Home Gujarat Gujarat Heatwave Alert Ambalal Patel Gujarat Weather Forecast March 2026 Rain Prediction Mavthu

ગુજરાતમાં ગરમી બાદ હવે 'માવઠા'નો ખતરો : અંબાલાલ પટેલે માર્ચમાં આ તારીખે વરસાદની આગાહી કરી, જાણો ક્યારે પલટાશે વાતાવરણ

ગુજરાતમાં ગરમી બાદ હવે 'માવઠા'નો ખતરો
Published by: OBS Bureau
Last Updated: Mar 06, 2026, 09:04 AM IST

અમદાવાદ: રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીએ પોતાનું તેવર બતાવવાનું શરૂ કરી દીધું છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 37 થી 38 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આ ભીષણ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે માર્ચના બીજા પખવાડિયાથી હવામાનમાં મોટો પલટો આવશે. પ્રિ-મોન્સુન એક્ટિવિટીના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જે માર્ચના અંત સુધી ચાલુ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસમાં તાપમાનમાં હજુ પણ 3 થી 5 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા હોવાથી 'યેલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ પારો 40 ડિગ્રીની નજીક પહોંચવાની વકી છે, જેનાથી શહેરીજનોએ બપોરના સમયે ભારે આકરા તાપનો સામનો કરવો પડશે.

અંબાલાલ પટેલની આગાહી: ક્યારે આવશે વરસાદ?

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, માર્ચના બીજા અઠવાડિયાથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે અને 16 થી 20 માર્ચ દરમિયાન પ્રથમ રાઉન્ડમાં હવામાન પલટાશે. ત્યારબાદ 24 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધી ફરીથી માવઠું થવાની શક્યતા છે. આ દરમિયાન ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડી શકે છે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર પણ જોવા મળશે.

સૌરાષ્ટ્ર-કચ્છ માટે હીટવેવનું એલર્ટ

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના 12 જેટલા જિલ્લાઓમાં તાપમાન અત્યારથી જ 37 ડિગ્રીને પાર કરી ગયું છે. ગરમ પવનો ફૂંકાવાને કારણે લોકોને બપોરના સમયે લૂ લાગવાની પણ શક્યતા છે. વિશેષ કરીને બાળકો અને વૃદ્ધોને ગરમીથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે.

કયા જિલ્લામાં કેટલો નોંધાયો પારો? (તાપમાનની સ્થિતિ)

રાજ્યમાં હાલ ભાવનગર સૌથી ગરમ શહેર સાબિત થયું છે. મુખ્ય શહેરોનું તાપમાન નીચે મુજબ છે:

શહેર

તાપમાન (સેલ્સિયસ)

ભાવનગર

38.0°C

રાજકોટ

37.9°C

અમદાવાદ

37.7°C

અમરેલી

37.7°C

કેશોદ

37.7°C

કંડલા

37.6°C

સુરેન્દ્રનગર

37.5°C

ગાંધીનગર

37.2°C

ખેડૂતો માટે ચિંતાનો વિષય

ભર ઉનાળે જો કમોસમી વરસાદ કે માવઠું થાય, તો ખેતરોમાં ઉભા રવિ પાકને મોટું નુકસાન થઈ શકે છે. ખાસ કરીને ઘઉં, જીરું અને ઉનાળુ પાકોને આ પલટાની સીધી અસર થવાની ભીતિ છે. અંબાલાલ પટેલની આ આગાહીએ ખેડૂતોના જીવ અધ્ધર કરી દીધા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now