Home Gujarat Gujarat Heatwave Alert April 2026 Temperature Rise

ગુજરાતમાં 'આગઝરતી' ગરમીનો પ્રકોપ! : કાલથી ત્રણ દિવસ તીવ્ર હીટવેવની આગાહી, પારો 40°Cને પાર!

Gujarat heat
Published by: Suman Dabhi
Last Updated: Apr 23, 2026, 08:37 AM IST

Gujarat heat: ગુજરાતમાં આવતીકાલથી (24 એપ્રિલથી) ત્રણ દિવસ સુધી તીવ્ર ગરમીનું સત્તાવાર એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુસાર, મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે, જેના કારણે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ સહિતના મુખ્ય શહેરોમાં પારો 40°Cથી 43°C સુધી પહોંચી શકે છે.

હવામાન વિભાગનું અપડેટ

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એકે દાસે જણાવ્યું કે, 24થી 28 એપ્રિલ દરમિયાન ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશો (દીવ, દમણ, દાદરા નગર હવેલી)માં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે. આગામી 24 કલાકમાં તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય, પરંતુ 24, 25 અને 26 એપ્રિલના રોજ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. ત્યારબાદ અઠવાડિયાના અંતમાં તાપમાનમાં ફરી 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.

સૌરાષ્ટ્ર, કચ્છ અને દરિયાકાંઠા: 24 અને 25 એપ્રિલે ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે, જેના કારણે અકળામણ વધુ અનુભવાશે.

અમદાવાદ: આકાશ સાફ રહેશે, મહત્તમ તાપમાન 41થી 43°C આસપાસ રહેવાની શક્યતા.

મતદાન દિવસ (26 એપ્રિલ): કેટલાક વિસ્તારોમાં તાપમાન 43°C સુધી જઈ શકે છે, જ્યારે દરિયાકાંઠે 37-38°C રહેશે. પવનની ગતિ 15-20 નોટ સુધી રહી શકે છે.

ગઈકાલનું તાપમાન (22 એપ્રિલ)

અમદાવાદ: 40.8°C

રાજકોટ: 40.40C

ગાંધીનગર: 40.2°C

વડોદરા: 39.4°C

આરોગ્ય વિભાગની સલાહ

બપોરના સમયે (ખાસ કરીને 12થી 3 વાગ્યા સુધી) બિનજરૂરી બહાર ન નીકળવું. ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓએ છત્રી, રૂમાલ કે દુપટ્ટાનો ઉપયોગ કરવો. પુષ્કળ પાણી પીવું, છાયામાં રહેવું અને હીટ સ્ટ્રોકથી બચવા માટે સાવચેતી રાખવી.

આ પણ વાંચો: અમદાવાદ રેલ્વે રૂટ પર મેગા ટ્રાફિક બ્લોક! : વંદે ભારત સહિત અનેક ટ્રેનોમાં ફેરફાર, મુસાફરી કરતાં પહેલા ચેક કરી લો આ સંપૂર્ણ લિસ્ટ

દેશભરમાં હીટવેવનો પ્રકોપ

દેશના અડધાથી વધુ રાજ્યોમાં હાલ હીટવેવ ચાલુ છે. બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં અનેક શહેરોમાં તાપમાન 40°Cથી 45°C વચ્ચે રહ્યું. ઓડિશાનું ઝારસુગુડા 44.6°C સાથે દેશનું સૌથી ગરમ શહેર બન્યું. ઓડિશા સરકારે હીટવેવને ધ્યાનમાં રાખીને વસ્તી ગણતરીનું કામ બપોરે (સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધી) બંધ રાખ્યું છે. બૌધ અને મયુરભંજ જિલ્લામાં 23 એપ્રિલ સુધી શાળાઓ બંધ રાખવામાં આવી છે .દિલ્હીમાં શાળાઓમાં વોટર બેલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે – દર 45થી 60 મિનિટે ઘંટડી વગાડીને વિદ્યાર્થીઓને પાણી પીવાનું યાદ કરાવવામાં આવશે જેથી ડિહાઇડ્રેશનથી બચી શકાય.

સલાહ: આ તીવ્ર ગરમીમાં વૃદ્ધો, બાળકો અને બીમાર વ્યક્તિઓ વધુ સાવચેત રહે. પાણી, ઓઆરએસ અને હળવા કપડાંનો ઉપયોગ કરો. ગરમીના લક્ષણો જણાય તો તરત મેડિકલ મદદ લો.આકરી ગરમીથી બચવા માટે તૈયારી કરી લો – હવામાન વિભાગની આગાહી અનુસાર આ અઠવાડિયે તાપનું ટોર્ચર વધુ વધશે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now