Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર સામાજિક સમરસતા અને ન્યાય પ્રણાલીને વધુ સુદ્રઢ બનાવવા માટે કટિબદ્ધ છે. તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં 'રાજ્યસ્તરીય તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિ'ની મહત્વની બેઠક સંપન્ન થઈ હતી, જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના અધિકારોના રક્ષણ માટે લેવાયેલા પગલાંની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.
નેશનલ હેલ્પલાઇન અમલીકરણમાં ગુજરાતનો ડંકો
બેઠકમાં રજૂ કરાયેલા આંકડાઓ મુજબ, 'નેશનલ હેલ્પલાઇન અગેઈન્સ્ટ એટ્રોસિટી' અંતર્ગત મળેલી ફરિયાદોના ૧૦૦ ટકા નિકાલ કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. માર્ચ-૨૦૨૨થી કાર્યરત આ અલ્ટ્રા મોર્ડન કોલ સેન્ટર પીડિતોને ઝડપી ન્યાય અપાવવામાં આશીર્વાદરૂપ સાબિત થયું છે.
રૂપિયા ૨૩.૬૨ કરોડની સહાય અને ઝડપી ન્યાય
રાજ્ય સરકારે પીડિતો પ્રત્યે સંવેદના દાખવતા વર્ષ ૨૦૨૫ દરમિયાન (જાન્યુઆરીથી ડિસેમ્બર) અનુસૂચિત જાતિ-જનજાતિ પરના અત્યાચારના બનાવોમાં કુલ રૂ. ૨૩.૬૨ કરોડની આર્થિક સહાય ચૂકવી છે. આ ઉપરાંત એટ્રોસિટીના કેસોના ઝડપી નિકાલ માટે રાજ્યમાં ૧૬ એક્સક્લુઝિવ સ્પેશિયલ કોર્ટ કાર્યરત છે. જિલ્લા કલેક્ટરોના અધ્યક્ષ સ્થાને દર ત્રણ મહિને સમીક્ષા બેઠકો યોજવા માટે કડક સૂચના આપવામાં આવી છે.
શિક્ષણ અને સામાજિક સમરસતા પર ભાર
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'ઓલ કાસ્ટ અન્ડર વન રૂફ'ના વિઝનને સાકાર કરતી સમરસ હોસ્ટેલ યોજના વિશે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. રાજ્યના ૧૨ જિલ્લાઓમાં ૨૩ સમરસ હોસ્ટેલ કાર્યરત છે, જેનો લાભ અત્યાર સુધીમાં ૧.૦૩ લાખ વિદ્યાર્થીઓએ લીધો છે. વધુમાં, નવી ૧૧ બોયઝ અને ૧૪ ગર્લ્સ સમરસ હોસ્ટેલ મંજૂર કરવામાં આવી છે, જે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રહેવા-જમવાની શ્રેષ્ઠ સુવિધા આપશે. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સામાજિક સમરસતાને વધુ મજબૂત બનાવવા માટે લોકપ્રતિનિધિઓ અને અધિકારીઓએ પરસ્પર સંવેદનાપૂર્ણ સહયોગથી કાર્ય કરવું જોઈએ."
આ બેઠકમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા સહિતના મંત્રીમંડળના સભ્યો, અનામત બેઠકો પરના ધારાસભ્યઓ અને મુખ્ય સચિવ એમ. કે. દાસ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યઓએ આપેલા સૂચનોને આધારે રાજ્યની કલ્યાણકારી યોજનાઓને વધુ અસરકારક બનાવવાની ખાતરી આપવામાં આવી હતી.





