિમોચન

ગાંધીનગરમાં સંત શિરોમણિ ગુરુ રવિદાસજી મહારાજના ૬૫૦મા જન્મજયંતી વર્ષને સમર્પિત એક ભવ્ય સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સંત રવિદાસજીના સમરસતા, સમભાવ અને સનાતનના મૂલ્યોને જીવનમાં આત્મસાત્ કરવાનું આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, દરેક વ્યક્તિમાં ઈશ્વરનું દર્શન કરવું એ જ સંતોના સંદેશની સાચી આરાધના છે અને તેનાથી સમાજના ભેદભાવ આપોઆપ દૂર થશે. આ શુભ અવસરે 'રાષ્ટ્રીય સ્મારિકા-ગુજરાત' પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની પ્રશંસા કરતાં ઉમેર્યું કે, દેશમાં વિકાસની સાથે વિરાસત, આધ્યાત્મિક પરંપરા અને સાંસ્કૃતિક ગૌરવને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી છે. કાશી વિશ્વનાથ કોરિડોર, મહાકાલ લોક, પાવાગઢ મહાકાળી મંદિર અને સોમનાથ મંદિર જેવા કાર્યો દેશની સાંસ્કૃતિક ચેતનાને મજબૂત કરે છે. વધુમાં, સરકારની કલ્યાણકારી યોજનાઓ કોઈપણ જાતિ, ધર્મ કે પ્રદેશના ભેદભાવ વિના સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચી રહી હોવાનું તેમણે ગર્વભેર જણાવ્યું હતું.

09:17 AM19 જુલાઈ 2026

બનાસકાંઠા: મગરવાડા તીર્થ ખાતે આચાર્યશ્રી પ્રદ્યુમ્ન વિમલ સૂરીશ્વરજી મહારાજનો ભવ્ય નગર પ્રવેશ, મંત્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિ

બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ મગરવાડા તીર્થ ખાતે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય દેવશ્રી પ્રદ્યુમ્ન વિમલ સૂરીશ્વરજી મહારાજ સાહેબનો ભવ્ય નગર પ્રવેશ મહોત્સવ યોજાયો હતો. આ મહોત્સવમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પૂજ્ય સંતોના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી અને આ શુભ પ્રસંગનો હિસ્સો બનવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ ધાર્મિક મહોત્સવમાં રાજ્ય સરકારના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, બનાસકાંઠા જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી કિર્તિસિંહ વાઘેલા, પ્રભારી શ્રી ધવલભાઈ દવે તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ ધારાસભ્યો, સ્થાનિક રાજકીય આગેવાનો, સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ ભવ્ય નગર પ્રવેશના સાક્ષી બન્યા હતા, જેના કારણે સમગ્ર મગરવાડા તીર્થ ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું.

09:11 AM19 જુલાઈ 2026

ભાવનગરમાં ચાંદીપુરા વાયરસથી ૬ વર્ષના બાળકનું મોત, રાજ્યમાં કુલ ૪ના મોતની પુષ્ટિથી આરોગ્ય તંત્ર એલર્ટ

ગુજરાતમાં ઘાતક ચાંદીપુરા વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેમાં હવે ભાવનગર જિલ્લામાં પણ આ વાયરસથી પ્રથમ મૃત્યુનો કેસ નોંધાયો છે. ભાવનગરના વલભીપુર તાલુકાના મેલાણા ગામના એક ૬ વર્ષીય બાળકનું ચાંદીપુરા વાયરસના કારણે કરુણ મોત નીપજ્યું છે. આ બાળકને ગત ૮ જુલાઈએ ભાવનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ૯ જુલાઈએ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બાળકના મોકલાયેલા સેમ્પલના લેબ રિપોર્ટમાં હવે ચાંદીપુરા વાયરસની સત્તાવાર પુષ્ટિ થઈ છે. આ સાથે જ રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી સત્તાવાર મોતનો આંકડો ૪ પર પહોંચ્યો છે, જ્યારે અન્ય ૯ શંકાસ્પદ બાળ દર્દીઓના પણ મોત થયા છે. અત્યાર સુધીમાં પંચમહાલમાં ૧૭ અને સાબરકાંઠામાં ૧૩ કેસ નોંધાઈ ચૂક્યા છે. સાબરકાંઠા અને પંચમહાલ બાદ હવે ભાવનગરમાં પણ આ વાયરસે દસ્તક દેતા સમગ્ર રાજ્યનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન કામગીરી હાથ ધરી છે.

08:43 AM19 જુલાઈ 2026

વડોદરા-સાવલી મુખ્ય માર્ગ પર બે આખલાઓ વચ્ચે ખરાખરીનો જંગ, રાહદારીઓમાં મચી દોડધામ

વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વકરી રહ્યો છે, જેના કારણે સ્થાનિક તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. તાજેતરમાં સાવલી-વડોદરા મુખ્ય માર્ગ પર બે મહાકાય આખલાઓ વચ્ચે હિંસક લડાઈ ફાટી નીકળતાં રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સતત વાહનોથી ધમધમતા આ મુખ્ય રોડની અધવચ્ચે જ બંને આખલાઓ એકબીજા સાથે અફળાયા હતા. આ ભયાનક દૃશ્ય જોઈને લોકો પોતાના જીવ બચાવવા માટે આમ-તેમ ભાગવા મજબૂર બન્યા હતા. તંત્ર દ્વારા રખડતા પશુઓને ડબ્બે પૂરવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ સાવલીની આ ઘટનાએ તંત્રની નિષ્ક્રિયતા અને લાચારી છતી કરી દીધી છે. સ્થાનિક રહીશો દ્વારા આ જોખમી રખડતા ઢોરની સમસ્યામાંથી કાયમી મુક્તિ અપાવવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.

08:04 AM19 જુલાઈ 2026

જૂનાગઢમાં ખરાબ હવામાનની અસર, ગિરનાર રોપ-વે સતત ત્રીજા દિવસે બંધ

જૂનાગઢના પ્રખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચોમાસાના માહોલ વચ્ચે ડુંગર પર ફૂંકાઈ રહેલા તીવ્ર પવનને કારણે રોપ-વે સેવા સતત ત્રીજા દિવસે પણ સ્થગિત રાખવાની ફરજ પડી છે. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

07:49 AM19 જુલાઈ 2026

અમદાવાદ બ્લાસ્ટ: એક જ પરિવારના ૫ સભ્યો સહિત ૭ મૃતદેહ વતન પહોંચતા દાહોદનું ગોવિંદાતળાઈ ગામ હિબકે ચડ્યું

અમદાવાદના રામોલ વિસ્તારની ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં જીવ ગુમાવનારા દાહોદ જિલ્લાના ૭ શ્રમિકોના મૃતદેહ વતન પહોંચતા જ સમગ્ર પંથકમાં કાળો કલ્પાંત મચી ગયો છે. આ દુર્ઘટનામાં સૌથી મોટો વજ્રઘાત સંજેલી તાલુકાના ગોવિંદાતળાઈ ગામના એક જ શ્રમિક પરિવાર પર થયો છે, જ્યાં ચાર માસૂમ બાળકો સહિત પરિવારના ૫ સભ્યોના કરુણ મોત નીપજ્યા છે.

રોજીરોટી કમાવવા અમદાવાદ ગયેલા આ કમનસીબ પરિવારના રમીલાબેન (૩૫ વર્ષ) અને તેમના ચાર બાળકો-રીંકુબેન (૭ વર્ષ), શિવાનીબેન (૫ વર્ષ), રવિનાબેન (૪ વર્ષ) તેમજ ૩ વર્ષના માસૂમ નીરવકુમારનું આ બ્લાસ્ટમાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે પરિવારના મોભી ભરતભાઈ હાલ હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આજે એકસાથે ૭ એમ્બ્યુલન્સ ગામમાં પહોંચતા કાળજું કંપાવી દે તેવા દૃશ્યો સર્જાયા હતા. ઘટનાની ગંભીરતા જોઈ મામલતદાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પીડિત પરિવારની વહારે પહોંચ્યો હતો અને સાંત્વના પાઠવી વહીવટી સ્તરે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

07:43 AM19 જુલાઈ 2026

જૂનાગઢ: લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી, વરસાદી ઝાપટાં શરૂ થતાં લોકોમાં આનંદ

જૂનાગઢ શહેર અને જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે અચાનક જ મેઘરાજાનું આગમન થયું હતું, જેના કારણે કાળઝાળ ગરમી અને બફારાથી પરેશાન નાગરિકોને મોટી રાહત મળી છે. શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે ઝાંઝરડા ચોકડી, કાળવા ચોક અને મોતીબાગ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. માત્ર શહેરી વિસ્તાર જ નહીં, પરંતુ સમગ્ર જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં પણ સવારથી જ ધીમો વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ વરસાદથી ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

07:39 AM19 જુલાઈ 2026

અમદાવાદ-ઇન્દોર હાઇવે: કઠલાલ નજીક કાર બસ સ્ટેન્ડમાં ઘૂસી જતાં ૨ના કમકમાટીભર્યા મોત, એક ઘાયલ

અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે પર કઠલાલ નજીક મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક બેકાબૂ કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર રોડ કિનારે આવેલા બસ સ્ટેન્ડ સાથે અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં બે લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માત એટલો ભયાનક હતો કે કાર બસ સ્ટેન્ડ તોડીને અંદર ઘૂસી ગઈ હતી, જેને કારણે ત્યાં સૂઈ રહેલા એક અજાણ્યા શ્રમિક/ઇસમનું કાર નીચે કચડાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઉપરાંત, કારમાં સવાર બે લોકોમાંથી પણ એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક મુસાફર ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કઠલાલ પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

07:37 AM19 જુલાઈ 2026

અમદાવાદના રામોલ ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, મુખ્ય આરોપી માલિક મેહુલ ડોડિયાની સાબરમતીથી ધરપકડ

અમદાવાદના રામોલ વિસ્તારમાં થયેલા ભયાનક ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મોટો ખુલાસો કર્યો છે. પોલીસે આ કેસના મુખ્ય આરોપી અને ફેક્ટરી માલિક મેહુલ ડોડિયાની સાબરમતી વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે. બ્લાસ્ટ થયો તે સમયે મેહુલ ડોડિયા પોતે ત્યાં હાજર હતો અને તેને પણ ઈજા પહોંચી હતી, જેના કારણે તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ભાગ્યા બાદ મેહુલે તેના એક પરિચિતને ફોન કરીને બ્લાસ્ટના સ્થળે જવા માટે કહ્યું હતું. આ ફેક્ટરી અંગે અગાઉ વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને ગત ૪ માર્ચે પોલીસે આ ફટાકડા યુનિટને બંધ કરાવી દીધું હતું. જોકે, તેમ છતાં નિયમોનું ઉલ્લંઘન કરીને છેલ્લા ૨૫ દિવસ દરમિયાન ફરીથી ફટાકડા બનાવવાનું શરૂ કરી દેવાયું હતું અને મળેલા ઓર્ડર મુજબ ફટાકડા તૈયાર કરવામાં આવી રહ્યા હતા. હાલ પોલીસે આ મામલે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

07:34 AM19 જુલાઈ 2026

સુરતની નવી સિવિલના તબીબોની કમાલ, ૧૧ માસની બાળકીની અન્નનળીમાંથી કાપકૂપ વગર બહાર કાઢી કાનની બુટ્ટી

સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ તબીબી જગતમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. પનાસગામની ૧૧ મહિનાની એક માસૂમ બાળકી રમતાં-રમતાં ભૂલથી કાનની બુટ્ટી ગળી ગઈ હતી, જે તેની અન્નનળીમાં ફસાઈ ગઈ હતી. સિવિલના ઈએનટી (ENT) વિભાગના ડોક્ટરોએ ભારે જહેમત બાદ કોઈપણ જાતની કાપકૂપ વગર, આધુનિક દૂરબીન (એન્ડોસ્કોપી) ટેકનિકનો ઉપયોગ કરીને આ બુટ્ટી સફળતાપૂર્વક બહાર કાઢી છે. માત્ર અડધા કલાકની જહેમત બાદ ડોક્ટરોએ બાળકીને નવું જીવન આપ્યું છે. ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશન માટે અંદાજે ₹૬૦ હજાર જેટલો મોટો ખર્ચ થતો હોય છે, જે નવી સિવિલ હોસ્પિટલમાં તદ્દન વિનામૂલ્યે કરવામાં આવ્યું છે. તબીબોની આ સફળ કામગીરીથી બાળકીના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. આ સાથે જ સિવિલના ડોક્ટરોએ વાલીઓને ખાસ અપીલ કરી છે કે નાના બાળકોથી સિક્કા, ઘરેણાં કે કોઈપણ તીક્ષ્ણ વસ્તુઓ હંમેશા દૂર રાખવી જોઈએ.

07:27 AM19 જુલાઈ 2026

મહેસાણા: વિજાપુર મર્ડર કેસમાં ક્રાઈમ સીન રિકન્સ્ટ્રક્શન, પત્નીએ જ દીકરી અને ભાણા સાથે મળી કરાવી હતી પતિની હત્યા

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના આનંદપુરમાં બહુચર્ચિત પતિની હત્યાના કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પત્નીએ જ પોતાની દીકરી અને ભાણા સાથે મળીને પતિની હત્યા કરાવી હોવાના સનસનીખેજ મામલામાં પોલીસે આજે ઘટનાસ્થળે જઈને ક્રાઈમ સીન રિકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરી હતી. આ કેસમાં કાવતરાના ભાગરૂપે ગાડીથી ટક્કર મારીને હત્યા કરનાર મુખ્ય આરોપી વિમલ પટેલને સાથે રાખીને સમગ્ર ઘટનાનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું. પત્નીએ પોતાના જ ભાણેજને સોપારી આપીને આ હત્યાકાંડને અંજામ અપાવ્યો હતો. વિજાપુર પીઆઈ આર.જે. ચૌહાણના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીને ઘટનાસ્થળે લાવવામાં આવતા સ્થાનિકોના ટોળા ઉમટ્યા હતા. પોલીસે આ મામલે કાયદાકીય પુરાવા મજબૂત કરવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

07:27 AM19 જુલાઈ 2026

અમદાવાદ: ગોમતીપુરના મહિલા કોર્પોરેટર આક્રમક, સલાટનગરમાં ચાલતી ગેરકાનૂની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહીની માંગ

અમદાવાદના ગોમતીપુર વોર્ડના મહિલા કોર્પોરેટરે સલાટનગર વિસ્તારમાં ચાલતી કથિત ગેરકાનૂની પ્રવૃત્તિઓ સામે મોરચો માંડ્યો છે. તેમણે પત્રકાર પરિષદ યોજીને આક્ષેપ કર્યો છે કે, આ પ્રવૃત્તિઓના કારણે સ્થાનિક લોકો સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે અને વિસ્તારની શાંતિ જોખમાઈ છે. કોર્પોરેટરના જણાવ્યા મુજબ, સ્થાનિક રહીશોની સતત મળતી ફરિયાદોને આધારે તેમણે પોલીસ અને સંબંધિત તંત્રને અનેકવાર લેખિત રજૂઆતો કરી છે, છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. આ પ્રવૃત્તિઓથી મહિલાઓ, બાળકો અને વડીલો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તેમણે સરકાર, પોલીસ વિભાગ અને AMCને આ મામલે તાત્કાલિક દખલગીરી કરી કાયદો-વ્યવસ્થા જાળવવા અને કડક પગલાં લેવા ઉગ્ર માંગ કરી છે.

07:22 AM19 જુલાઈ 2026

સુરત વરસાદ: ઉધના રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ, ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા રાહદારીઓ મજબૂર

સુરત શહેરમાં વહેલી સવારે ખાબકેલા વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. ઉધના રેલવે સ્ટેશન નજીક આવેલું ગરનાળું (અંડરપાસ) પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયું છે. ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તાની એક તરફથી બીજી તરફ જવા માટે લોકોને જીવના જોખમે આ દૂષિત પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. સ્થાનિક રહીશો અને રાહદારીઓ દ્વારા દર ચોમાસે સર્જાતી આ ગંભીર સમસ્યાનો કાયમી અને નક્કર ઉકેલ લાવવા માટે તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે.

07:14 AM19 જુલાઈ 2026

ગીર પૂર્વની તુલસીશ્યામ રેન્જમાંથી સિંહનો કોહવાયેલો મૃતદેહ મળ્યો: બે મહિનામાં ૬ સિંહોના મોતથી ફફડાટ

ધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્યામ રેન્જ હેઠળ આવતા રબારીકા રાઉન્ડના પથ્થર મારા રેવન્યુ વિસ્તારની જાળીમાંથી એક સિંહનો કોહવાયેલો મૃતદેહ મળી આવતાં વનવિભાગ દોડતું થયું છે. સ્થાનિક માલધારીએ આ અંગે જાણ કરતાં વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અગાઉ દલખાણીયા રેન્જમાંથી પણ એક સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. અમરેલી જિલ્લામાં છેલ્લા બે મહિનામાં જ અલગ-અલગ ૬ રેન્જમાં સિંહોના મોત નીપજ્યા છે. આ પૂર્વે ધારી ગીર પૂર્વની જસાધાર રેન્જ અને ગીર પશ્ચિમમાં ૧૨થી વધુ સિંહોના બીમારીના કારણે મોત થયા હોવાની ઘટના સામે આવી હતી. જોકે, સિંહોના મોતના બે મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સરકાર દ્વારા હજુ સુધી તેનો સત્તાવાર રિપોર્ટ જાહેર કરવામાં ન આવતાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

06:31 AM19 જુલાઈ 2026

સુરતના પલસાણામાં LCBની મોટી કાર્યવાહી, ₹81.32 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે આઇસર ટ્રક ઝડપાયો

સુરત જિલ્લા એલસીબી (LCB) પોલીસે બાતમીના આધારે પલસાણા તાલુકામાં દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે મુંબઈ-દિલ્હી નેશનલ એક્સપ્રેસ હાઈવે પર અમલસાડી ગામની હદમાંથી વિદેશી દારૂથી ભરેલી એક આઇસર ટ્રક ઝડપી પાડી છે. આ ઓપરેશનમાં ₹૬૧.૨૦ લાખની કિંમતનો વિદેશી દારૂ અને ટ્રક સહિત કુલ ₹૮૧.૩૨ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી ટ્રકના ચાલક રમેશભાઈ દેવરામ બિશ્નોઈની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે દારૂનો આ મોટો જથ્થો કર્ણાટકથી ભરીને ગુજરાતના વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે આ ગુનામાં અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

06:28 AM19 જુલાઈ 2026

સુરત વરસાદ: ઉધના રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ, ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા રાહદારીઓ મજબૂર

સુરત શહેરમાં વહેલી સવારે ખાબકેલા વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. ઉધના રેલવે સ્ટેશન નજીક આવેલું ગરનાળું (અંડરપાસ) પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયું છે. ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તાની એક તરફથી બીજી તરફ જવા માટે લોકોને જીવના જોખમે આ દૂષિત પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. સ્થાનિક રહીશો અને રાહદારીઓ દ્વારા દર ચોમાસે સર્જાતી આ ગંભીર સમસ્યાનો કાયમી અને નક્કર ઉકેલ લાવવા માટે તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે.

06:27 AM19 જુલાઈ 2026

વસ્ત્રાલ બ્લાસ્ટના બીજા દિવસે માત્ર ૨ ગેરકાયદેસર એકમો પર તંત્રની તવાઈ: મોટી કાર્યવાહીના નામે માત્ર ફટાકડાનો નાશ કરાયો

અમદાવાદના વસ્ત્રાલમાં શનિવારે ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં ૯ લોકોના મોત બાદ તંત્ર સફાળું જાગ્યું છે. રવિવારે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સંયુક્ત રીતે વસ્ત્રાલ અને રામોલ વિસ્તારમાં મંજૂરી વગર ધમધમતા માત્ર ૨ એકમો સામે લાલઆંખ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે, દસક્રોઈના વસ્ત્રાલ ગામમાં કાંતિભાઈ શ્રીમાળીના ખુલ્લા ખેતરને ભાડે રાખીને એક ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. જ્યારે બીજી ફેક્ટરી રામોલ ગામમાં બક્ષીના કૂવા પાસે મોહસીન ખાન પઠાણના ખુલ્લા ખેતરમાં ગેરકાયદેસર રીતે ધમધમતી હતી. ફાયર એસ્ટેટ અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બંને સ્થળો પરથી મળી આવેલા ફટાકડાના જથ્થાનો નાશ કર્યો હતો. જોકે, ૯ નિર્દોષ લોકોના મોત થયા હોવા છતાં, મંજૂરી વગર ચાલતા આ એકમોના સંચાલકો સામે કોઈ ઠોસ કે કડક કાનૂની કાર્યવાહી ન કરાતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

06:26 AM19 જુલાઈ 2026

ટંકારા પાસે હાઈ-પ્રોફાઈલ જુગારધામ પર રેન્જ આઈજીના દરોડા: રૂ. 44.76 લાખના મુદ્દામાલ સાથે 9 ઝડપાયા

કચ્છ રેન્જ આઈજીની ટીમે ટંકારાના સજનપર નજીક આવેલા 'ઓમ વિલા' બંગલોમાં ચાલી રહેલા હાઈ-પ્રોફાઈલ જુગારના અડ્ડા પર મોટો દરોડો પાડ્યો છે. આ સફળ ઓપરેશનમાં પોલીસે બંગલો માલિક દેવશંકર સીતાણી સહિત કુલ ૯ જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસે ઘટનાસ્થળેથી રૂ. ૨૪ લાખની રોકડ, ૨ લક્ઝરી કાર અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૪૪.૭૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દરોડા દરમિયાન પોલીસને જોઈને કેટલાક આરોપીઓએ રોકડ રકમ પાણીના ટાંકામાં ફેંકી દીધી હોવાની ચર્ચા પણ જાગી છે, જોકે પોલીસે તમામ મુદ્દામાલ રિકવર કરી લીધો છે. પકડાયેલા તમામ શખ્સો વિરૂદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

05:28 AM19 જુલાઈ 2026

સુરતના જંગલોમાં ૫૦ ચિત્તલ છોડાયા: દીપડા જેવા વન્યપ્રાણીઓ માટે શિકારનો આધાર મજબૂત કરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વન્યજીવ સંરક્ષણ અને વિકાસના વિઝનથી પ્રેરિત થઈને, ગુજરાત સરકાર દ્વારા માનવ-વન્યજીવ સહ-અસ્તિત્વને પ્રોત્સાહન આપવા માટે મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. સુરતના જંગલોમાં દીપડા જેવા વન્યપ્રાણીઓને કુદરતી ખોરાક મળી રહે તે હેતુથી ૫૦ ચિત્તલ છોડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વન વિભાગ દ્વારા માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા માટે આ વિજ્ઞાન આધારિત સંરક્ષણ પહેલ અમલમાં મૂકાઈ છે. વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, વન્યજીવોના કુદરતી રહેઠાણોમાં શિકારનો આધાર (પ્રે-બેઝ) મજબૂત કરવો એ સરકારની વ્યૂહરચનાનો એક મુખ્ય ભાગ છે, જેથી વન્યજીવો માનવ વસાહતો તરફ ન પ્રયાણ કરે.

05:13 AM19 જુલાઈ 2026

અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ: પોલીસે 4 થી વધુની અટકાયત કરી, માલિકની આખી રાત ભાગદોડ

અમદાવાદના રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં પોલીસે તપાસ તેજ કરીને રમીલા ડોડીયા, પવન અગ્રવાલ, સંતોષ સોલંકી અને સાદિક સૈયદ સહિત ૪ થી વધુ લોકોની અટકાયત કરી છે. ખેડાના વોન્ટેડ આરોપી સાદિક સૈયદને રામોલ પોલીસે કપડવંજથી ઝડપી પાડ્યો છે. બીજી તરફ, મુખ્ય આરોપી અને ફેક્ટરી માલિક મેહુલ ડોડીયા ધરપકડથી બચવા આખી રાત અમદાવાદમાં ભાગતો રહ્યો હતો. બ્લાસ્ટ બાદ તેણે નાણાંની વ્યવસ્થા કરવા સંતોષ સોલંકી અને ફટાકડાના ખરીદદાર પવન અગ્રવાલનો સંપર્ક કર્યો હતો. આ ઉપરાંત તેણે મિત્ર હરીશ, ભાઈ જેકી અને એક વકીલનો પણ સંપર્ક કર્યો હતો, જેમણે તેને રાત્રે હાજર ન થવાની સલાહ આપી હતી. ચોંકાવનારી બાબત એ છે કે, રામોલ PI દ્વારા ૦૧/૦૯/૨૦૨૫ અને ૧૮/૦૩/૨૦૨૬ના રોજ બે વાર આ ફેક્ટરી બંધ કરાવવા નેગેટિવ રિપોર્ટ કરાયો હોવા છતાં આ મોતનું કારખાનું ધમધમતું રહ્યું હતું.

04:59 AM19 જુલાઈ 2026

ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં મેઈન્ટેનન્સ કામગીરી: શહેરમાં પાણીકાપની શક્યતા

ભાવનગર શહેરના નાગરિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શહેરની જીવાદોરી ગણાતા શેત્રુંજી ડેમ સાઇટ પર હાલમાં તાકીદની મેઈન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સમારકામના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાઈ જવાની સંભાવના છે, જેને લઈને તંત્ર દ્વારા સ્થાનિક રહીશોને અગાઉથી જ સતર્ક કરી દેવામાં આવ્યા છે. તંત્રના જણાવ્યા અનુસાર, પાણીની ગુણવત્તા જાળવવા અને વિતરણ વ્યવસ્થા સુધારવા માટે આ કામગીરી અત્યંત જરૂરી છે. લાંબા ગાળે ફાયદો કરાવનારી આ કામગીરી દરમિયાન નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે પાણીનો યોગ્ય સંગ્રહ કરી રાખવા અપીલ કરવામાં આવી છે. હાલ તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા જાળવવા પ્રયાસો થઈ રહ્યા છે.

04:52 AM19 જુલાઈ 2026

સુરતમાં વહેલી સવારના વરસાદમાં જ ઉધના-નવસારી રોડ પાણીમાં ગરકાવ, પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની ખૂલી પોલ

સુરત શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને પગલે શહેરના અનેક માર્ગો પર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. ખાસ કરીને ઉધના-નવસારી રોડ પર સામાન્ય વરસાદમાં પણ એક તરફી રસ્તો પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. સ્થાનિકોના આક્ષેપ અનુસાર, શહેરના કેટલાક એવા ચોક્કસ સ્પોટ્સ છે જ્યાં દર ચોમાસે પાણી ભરાય છે, છતાં મહાનગરપાલિકા દ્વારા તેના કાયમી નિકાલ માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. જોકે, હાલ વરસાદ બંધ થતાં રસ્તાઓ પરથી પાણી ધીમે-ધીમે ઉતરી રહ્યા છે, પરંતુ પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે.

04:49 AM19 જુલાઈ 2026

અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ: ૯ લોકોના મોત બાદ માલિકો વિરુદ્ધ ગુનાહિત કાવતરાની FIR દાખલ

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી 'ન્યૂ ગુજરાત ફાયર વર્ક્સ' ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટ અને આગની ઘટનામાં રામોલ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ દુર્ઘટનામાં કુલ ૯ લોકોના મોત નિપજ્યા છે અને ૬ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ મામલે પોલીસે ફેક્ટરીના સંચાલકો વિરુદ્ધ આર્થિક લાભ ખાટવા માટે ગુનાહિત કાવતરું રચવા અંગેનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે FIRમાં ફેક્ટરીના સંચાલક મેહુલ ડોડીયા, તેમની માતા રમીલાબેન ડોડીયા અને ભાગીદાર સાદીક સૈયદને આરોપી બનાવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ પાસ-પરમિટ વગર ગેરકાયદેસર રીતે ફટાકડાનું કારખાનું ચલાવતા હતા. પોલીસે આરોપીઓ સામે BNSની કલમ ૧૦૫, ૨૮૭, ૨૮૮, ૬૧(૨) તેમજ વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

04:46 AM19 જુલાઈ 2026

ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડની મોટી પહેલ: સાત ઉદ્યાનોમાંથી ૨.૭૫ લાખ રોપાનું વિનામૂલ્યે વિતરણ

ગુજરાતમાં આયુર્વેદિક પરંપરા અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડે વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન રાજ્યના ૭ સરકારી ઉદ્યાનોમાંથી ૨.૭૫ લાખથી વધુ ઔષધીય રોપાનું વિનામૂલ્યે વિતરણ કર્યું છે. બોર્ડ દ્વારા વ્યક્તિગત ઉપયોગ માટે ૧૦, સંસ્થાઓને ૫૦ અને ખેડૂતોને ૫૦૦ સુધીના રોપા મફત અપાય છે, જ્યારે ગાંધીનગરથી ચંદનના રોપા માત્ર ₹૨૦ના સબસિડાઇઝ્ડ દરે મળે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યરત ગાંધીનગર, ભુજ, વાંસદા સહિતના આ ૭ ઔષધીય ઉદ્યાનો વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે 'જીવંત પ્રયોગશાળા' બન્યા છે, જ્યાં દર વર્ષે ૨૦ હજારથી વધુ લોકો મુલાકાત લે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને વ્યાપારી ખેતી માટે સબસિડી પણ આપવામાં આવી રહી છે.

04:21 AM19 જુલાઈ 2026

સુરતમાં અસહ્ય બફારા બાદ મેઘરાજાની પધરામણી: આગામી 4 દિવસ મધ્યમ વરસાદની આગાહી

સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી અસહ્ય ગરમી અને બફારા બાદ આખરે મોડી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર હાજરી નોંધાવી છે. શહેરના ઉમરાગામ, પીપલોદ, વેસુ, અલથાણ, અડાજણ અને રાંદેર સહિતના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. રાત્રિના સમયે પડેલા આ વરસાદને કારણે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીથી મોટી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સુરતમાં ચોમાસું હવે પૂરેપૂરું જામ્યું છે અને આગામી ચાર દિવસ સુધી શહેરમાં મધ્યમ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.

03:46 AM19 જુલાઈ 2026

અમદાવાદ: જમાલપુર રિવરફ્રન્ટ પાર્કિંગમાં કારમાં લાગી ભયાનક આગ, તંત્રની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી

અમદાવાદના જમાલપુર રિવરફ્રન્ટ પાર્કિંગમાં પાર્ક કરેલી એક સ્વિફ્ટ કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ રિવરફ્રન્ટ પોલીસ તુરંત દોડી ગઈ હતી અને ફાયર એક્સ્ટિંગ્વિશર વડે આગ ઓલાવવાનો પ્રાથમિક પ્રયાસ કર્યો હતો. જોકે, આગ વધુ ભભૂકતા તાકીદે જમાલપુર ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે મિનિટોમાં પહોંચીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આ દરમિયાન પોલીસ અને સ્થાનિક લોકોએ આસપાસ પાર્ક કરેલી અન્ય કારોને ધક્કો મારી સુરક્ષિત સ્થળે ખસેડી લીધી હતી. પોલીસ અને ફાયર વિભાગની સમયસરની સરાહનીય કામગીરીને કારણે આગ અન્ય વાહનોમાં ફેલાતી અટકી હતી અને એક મોટો અકસ્માત ટળી ગયો હતો.

03:24 AM19 જુલાઈ 2026

અમદાવાદ ફેક્ટરી બ્લાસ્ટ: તંત્રના નેગેટિવ રિપોર્ટ છતાં ધમધમતું હતું 'મોતનું કારખાનું'

અમદાવાદના રામોલ વિસ્તારમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલો ભયાનક બ્લાસ્ટ સરકારી તંત્રની ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચાર સામે મોટા સવાલો ઊભા કરે છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ ફેક્ટરીનો ઇતિહાસ અગાઉ પણ લોહીથી ખરડાયેલો છે. વર્ષ ૨૦૧૪માં આ જ પરિસરમાં થયેલા બ્લાસ્ટમાં એક ૧૪ વર્ષના કિશોરે જીવ ગુમાવ્યો હતો, જેના પગલે તેનું લાયસન્સ રદ કરાયું હતું. તંત્રના નેગેટિવ રિપોર્ટ છતાં, સમય જતાં આ જ પરિવારે મેહુલ ડોડિયાના નામે ફરીથી નવું લાયસન્સ મેળવીને ફેક્ટરી ધમધમતી કરી દીધી હતી. સુરક્ષાના તમામ માપદંડોને નેવે મૂકીને ચાલતા આ મોતના કારખાનામાં થયેલો બ્લાસ્ટ માત્ર અકસ્માત નહીં, પરંતુ તંત્રની મિલીભગતથી નાગરિકોના જીવ સાથે થયેલો ખિલવાડ છે.

03:21 AM19 જુલાઈ 2026

સુરત પાલિકાની મોટી જાહેરાત: ખાડીપુરના અસરગ્રસ્તોને ₹૧૪૭ કરોડની વેરામાફી

સુરતમાં તાજેતરમાં આવેલા ખાડીપુરથી પ્રભાવિત નાગરિકો માટે સુરત મહાનગરપાલિકા દ્વારા મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે જણાવ્યું હતું કે, પૂરમાં રહેણાંકની ૩.૪ લાખ મિલકતો તેમજ ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટ ધરાવતી ૫૦,૫૦૦ જેટલી બિન-રહેણાંક મિલકતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. શહેરના આ પૂરગ્રસ્ત લોકોની વહારે આવતા પાલિકાએ વિશેષ આર્થિક રાહત પેકેજ જાહેર કર્યું છે. જેના અંતર્ગત રહેણાંક મિલકતોનો ₹૭૩ કરોડ અને બિન-રહેણાંક મિલકતોનો ₹૭૪ કરોડનો વેરો માફ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. આમ, પૂરમાં નુકસાન વેઠનારા નાગરિકોને કુલ ₹૧૪૭ કરોડની માતબર વેરામાફીનો સીધો લાભ મળશે.

03:14 AM19 જુલાઈ 2026

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું ‘ઓરેન્જ એલર્ટ’

ગુજરાતમાં વરસાદનો વધુ એક નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે, જેમાં રાજ્યના ૩૬ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. આ દરમિયાન સૌથી વધુ વલસાડના ધરમપુરમાં ૧ ઇંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં વીજળીના કડાકા-ભડાકા અને ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે ભારે વરસાદનું ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, ભરૂચ અને સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ભાવનગર સહિતના વિવિધ જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now