NRI માટે રાહત: હવે વિડિયો કોન્ફરન્સ દ્વારા લઈ શકાશે છૂટાછેડા
ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા જણાવ્યું છે કે, પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવા માંગતા પક્ષકારોએ કોર્ટમાં રૂબરૂ હાજર રહેવું અનિવાર્ય નથી. ખાસ કરીને વિદેશમાં રહેતા એનઆરઆઈ (NRI) પતિ કે પત્ની વિડિયો કોન્ફરન્સ (VC) દ્વારા પોતાની સંમતિ નોંધાવી શકશે. હાઈકોર્ટે ફેમિલી કોર્ટના તે આદેશને રદ કર્યો છે જેમાં પક્ષકારને રૂબરૂ હાજર રહેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું
ટેકનોલોજી ન્યાયમાં અવરોધ નહીં, મદદગાર હોવી જોઈએ
જસ્ટિસ જે.સી. દોશીએ આ કેસની સુનાવણી દરમિયાન અવલોકન કર્યું હતું કે, ટેકનોલોજીનો ઉપયોગ ન્યાય પ્રક્રિયાને સરળ બનાવવા માટે થવો જોઈએ, તેને મુશ્કેલ બનાવવા માટે નહીં. ફેમિલી કોર્ટ દ્વારા વીસી (VC) દ્વારા હાજરી માટે જે 15 જેટલી કડક શરતો રાખવામાં આવી હતી, તેને હાઈકોર્ટે 'અતિશય ટેકનિકલ' ગણાવીને ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો પક્ષકારો સ્વેચ્છાએ છૂટા પડવા માંગતા હોય, તો પ્રક્રિયામાં બિનજરૂરી અવરોધ ઊભા કરવા જોઈએ નહીં.
શું હતો સમગ્ર મામલો?
આ કેસમાં દંપતીએ એપ્રિલ 2024 માં લગ્ન કર્યા હતા, પરંતુ માત્ર 6 દિવસ સાથે રહ્યા બાદ બંને અલગ થઈ ગયા હતા. પતિ ઓસ્ટ્રેલિયામાં રહેતો હોવાથી તેણે વીડિયો કોન્ફરન્સ દ્વારા છૂટાછેડાની પ્રક્રિયા પૂર્ણ કરવા વિનંતી કરી હતી. ફેમિલી કોર્ટે આ વિનંતી નકારીને તેને ભારત આવવા જણાવ્યું હતું, જેને હાઈકોર્ટે અતાર્કિક ગણાવ્યું છે. હવે હાઈકોર્ટના આદેશ મુજબ, પતિ પોતાના ઘરેથી જ પોર્ટેબલ ડિવાઇસ દ્વારા કોર્ટમાં હાજરી આપી શકશે.






