સુરત: ગુજરાત રાજ્યના સ્થાપના દિવસના પાવન અવસરે દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક નકશા પર એક નવો ઇતિહાસ લખાયો છે. સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે આયોજિત 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' (VGRC) ના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અર્થતંત્રને વેગ આપવા માટે મોટી જાહેરાતો કરી છે. દક્ષિણ ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે 8 નવી સ્માર્ટ GIDC બનાવવાની જાહેરાત સાથે જ સુરતના હીરા ઉદ્યોગના ગૌરવ સમાન 'કટ ડાયમંડ-GI ટેગ' પર ખાસ કવર લોન્ચ કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં જાપાન અને સિંગાપોર જેવા દેશોની ભાગીદારી ગુજરાતની ઔદ્યોગિક તાકાતનો પરિચય કરાવી રહી છે.
દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓ પર વિઝનરી ફોકસ
'વિકસિત ભારત@2047'ના સ્વપ્નને સાકાર કરવા માટે આયોજિત આ રિજનલ કોન્ફરન્સમાં સુરત સહિત ભરૂચ, ડાંગ, નવસારી, તાપી અને વલસાડ જિલ્લાઓની ઔદ્યોગિક ક્ષમતાને નિખારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. 1 થી 5 મે સુધી ચાલનારા આ ભવ્ય એક્ઝિબિશનમાં 12,000 ચોરસ મીટરમાં MSME થી લઈને મલ્ટીનેશનલ કંપનીઓ પોતાની અત્યાધુનિક ટેકનોલોજીનું પ્રદર્શન કરી રહી છે. આ આયોજનથી દક્ષિણ ગુજરાતમાં મોટા પાયે રોકાણ આવવાની અને હજારો રોજગારીની તકો ઊભી થવાની શક્યતા છે.

સુરત કટ ડાયમંડ: વિશ્વ ફલક પર નવી ઓળખ
સુરતના જગવિખ્યાત હીરા ઉદ્યોગ માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. મુખ્યમંત્રીના હસ્તે 'સુરત કટ ડાયમંડ - GI ટેગ' પર ખાસ કવર પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ GI ટેગ મળવાથી સુરતના હીરાની બ્રાન્ડ વેલ્યુ વૈશ્વિક બજારમાં અનેકગણી વધી જશે. આ પ્રસંગે સુરત ઈકોનોમિક માસ્ટર પ્લાન પણ રજૂ કરવામાં આવ્યો હતો, જે આગામી દાયકાઓમાં શહેરના આર્થિક વિકાસની બ્લુપ્રિન્ટ તૈયાર કરશે.
આ પણ વાંચો: છેડતી કરનાર રોમિયોને મહિલાએ જાહેરમાં ચખાડ્યો સ્વાદ : અન્ય મહિલાઓએ પણ ભેગા મળી આપ્યો 'મેથીપાક'
ઉર્જા સુરક્ષા અને ભારતનું 'વર્કિંગ મોડેલ'
કોન્ફરન્સમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ ગુજરાતના વિકાસની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, દુનિયા આજે ગુજરાતને માત્ર રોકાણના સ્થળ તરીકે નહીં પણ ભારતના વિકાસના 'વર્કિંગ મોડેલ' તરીકે જુએ છે. તેમણે દેશની ઉર્જા સુરક્ષા અંગે ખાતરી આપતા કહ્યું કે, સરકાર સતત ક્રૂડ, પેટ્રોલ અને ડીઝલના પુરવઠા પર દેખરેખ રાખી રહી છે જેથી વિકાસની ગતિ ક્યાંય અટકે નહીં. પ્રધાનમંત્રી મોદીના માર્ગદર્શન હેઠળ ભારત આજે ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે.

ઉદ્યોગસાહસિકોના જોરે ગુજરાત અગ્રેસર: સી.આર. પાટીલ
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે ગુજરાતના વિકાસમાં સ્થાનિક ઉદ્યોગપતિઓના ફાળાને બિરદાવતા કહ્યું કે, રાજ્ય આજે જે ઊંચાઈ પર છે તેનો શ્રેય અહીંના સાહસિક ઉદ્યોગકારોને જાય છે. આ કોન્ફરન્સ દરમિયાન ઉદ્યોગો અને સરકાર વચ્ચે કરોડો રૂપિયાના MoU પણ થયા છે, જે આગામી સમયમાં દક્ષિણ ગુજરાતના વિકાસને એક નવી ઊંચાઈ પર લઈ જશે. આ કોન્ફરન્સમાં ભાગીદાર દેશો તરીકે જાપાન, રવાન્ડા, યુક્રેન અને સિંગાપોરની હાજરીએ આ કાર્યક્રમને વૈશ્વિક ઓપ આપ્યો છે.





