Home Gujarat Himmatnagar Bjp Internal Conflict After Victory Janaki Raval Complaint

હિંમતનગર ભાજપમાં જીત પછી પણ 'જંગ' : હારેલા મહિલા ઉમેદવારે જિલ્લા પ્રમુખ સામે મોરચો ખોલ્યો, ટિકિટ ન મળતા નારાજ જૂથે ખેલ પાડ્યાનો દાવો

Himmatnagar BJP, Internal Conflict
Published by: Nirali Gohil
Last Updated: Apr 30, 2026, 04:56 AM IST

સાબરકાંઠાના હિંમતનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને કેસરીયો લહેરાવ્યો છે. નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો પર ભાજપે એકતરફી જીત મેળવીને વિરોધ પક્ષોના સૂપડા સાફ કરી દીધા છે. જોકે, આ પ્રચંડ જીતના ઉત્સાહ વચ્ચે હિંમતનગર ભાજપમાં આંતરિક વિખવાદ અને જૂથવાદની વિગતો સપાટી પર આવતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. જીતની ખુશી વચ્ચે હારેલા ઉમેદવારોના આકરા તેવરે સંગઠનમાં ચાલતી ખેંચતાણને જાહેરમાં લાવી દીધી છે. ખાસ કરીને હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં ભાજપના જ હોદ્દેદારોએ પક્ષ વિરુદ્ધ કામ કર્યું હોવાના ગંભીર આક્ષેપો થયા છે. હારેલા મહિલા ઉમેદવાર ડો. જાનકી રાવલે ભાજપના જ જિલ્લા સંગઠનના મહત્વના હોદ્દેદારો સામે બાયો ચડાવી છે, જેના કારણે સંગઠનમાં શિસ્તના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે.

જિલ્લા મહિલા મોરચા પ્રમુખ સામે મોરચો: પ્રદેશ ભાજપ સુધી પહોંચી ફરિયાદ

હિંમતનગરના વોર્ડ નંબર 4 માં ભાજપની પેનલનો ભંગ થયો છે અને ત્રણ ઉમેદવારોની હાર થઈ છે. આ હાર બાદ મહિલા ઉમેદવાર ડો. જાનકી રાવલે મૌન તોડ્યું છે. તેમણે ભાજપના જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ કાજલ દોશી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. આ મામલે ડો. જાનકી રાવલે પ્રદેશ ભાજપ પ્રમુખને પત્ર લખીને લેખિત ફરિયાદ કરી છે, જેમાં પક્ષના જ જવાબદાર હોદ્દેદારોએ પક્ષને નુકસાન પહોંચાડ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

'કાજલ દોશી અને તેમના પતિએ કર્યો વિરોધી પ્રચાર'

હારેલા ઉમેદવારનો સીધો આક્ષેપ છે કે મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ કાજલ દોશી અને તેમના પતિએ ચૂંટણી દરમિયાન પક્ષના સત્તાવાર ઉમેદવારોને હરાવવા માટે ખુલ્લેઆમ વિરોધી પ્રચાર કર્યો હતો. આક્ષેપ મુજબ, વોર્ડ નંબર 4 માં ટિકિટ ન મળતા એક જૂથ નારાજ થયું હતું અને આ નારાજ જૂથે પક્ષના જ ઉમેદવારોની નૌકા ડુબાડવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. સંગઠનના હોદ્દેદારો જ જ્યારે વિરોધમાં ઉતરે ત્યારે કાર્યકરોમાં પણ અવઢવની સ્થિતિ સર્જાઈ હતી.

એકતરફી જીત છતાં આંતરિક વિખવાદથી ભાજપ ચિંતિત

સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ભાજપનો દબદબો રહ્યો છે. હિંમતનગર નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી છે, પરંતુ જે રીતે આંતરિક જૂથવાદ બહાર આવ્યો છે તે આગામી સમય માટે ચિંતાનો વિષય બની શકે છે. વોર્ડ નંબર 4 માં ટિકિટ વિતરણ બાદ સર્જાયેલી નારાજગી છેક પરિણામ સુધી અને હવે પરિણામ બાદ આક્ષેપબાજી સુધી પહોંચી છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ ભાજપ આ મામલે તપાસ કરીને શિસ્તભંગના પગલાં લે છે કે કેમ.

આ પણ વાંચો: 1992ના જૂના હત્યા કેસનો મામલો : ખોદેલા ખાડામાંથી મળી આવ્યું માનવ કંકાલ, FSL તપાસથી ખુલશે હત્યારાના નામ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now