Gandhinagar News: રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે રસ્તાઓ ધોવાઈ જવાની અને ખાડા પડવાની કાયમી સમસ્યામાંથી પ્રજાને મુક્તિ અપાવવા માટે ગુજરાત સરકારે એક ઐતિહાસિક અને દીર્ઘકાલીન નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય કેબિનેટની મહત્વની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે, હવેથી રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના આંતરિક રસ્તાઓ ડામરના બદલે સિમેન્ટ કોંક્રીટ (CC) થી બનાવવામાં આવશે.
ચોમાસાની સ્થિતિ બાદ કેબિનેટનો પ્રજાહિતલક્ષી નિર્ણય
દર વર્ષે ભારે વરસાદને કારણે ડામરના રસ્તાઓ તૂટી જવાને લીધે નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને સરકારને પણ વારંવાર સમારકામનો ખર્ચ કરવો પડે છે. આ સમસ્યાના કાયમી અને ટકાઉ ઉકેલ માટે સરકારે આ માળખાકીય પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો છે.
સુરતમાં AAP નેતા પ્રવીણ રામનો ભાજપ પર મોટા પ્રહાર : પેપર લીક કાંડ મુદ્દે ઉઠાવ્યા ગંભીર સવાલ
આ નિર્ણયની મુખ્ય વિશેષતાઓ અને મહત્વની બાબતો નીચે મુજબ છે...
પ્રજાહિતને પ્રાધાન્ય
સિમેન્ટ કોંક્રીટ (CC) રોડ બનાવવાનો ખર્ચ સામાન્ય ડામર રોડ કરતાં અંદાજે 30 થી 40 ટકા વધુ થાય છે. આમ છતાં, સરકારે બજેટના ખર્ચ કરતાં નાગરિકોની સુવિધા અને પ્રજાહિતને ટોચની પ્રાથમિકતા આપી છે.
પાણી ભરાતા અને ઔદ્યોગિક વિસ્તારોમાં અમલ
ગામતળના એવા વિસ્તારો જ્યાં ચોમાસામાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા છે, તેમજ જ્યાં ભારે વાહનોની સતત અવરજવર રહે છે તેવા ઔદ્યોગિક વિસ્તારોમાં પણ તબક્કાવાર CC રોડ તૈયાર કરવામાં આવશે.
લાંબા ગાળાનો ફાયદો
ડામરના સરખામણીમાં CC રોડ વધુ મજબૂત અને ટકાઉ હોય છે, જેના કારણે વર્ષો સુધી રસ્તાઓ ખરાબ થતા નથી. આ નિર્ણયથી લાંબા ગાળે પ્રજાને ગુણવત્તાયુક્ત માર્ગ સુવિધા મળશે અને સરકારી તિજોરી પર વારંવાર થતા રિપેરિંગ ખર્ચમાં પણ ઘટાડો થશે.
ગુજરાત સરકારના આ ક્રાંતિકારી નિર્ણયથી રાજ્યના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોનું રોડ નેટવર્ક વધુ મજબૂત બનશે અને ચોમાસા દરમિયાન રસ્તા તૂટવાની સમસ્યા ભૂતકાળ બની જશે.






