Home Gujarat Gujarat Holi Celebration In Famous Dakor Ranchodray Mandir

''જય રણછોડ...માખણ ચોર'' : ડાકોરના ઠાકોર સાથે હોળી મનાવવા ભક્તો બન્યા અધીરા

''જય રણછોડ...માખણ ચોર''
Published by: OBS Bureau
Last Updated: Mar 13, 2025, 07:30 AM IST

ડાકોરના ઠાકોર... તારા બંધ દરવાજા ખોલ...  આ તારા ભક્તોની ધીરજ ખૂટી પડી છે. બસ એમને તો ઠાકોરજીના દર્શન કરવા છે, અને તેમની સાથે રંગોનો પર્વ મનાવવો છે.  ડાકોર જતા માર્ગ પર બસ જય રણછોડ માખણચોરનો નાદ ગૂંજી રહ્યો છે.  ભકતોના હૈયા હૈયા દળાય તેટલું માનવ મહેરામણ ડાકોરમાં ઉમટી પડ્યું છે. આ ડાકોરની પાવન ધરા પર તો એક દિવસ માટે નહીં પરંતુ ફાગણ સુદ અગિયારસથી રંગોત્સવ મનાવવામાં આવે છે. અબીલ-ગુલાલની છોળો ઉડાવવામાં આવે છે.. ઠાકોરજીના ભક્તો તો બસ ભક્તિના રંગથી રંગાઈને તરબોળ થયા છે.

ખેડાના પ્રસિદ્ધ ડાકોરમાં ફાગણી પૂનમના મેળાની ઉજવણી માટેનો જબરદસ્ત માહોલ જોવા મળી રહ્યો છે.ચારેકોર નજર ફેરવો ત્યા મહેરામણ જોવા મળી રહ્યુ છે. રણછોડરાયજી ઠાકોર સાથે ધૂળેટી રમવાનો ઉમંગ દરેક ભક્તના ચહેરા પર જોવા મળી રહ્યો છે. રણછોડરાયના મંદિરે ભકતોનો મેળાવડો છે તો ડાકોર જતા માર્ગ પણ જય રણછોડ માખણચોરના નાદ સાથે ગૂંજી ઉઠ્યા છે. હાથમાં ધોળી ધજા રાખીને ગરબા ગાતા નાચતા નાચતા ભક્તો પાવન ભૂમિ ડાકોર પહોંચી રહ્યા છે.   કોઈ ભક્તના હાથમાં ધજા છે, તો કોઈ ભક્તના હાથમાં ખંજરી છે. દરેક ભક્ત ડાકોરના ઠાકોરની ભક્તિમાં લીન થયા છે.

ફાગણી પૂનમ પર ડાકોરમાં રણછોડરાયજીના દર્શન કરવાનો અને હોળી રમવાનો વિશેષ મહિમા છે,  ભકતો પોતાની મનોકામના પૂર્ણ કરવા અને રણછોડરાયજી સાથે ધૂળેટી રમવાની અનુભૂતિ કરવા ફાગણી પૂનમના પર્વ પર ડાકોર જતા હોય છે...  ડાકોરના પ્રસિદ્ધ રણછોડરાયજીના મંદિરમાં પાવન પર્વથી હોળી મહોત્સવની શરૂઆત થાય છે. પાંચ દિવસના હોળી મેળામાં શરૂઆતથી જ હજારો ભકતો ઉમટી પડે છે.  અબીલ-ગુલાલની છોળો ઉડાવીને ભકતો ધૂળેટી રમવાની અનુભૂતિ કરે છે.

ડાકોરમાં હોળી-ધૂળેટી માટે દર્શનનો સમય વધારો

હોળી પૂનમના મેળાને લઈ ડાકોર મંદિર કમિટીએ દર્શનના સમયમાં ફેરફાર કર્યો છે. ભકતોની સંખ્યાને ધ્યાનમાં રાખીને 2 દિવસ મંદિરમાં દર્શન માટેનો સમય વધારવામાં આવ્યો છે. 

ધૂળેટીમાં ડાકોરમાં સમયપત્રક

 ફાગણ સુદ પૂનમ એટલે કે 14 માર્ચે પ્રાતકાળમાં 3.45 કલાકે નિજ મંદિર ખોલવામાં આવશે, વહેલી સવારે 4 કલાકે મંગળાઆરતી કરવામાં આવશે,  સવારે 4થી 8.30 વાગ્યા સુધી દર્શન કરી શકાશે...  8.30થી 9 દરમિયાન ઠાકોરજીને બાલભોગ, શ્રૃંગાર ભોગ અને ગોવાળ ભોગ બંધ બારણે ધરાવવામાં આવે છે. આ સમયે દર્શન બંધ રહે છે. સવારે 9 કલાકે શણગાર આરતી કરાય છે,  સવારે 9થી 11 દરમિયાન શ્રી ગોપાલદાસજી મહારાજને ફૂલડોળમાં વિરાજમાન કરવામાં આવે છે, તે સમયે ફૂલડોલના દર્શન કરી શકાશે.  બપોરે 1થી 2 વાગ્યા સુધી દર્શન કરી શકાશે.  તે બાદ બપોરે 3.30 કલાકે રાજભોગ આરતી કરાશે, 3.30થી 4.30 વાગ્યા દરમિયાન દર્શન કરી શકાશે, 4.30 વાગ્યાથી 5 વાગ્યા સુધી રણછોડરાયજી પોઢી જશે. સાંજે 5 કલાકે નિજ મંદિર ફરી ખુલશે,  5.15 કલાકે ઉત્થાપન આરતી થશે તે બાદ ઠાકોરજી નિત્યક્રમ મુજબ પોઢી જશે.

ડાકોરમાં ધૂળેટીનો અનોખો મહિમા

હોળી અને ધૂળેટીનો આ પાવન મહોત્સવ ડાકોરના રણછોડરાયજીના દર્શન વગર અધૂરો છે. ભક્તિ અને ભવ્યતા સાથે ભક્તો ધજા લહેરાવતા, અબીલ-ગુલાલ ઉડાવતા, ગરબા ગાતા ઠાકોરજીની ભક્તિમા લીન થઈ રહ્યા છે. પ્રેમ અને આસ્થા સાથે રંગાયેલા ભક્તો માટે ડાકોરનો આ મેળો માત્ર ઉત્સવ નહીં, પણ દિવ્ય અનુભવ છે. ઋતુ પરિવર્તનના સંકેત રૂપે રંગોત્સવ મનાવવામાં આવે છે, અને અહીં તો હોળી માત્ર એક દિવસ નહીં, પણ પાંચ દિવસ સુધી ધૂમધામથી ઉજવાય છે! રણછોડરાયજીની આરતી, ફૂલડોલના દર્શન અને ભક્તોના ઉમંગથી ડાકોરનું આ પાવન ધામ એક અલગ જ ધબકારા સાથે ઉજળી ઉઠે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now