Ahmedabad News: શહેરમાં ફરી એકવાર કાયદો અને સ્થિતિને લઈને સવાલ ઉઠી રહ્યા છે. આજે અમદાવાદના રખિયાલ વિસ્તારમાં અસામિજક તત્વોએ વિસ્તારને બાનમાં લીધો હતો. રખિયાલ વિસ્તારમાં અસામાજિક તત્વો હાથમાં તલવાર સાથે ફરતા હોય તેવો વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ગૃહરાજ્યમંત્રી સંઘવીના સિંઘમોએ આરોપીને કલાકોમાં પકડીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. જે આરોપી થોડા કલાકો પહેલા પોલીસ સામે પુષ્પાની જેમ રૂઆબ ઝાડતો હતો તે મેથીપાક બાદ ઢેલ બનીને સ્ટ્રેચર પર પડ્યો છે.
આ ઘટનામાં અમદાવાદ પોલીસની આબરૂના ધજાગરા
આ ઘટના બાદ અમદાવાદ પોલીસની આબરૂના ધજાગરા થયા હતા. પરંતુ આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ તરત પોલીસના જવાનોએ એક્શન લઈને તાત્કાલિક બે આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઘટના સંદર્ભે રખિયાલ અને બાપુનગર પોલીસ મથકે ગુનો નોંધાયા અને 2 ઇસમોની ધરપકડ કરાઈ હતી, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ગુંડાઓની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રખિયાલના ગરીબનગર વિસ્તારમાં લુખ્ખા તત્ત્વોએ હાથમાં તલવાર લઈને વિસ્તારને બાનમાં લીધો હતો. ગુંડાઓની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. હાલ આ ઘટનામાં પોલીસે સમીર શેખ નામના શખ્સની ધરપકડ કરી છે. જ્યારે પોલીસે અન્ય આરોપીઓની પણ શોધખોળ હાથ ધરી રહી છે. રખિયાલ પોલીસે BNS કલમ 109,189,190,191, GpAct 135 મુજબ ગુન્હો નોંધ્યો છે. તેમજ અન્ય એક ગુન્હો બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધ્યો છે.
ગુજરાતના રસ્તાઓ પર આરોપીઓની જાહેરમાં સરભરા
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જાહેરમાં આરોપીઓના વરઘોડા નીકળી રહ્યાં છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તો જાહેરમાં કહી ચૂક્યા છે કે જેણે તકલીફ થતી હોય તો ભલે થાય, પરંતુ કાયદાના નિયમોનું ઉલ્લંઘન કરશે તેના વરઘોડા વટથી નીકળીશે. છેલ્લાં કેટલાક દિવસથી ગુજરાતના રસ્તાઓ પર આરોપીઓની જાહેરમાં સરભરા કરવામાં આવી રહી છે, અને તેઓ લોકોની માફી માંગી રહ્યાં છે.






