Ahmedabad News: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદ શહેર પોલીસે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ઝોન-7માં 'ઓપરેશન ક્લીન સ્વીપ 2.0' નામથી હાથ ધરાયેલા આ વિશેષ અભિયાનમાં માત્ર 24 કલાકમાં કુલ 190 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન વર્ષોથી ફરાર રહેલા અનેક આરોપીઓ પણ પોલીસના જાળમાં આવી ગયા છે. રથયાત્રા દરમિયાન શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા સમયાંતરે વિશેષ ઓપરેશન ચલાવવામાં આવે છે. આ વખતે ઝોન-7ના તમામ પોલીસ સ્ટેશનો અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની સંયુક્ત ટીમોએ ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ દરોડા પાડીને ફરાર આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી.
24 કલાકમાં 190 આરોપીઓની ધરપકડ
પોલીસના જણાવ્યા મુજબ આ વિશેષ ઓપરેશન દરમિયાન કુલ 190 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 83 એવા આરોપીઓનો સમાવેશ થાય છે, જે લાંબા સમયથી ફરાર હતા અને વિવિધ ગુનાઓમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાંચ તડીપાર આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. 54 નોન-બેલેબલ વોરંટ (NBW) ધરાવતા આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમ-185 હેઠળ 11 આરોપીઓ અને પ્રોહિબિશન સંબંધિત કેસોમાં 28 આરોપીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: વડોદરાની ભાયલીની અર્બન-8 રેસિડન્સીમાં મંદિર વિવાદે લીધું ઉગ્ર સ્વરૂપ : રહીશો પર હુમલાનો આક્ષેપ
વર્ષોથી ફરાર આરોપીઓ પણ ઝડપાયા
આ ઓપરેશનની સૌથી મહત્વપૂર્ણ સફળતા એ રહી કે પોલીસ વર્ષોથી ફરાર રહેલા આરોપીઓને પણ શોધી કાઢવામાં સફળ રહી છે. ઝડપાયેલા આરોપીઓમાં 22 એવા આરોપીઓનો સમાવેશ થાય છે, જે એક વર્ષથી વધુ સમયથી ફરાર હતા. જ્યારે બે એવા આરોપીઓને પણ પોલીસે ઝડપી પાડ્યા છે, જે છેલ્લા 20 વર્ષથી કાયદાથી બચતા ફરતા હતા. આ આરોપીઓ લાંબા સમયથી અલગ-અલગ રાજ્યોમાં પોતાની ઓળખ છુપાવીને રહેતા હતા. પોલીસની ટેકનિકલ સર્વેલન્સ, ગુપ્ત માહિતી અને આંતરરાજ્ય સંકલનના આધારે તેમને શોધી કાઢવામાં સફળતા મળી છે.
ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ જાળમાં
પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓ સામે છેતરપિંડી, હત્યાના પ્રયાસ, સંગઠિત ગુનાઓ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 111 હેઠળના ગુનાઓ, અપહરણ, નકલી ચલણી નોટોનો ઉપયોગ તેમજ મંદિર ચોરી જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ તમામ આરોપીઓ સામે અગાઉથી વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા હતા અને તેઓ લાંબા સમયથી ફરાર હતા.
આ પણ વાંચો: ઘરની ઓસરીમાં નિરાંતે સૂતો હતો પશુપાલક : અચાનક આવી પહોંચ્યો સિંહ અને પછી...
5 રાજ્યોમાં પોલીસની ટીમો તૈનાત
ઓપરેશન ક્લીન સ્વીપ 2.0ને સફળ બનાવવા માટે ઝોન-7ના આઠ પોલીસ સ્ટેશન ઉપરાંત એલસીબીની ટીમોએ સંયુક્ત કામગીરી કરી હતી. આ સમગ્ર અભિયાનમાં કુલ 341 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. જેમાં 8 પોલીસ ઇન્સ્પેક્ટર (PI), 37 પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) સહિત મોટી સંખ્યામાં સ્ટાફે ભાગ લીધો હતો. પોલીસે કુલ 43 અલગ-અલગ ટીમો બનાવી હતી, જેમને અલગ-અલગ વિસ્તારો અને રાજ્યોમાં મોકલવામાં આવી હતી.
ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં દરોડા
ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ગુજરાત બહાર પણ પોલીસની ટીમો મોકલવામાં આવી હતી. રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં ખાસ ટીમો દ્વારા દરોડા પાડીને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ગુજરાતમાં પણ અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, મહેસાણા, રાજકોટ અને કચ્છ જિલ્લામાં વિવિધ સ્થળોએ કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
20 વર્ષ જૂના કેસના આરોપીઓ પણ ઝડપાયા
આ ઓપરેશન દરમિયાન એક મહત્વપૂર્ણ સફળતા એવી પણ મળી કે એલસીબી ઝોન-7ની ટીમે 20 વર્ષથી ફરાર રહેલા નકલી ચલણી નોટોના કેસના આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી નકલી ચલણી નોટોનો ઉપયોગ ખાસ કરીને પેટ્રોલ પંપ પર કરતો હતો અને વર્ષોથી કાયદાની પકડથી દૂર રહ્યો હતો. બીજી તરફ વેજલપુર પોલીસ સ્ટેશને પણ મહારાષ્ટ્રમાંથી 20 વર્ષથી ફરાર સ્કોર્પિયો વાહન ચોરીના કેસના આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
રથયાત્રા પહેલાં સુરક્ષા વધુ મજબૂત
અમદાવાદમાં યોજાનારી રથયાત્રાને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ ગુનાહિત પ્રવૃત્તિઓ પર કડક નજર રાખી રહી છે. રથયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જાય નહીં તે માટે અગાઉથી ફરાર અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ ઝોનમાં આવી જ પ્રકારના કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવશે. ગુનાહિત તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે તમામ જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.





