Home Gujarat Gujarat Gerc Smart Meter No Customer Consent Required

હવે 'ના' કહેશો તો પણ બદલાઈ શકે છે તમારું મીટર : GERCએ વીજ ગ્રાહકો માટે લીઘો નિર્ણય

સ્માર્ટ મીટરની છબી
Image Credit: AI
Published by: Niraj Chokshi
Last Updated: Jul 06, 2026, 05:23 AM IST

ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે GERCના વીજ લોકપાલે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ ચુકાદામાં સ્માર્ટ મીટર બદલવા માટે ગ્રાહકની પૂર્વ સંમતિ જરૂરી નથી અને કેટલીક મહત્વપૂર્ણ બાબતોને પણ સ્પષ્ટ કરવામાં આવી છે. ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (GERC)ના વીજ લોકપાલે સ્માર્ટ મીટરને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ ચુકાદા મુજબ વીજ વિતરણ કંપની ગ્રાહકના સ્થળે સ્માર્ટ મીટર લગાવવા અથવા જૂના મીટરના સ્થાને સ્માર્ટ મીટર બદલવા માટે ગ્રાહકની પૂર્વ સંમતિ લેવી ફરજિયાત નથી. આ નિર્ણય બાદ સ્માર્ટ મીટર અંગે ચાલી રહેલી અનેક ગેરસમજો અને પ્રશ્નો પર સ્પષ્ટતા થઈ છે. વીજ લોકપાલના આ ચુકાદાને રાજ્યભરના વીજ ગ્રાહકો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

ગ્રાહકની મંજૂરી વગર પણ સ્માર્ટ મીટર લગાવી શકાય

વીજ લોકપાલે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકની મંજૂરી વગર પણ સ્માર્ટ મીટર લગાવી શકાય છે. જો વીજ વિતરણ કંપની દ્વારા સ્માર્ટ મીટર સ્થાપિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો તે માટે અલગથી ગ્રાહકની લેખિત અથવા મૌખિક સંમતિ લેવાની કાનૂની ફરજ નથી. સાથે જ લોકપાલે એવું પણ જણાવ્યું છે કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ જૂનું મીટર ફરીથી લગાવવાની ગ્રાહકની માંગ કાયદેસર ગણાશે નહીં.

આ પણ વાંચો: ગુજરાત માટે ખુશખબર : નર્મદા ડેમની સપાટી 126.43 મીટરે પહોંચી, 2 પાવર હાઉસ શરૂ

ખામી હોવાનું પૂરતા પુરાવા સાથે પ્રસ્થાપિત કરી શક્યા નથી

વડોદરાના પ્રતાપનગર વિસ્તારના રહેવાસી મહેન્દ્ર પટેલ દ્વારા આ ચુકાડો દાખલ કરવામાં આવ્યો છે. અરજદારે સ્માર્ટ મીટર અંગે વિવિધ પ્રકારની રજૂઆતો કરી હતી. જોકે, વીજ લોકપાલે નોંધ્યું કે અરજદાર સ્માર્ટ મીટરમાં કોઈ ટેકનિકલ ખામી, મીટરના રીડિંગમાં ગડબડ અથવા વીજ બિલમાં કોઈ ખામી હોવાનું પૂરતા પુરાવા સાથે પ્રસ્થાપિત કરી શક્યા નથી. તેથી અરજદારની રજૂઆતને આધારે જૂનું મીટર ફરીથી લગાવવાનો કોઈ આધાર બનતો નથી.

બિલ અંગે કોઈ પ્રશ્ન હોય તો તે માટે કાનૂની વ્યવસ્થા ઉપલબ્ધ

ચુકાદામાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ ગ્રાહકને સ્માર્ટ મીટરની કામગીરી અંગે શંકા હોય અથવા મીટરના રીડિંગ અને બિલ અંગે કોઈ પ્રશ્ન હોય તો તે માટે કાનૂની વ્યવસ્થા ઉપલબ્ધ છે. ગ્રાહક પોતાની શંકાના નિવારણ માટે સ્માર્ટ મીટરનું થર્ડ પાર્ટી ટેસ્ટિંગ કરાવી શકે છે. આ પ્રક્રિયા દ્વારા મીટરની કામગીરી અને તેની ચોકસાઈ અંગે નિષ્પક્ષ રીતે તપાસ કરી શકાય છે. એટલે કે માત્ર શંકાના આધારે સ્માર્ટ મીટરને ખામીયુક્ત ગણાવી શકાય નહીં.

આ પણ વાંચો: જૂનાગઢના હસનાપુર ડેમે રચ્યો ઇતિહાસ! : 90 લાખ Water Credit સાથે એશિયામાં પ્રથમ સ્થાન, જાણો કેમ છે આ ઐતિહાસિક સિદ્ધિ

જૂનું મીટર ફરીથી લગાવવાની માંગ કાયદાકીય રીતે સ્વીકાર્ય રહેશે

વીજ લોકપાલના આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે સ્માર્ટ મીટર અંગે કોઈપણ પ્રકારનો વિવાદ ઊભો થાય તો તેનો ઉકેલ કાનૂની પ્રક્રિયા અને ટેકનિકલ પરીક્ષણના આધારે જ કરવામાં આવશે. ગ્રાહકોને જો મીટરની કામગીરી અંગે કોઈ વાંધો હોય તો તેઓ યોગ્ય પ્રક્રિયા અનુસરીને તેની તપાસ કરાવી શકે છે. પરંતુ માત્ર જૂનું મીટર ફરીથી લગાવવાની માંગ કાયદાકીય રીતે સ્વીકાર્ય રહેશે નહીં. ગુજરાત વિદ્યુત નિયામક આયોગના વીજ લોકપાલનો આ ચુકાદો સ્માર્ટ મીટર સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે. આ ચુકાદાથી વીજ ગ્રાહકો અને વીજ વિતરણ કંપનીઓ બંને માટે સ્પષ્ટતા થઈ છે કે સ્માર્ટ મીટરની સ્થાપના માટે ગ્રાહકની પૂર્વ મંજૂરી જરૂરી નથી. સાથે જ જો કોઈ ગ્રાહકને મીટર અંગે શંકા હોય તો તેને થર્ડ પાર્ટી ટેસ્ટિંગનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. આ નિર્ણય ભવિષ્યમાં સ્માર્ટ મીટર સંબંધિત વિવાદોના નિરાકરણ માટે પણ માર્ગદર્શક સાબિત થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now