Home Gujarat Gujarat Census 2027 Digital Population Count 33 Questions

દેશની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ જનગણનાનો ગુજરાતમાં પ્રારંભ : દરવાજે આવીને પૂછાશે 33 મહત્વના સવાલો

વસ્તી ગણતરીની પ્રતિકારાત્મક છબી
Image Credit: ai
Published by: Niraj Chokshi
Last Updated: Jun 01, 2026, 06:44 AM IST

ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે 1 જૂનથી 'વસ્તી ગણતરી-2027'ના પ્રથમ તબક્કાની સત્તાવાર શરૂઆત થઈ છે. દેશની 16મી અને સ્વતંત્રતા પછીની 8મી જનગણના તરીકે નોંધાવાનારી આ પ્રક્રિયા અનેક રીતે ઐતિહાસિક માનવામાં આવી રહી છે, કારણ કે પ્રથમ વખત સમગ્ર જનગણના સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યભરમાં એક લાખથી વધુ ગણતરીકારો અને હજારો સુપરવાઈઝરો ઘેરઘેર જઈ માહિતી એકત્રિત કરશે.

વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાના જણાવ્યા અનુસાર સમગ્ર પ્રક્રિયા બે તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કામાં ઘર-યાદી અને મકાન ગણતરી (House Listing Operations) હાથ ધરાશે, જ્યારે બીજા તબક્કામાં વસ્તી ગણતરી અને જાતિ ગણતરી કરવામાં આવશે. આ વખતે સરકાર દ્વારા નાગરિકોને સ્વ-ગણતરી (Self Enumeration)ની પણ સુવિધા આપવામાં આવી હતી, જેમાં અત્યાર સુધી ગુજરાતના 3.74 લાખથી વધુ લોકોએ ભાગ લીધો છે.

30 જૂન સુધી ચાલશે પ્રથમ તબક્કો

1 જૂનથી 30 જૂન 2026 દરમિયાન ચાલનારા પ્રથમ તબક્કામાં રાજ્યના દરેક જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ગણતરીકારો ઘર-ઘર જઈ માહિતી એકત્રિત કરશે. આ દરમિયાન મકાનની સ્થિતિ, રહેઠાણની સુવિધાઓ, પાણી, વીજળી, શૌચાલય, ગેસ કનેક્શન, ઇન્ટરનેટ અને અન્ય ઘરેલુ સુવિધાઓ સંબંધિત કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે.

ગુજરાતમાં આ કામગીરી માટે 1,09,038 ગણતરીકારો અને 18,254 સુપરવાઈઝરોની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યભરમાં કુલ 1,10,598 હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ (HLBs) નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ તમામ માહિતી મોબાઈલ એપ્લિકેશન મારફતે સીધી ડિજિટલ સિસ્ટમમાં નોંધવામાં આવશે.

આ પણ વાંચો: રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા કથિત દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ : મેનેજર અને સંચાલકની ધરપકડ

પ્રથમ વખત સંપૂર્ણ ડિજિટલ જનગણના

ભારતમાં 2011 પછી પ્રથમ વખત જનગણના યોજાઈ રહી છે. આ વખતે સમગ્ર પ્રક્રિયા માટે ખાસ ડિજિટલ પ્લેટફોર્મ અને મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. એપ્લિકેશન ગુજરાતી સહિત 16 ભાષાઓમાં ઉપલબ્ધ છે અને ઇન્ટરનેટ વિના પણ માહિતી સંગ્રહ કરવાની સુવિધા ધરાવે છે. સરકારનું કહેવું છે કે ડિજિટલ પ્રક્રિયાથી માહિતી વધુ ઝડપથી અને ચોકસાઈપૂર્વક એકત્રિત થઈ શકશે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે જનગણના દરમિયાન નાગરિકોને કોઈ દસ્તાવેજ રજૂ કરવાની જરૂર નહીં પડે. ગણતરીકારો દ્વારા પૂછવામાં આવેલી માહિતીના આધારે જ નોંધણી કરવામાં આવશે. સાથે જ જનગણના કાયદા-1948 અને જનગણના નિયમો-1990 હેઠળ એકત્રિત થતી તમામ માહિતી સંપૂર્ણપણે ગોપનીય રહેશે અને તેનો ઉપયોગ કરવેરા, કાયદાકીય કાર્યવાહી અથવા અન્ય કોઈ હેતુ માટે નહીં થાય.

આ પણ વાંચો: ધીરેન્દ્ર શાસ્ત્રીનાં દિવ્ય દરબાર સામે વિજ્ઞાન જાથાનો વિરોધ : 3 દિવસ જાગૃતિ અભિયાનની જાહેરાત

કયા 33 પ્રશ્નો પૂછાશે?

પ્રથમ તબક્કામાં મકાન અને ઘરેલુ સુવિધાઓ અંગે કુલ 33 મુદ્દાઓ પર માહિતી લેવામાં આવશે. તેમાં મકાન નંબર, ઘરની માલિકી, પરિવારના સભ્યોની સંખ્યા, પીવાના પાણીનો સ્ત્રોત, વીજળી, શૌચાલય, ગેસ કનેક્શન, રસોઈ માટેનું બળતણ, ટીવી, ઈન્ટરનેટ, મોબાઈલ, વાહન વ્યવસ્થા, ઘરમાં ઉપલબ્ધ રૂમોની સંખ્યા સહિતના પ્રશ્નોનો સમાવેશ થાય છે.

સાથે જ પરિવારના વડાનું નામ, લિંગ, સામાજિક વર્ગ, પરિણીત યુગલોની સંખ્યા, મુખ્ય ખાદ્ય અનાજ અને સંપર્ક માટે મોબાઈલ નંબર જેવી માહિતી પણ નોંધવામાં આવશે. આ માહિતીનો ઉપયોગ ભવિષ્યમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓ, શહેરી આયોજન, ગ્રામ વિકાસ અને માળખાકીય સુવિધાઓના વિકાસ માટે કરવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદના સૌથી પોષ ગણાતા વિસ્તારની હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ : ઇલેક્ટ્રિકલ ફોલ્ટ પ્રાથમિક કારણ હોવાની શક્યતા

2027માં થશે જાતિ ગણતરી સાથે વસ્તી ગણતરી

જનગણનાનો બીજો તબક્કો 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન યોજાશે. આ તબક્કામાં દેશભરમાં વ્યક્તિગત વસ્તી ગણતરી અને જાતિ ગણતરીની કામગીરી હાથ ધરાશે. વર્ષો પછી પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરે જાતિ આધારિત માહિતી પણ એકત્રિત કરવામાં આવશે, જેના કારણે આ તબક્કા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત થયું છે.

સુરતમાં શિક્ષકોનો વિરોધ

આ દરમિયાન સુરત શહેરમાં વસ્તી ગણતરીની કામગીરીને લઈને પ્રાથમિક શિક્ષકોમાં અસંતોષ જોવા મળ્યો છે. પ્રાથમિક શિક્ષક મહાસંઘ દ્વારા વિરોધ કાર્યક્રમ યોજીને આક્ષેપ કરવામાં આવ્યો કે અનેક શિક્ષકોને તેમના નિવાસસ્થાન અને શાળાથી ઘણાં દૂર વિસ્તારોમાં વસ્તી ગણતરીની જવાબદારી સોંપવામાં આવી છે.

શિક્ષકોના જણાવ્યા મુજબ કેટલાક કિસ્સાઓમાં 7 કિલોમીટરથી 21 કિલોમીટર દૂર સુધીના વિસ્તારો ફાળવવામાં આવ્યા છે, જેના કારણે શૈક્ષણિક કામગીરી અને જનગણના બંને વચ્ચે સંતુલન જાળવવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. શિક્ષક સંગઠનોએ ચેતવણી આપી છે કે તેમની માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર કાર્યક્રમો હાથ ધરવામાં આવી શકે છે.

નાગરિકો માટે હેલ્પલાઈન જાહેર

જનગણના સંબંધિત કોઈપણ પ્રશ્ન, માર્ગદર્શન અથવા ફરિયાદ માટે કેન્દ્ર સરકાર દ્વારા ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1855 જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત નાગરિકો સત્તાવાર વેબસાઇટ મારફતે પણ માહિતી મેળવી શકે છે. સરકારે તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ગણતરીકારોને સાચી અને સંપૂર્ણ માહિતી આપીને જનગણનાની કામગીરીમાં સહકાર આપે, કારણ કે દેશના ભવિષ્યના આયોજન અને વિકાસ માટે આ આંકડાઓ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now