6 હજાર કરોડની પોન્ઝી સ્કીમ BZ ગ્રૂપનો માલિક ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલા આખરે મહેસાણા જિલ્લામાંથી ઝડપાયો. CID ક્રાઇમે છેલ્લા એક મહિનાથી નાસતા ફરતા ભૂપેન્દ્રસિંહ ઝાલાની આખરે ધરપકડ કરી છે. અનેક ગણું વળતર આપવાની લાલચ આપી રોકાણ કરાવી લોકોનાં કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી ફરાર થયેલો આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની વિસનગરનાં દવાડા ગામેથી આખરે ધરપકડ કરવામાં આવી છે. જ્યારથી આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો, ત્યારથી ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર હતો. જો કે, હવે CID ક્રાઇમે વિસનગરનાં દવાડા ગામેથી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી પાડ્યો છે. અત્યાર સુધીની તપાસમાં કરોડોનાં બેનામી વ્યવહારો મળી આવ્યા છે. કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં રિમાન્ડમાં સૌથી મોટા રહસ્યો ખૂલે તેવી શક્યતાઓ છેે.
ક્યાં રોકાયો હતો ભાગેડું ભૂપેન્દ્રસિંહ ઝાલા?
CID ક્રાઈમે ભૂપેન્દ્રસિંહ ઝાલાને શુક્રવારે સાંજે 4 વાગે મહેસાણા નજીક આવેલા દવાડા ગામનાં એક ફાર્મ હાઉસમાંથી ઝડપી પાડ્યો હતો. શંકાસ્પદ સંપર્કવાળા સંડોવાયેલાની તપાસ માટે CIDની ટીમ મહેસાણા આવી હતી. આ દરમિયાન, ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી. ખાનગી રાહે મળેલી બાતમીનાં આધારે ભૂપેન્દ્રસિંહ ઝાળા સુધી CID ક્રાઈમ પહોંચી હતી. જે ફાર્મ હાઉસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા જલસા કરી રહ્યો હતો તે ફાર્મ હાઉસ એક રાજકીય આગેવાનનાં સગાનું હોવાનો ખુલાસો થયો છે. જો કે, હાલ CID ક્રાઇમ દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછ કરાઈ રહી છે અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
કેવી રીતે ઝડપાયો ભૂપેન્દ્રસિંહ ઝાલા?
ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ CID ક્રાઇમના ઇન્ચાર્જ DIG પરીક્ષિતા રાઠોડ દ્વારા માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનાં આધારે ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડવામાં આવ્યો છે. ઇન્ચાર્જ DIGએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી મહેસાણા પાસેનાં દવાડા ગામનાં એક ફાર્મ હાઉસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા રોકાયો હતો. ભૂપેન્દ્રસિંહ ઝાલાને આશરો આપનાર ફાર્મ હાઉસનાં માલિક સામે પણ પગલાં લેવાશે. આ ઉપરાંત, આરોપીને અગાઉ પણ છાવરનાર સામે પગલાં ભરાશે. તેમણે કહ્યું કે, હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.





