રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ અને બનાસકાંઠા જિલ્લા માટે વિકાસના કામોની જાહેરાત કરી છે. અમદાવાદમાં કાલુપુર રિડેવ્લોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત કાલુપુર-સાળંગપુર રેલવે ઓવરબ્રિજની કામગીરી માટે ગુજરાત સરકારે રૂ. 220 કરોડ ફાળવ્યા છે. રાજ્યસરકારે રૂ.220 કરોડ ફાળવતા હવે રેલવે એન્ડ લેન્ડ ઓથોરિટી કુલ રૂ,440 કરોડના ખર્ચે કાલુપુર-સાળંગપુર ઓવરબ્રિજના કન્સ્ટ્રકશનની કામગીરી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિરાસત ભી વિકાસ ભી’ સૂત્ર અંતર્ગત અમદાવાદ રેલવે સ્ટેશનના કાયાકલ્પ પ્રોજેક્ટમાં વર્ષો જૂના કાલુપુર-સાળંગપુર રેલવે ઓવરબ્રિજનું નવીનીકરણ કરાશે. રાજ્યસરકારે રૂ.220 કરોડની ફાળવણી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના અંતર્ગત કરી છે. રેલવે ઓવરબ્રિજને વધુ પહોળા કરવામાં આવશે, જેના થકી ટ્રાફિકની સમસ્યાનું ભારણ ઘટશે.
મહત્વનું છે કે અમદાવાદ રેલવે સ્ટેશન પર કાલુપુર રેલ્વે ઓવર બ્રિજનું નિર્માણ 108 વર્ષ પહેલા 1915માં તથા સાળંગપુર રેલ્વે ઓવરબ્રિજનું 83 વર્ષ અગાઉ 1940માં નિર્માણ થયું હતું. હાલમાં આ કાલુપુર રેલ્વે ઓવર બ્રિજ બન્ને તરફ ફૂટપાથ સાથે થ્રી-લેન અને સાળંગપુર રેલ્વે ઓવરબ્રિજ ટુ-લેન પહોળાઈ ધરાવે છે.આ પુલોના લાઈફ સ્પાન અને સલામતી તેમજ વધતા જતા ટ્રાફિકના ભારણને ધ્યાને રાખીને બંને પુલ તોડીને નવેસરથી ફોર-લેન કરવાનું કામ રિકન્સ્ટ્રક્શન રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવશે.
રાધનપુરમાં બ્રિજ બનાવવા રૂ.53 કરોડ ફાળવ્યા
રાધનપુર-ભિલોટ માર્ગમાં ક્રોસિંગ પર બ્રિજ બનાવવા રાજ્યસરકારે રૂ. 53 કરોડ ફાળવ્યા છે. રાધનપુર-ભિલોટ માર્ગ પર રેલવેક્રોસિંગ છે, ત્યા ઓવરબ્રિજનું નિર્માણ કરાશે.રાધનપુર-ભિલોટ-સુઈગામને જોડતા આ માર્ગ પર ઓવરબ્રિજ બનવાથી નાગરિકોને માલપરિવહન અને મુસાફરી માટે સરળતા રહેશે.
આ ત્રણેય બ્રિજની કામગીરી માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ નાણાંકીય સહાય આપવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે. કાલુપુર રેલવે ઓવરબ્રિજ માટે રૂ. 106.67 કરોડ, સારંગપુર રેલ્વે ઓવરબ્રિજ માટે 113.25 કરોડ તો રાધનપુર બ્રિજ માટે 52.83 કરોડ મળી કુલ 272.75 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.મુખ્યમંત્રીના આ નિર્ણયથી બંને શહેરોમાં કનેક્ટિવિટી સુગમ બનશે, ટ્રાફિકનું ભારણ ઘટશે અને નાગરિકોના સમય શક્તિ અને ઇંધણની બચત થશે.





