Home Gujarat Ahmedabad Ahmedabad Rain Relief Package Traders Gujarat Government

અમદાવાદના વરસાદગ્રસ્ત વેપારીઓ માટે CMનો મોટો નિર્ણય : કેબિનેટમાં રાહત પેકેજ મંજૂર, ₹7500 થી ₹1 લાખની રોકડ સહાય સાથે 7% વ્યાજ સહાયની જાહેરાત!

અમદાવાદના વરસાદગ્રસ્ત વેપારીઓ માટે જાહેર કરાયું પુનઃવસન સહાય પેકેજ
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 28, 2026, 02:01 PM IST

Ahmedabad News: અમદાવાદ શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ બાદ વેપાર-ધંધાને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ રાહત પેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં વરસાદથી પ્રભાવિત વેપારીઓ, લારી-ગલ્લા ધારકો, કેબિન સંચાલકો અને દુકાનદારો માટે સુરતમાં જાહેર કરવામાં આવેલા પેકેજની તર્જ પર અમદાવાદ માટે પણ વિશેષ આર્થિક પુનઃવસન સહાયને મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું કે સરકાર નાના વેપારીઓ અને સ્વરોજગાર સાથે જોડાયેલા લોકોના આર્થિક પુનઃસ્થાપન માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે ભારે વરસાદને કારણે અનેક વેપારીઓના ધંધા પર સીધી અસર પડી છે. દુકાનોમાં પાણી ભરાવું, માલસામાનને નુકસાન પહોંચવું અને વેપાર બંધ રહેવા જેવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે અમદાવાદ રાજ્યનું આર્થિક કેન્દ્ર છે અને અહીંના વેપારીઓ ઝડપથી ફરી પગભર થાય તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે.

લારી-ગલ્લાથી લઈને મોટી દુકાનો સુધી તમામ વર્ગોને સહાય

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા પેકેજમાં નાના સ્વરોજગારીથી લઈને GST હેઠળ નોંધાયેલા વેપારીઓ સુધી વિવિધ કેટેગરી માટે અલગ-અલગ સહાયની જોગવાઈ કરવામાં આવી છે. લારી, રેકડી અને ફેરિયાઓને સીધી રોકડ સહાય આપવામાં આવશે જેથી તેઓ ફરી પોતાનો રોજગાર શરૂ કરી શકે. તે ઉપરાંત નાની અને મોટી કેબિન ધરાવતા વેપારીઓને પણ નિશ્ચિત રકમની સહાય આપવામાં આવશે. GST રજિસ્ટર્ડ પાકી દુકાન ધરાવતા અને છેલ્લા ત્રિમાસિકનું GST રિટર્ન ભરનાર વેપારીઓને રૂ. 1 લાખ સુધીની ઉચ્ચક રોકડ સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારનું માનવું છે કે આ સહાય વેપારીઓને તાત્કાલિક આર્થિક રાહત આપશે અને નુકસાનમાંથી બહાર આવવામાં મદદરૂપ બનશે.

લોન પર વ્યાજ સહાયની પણ ખાસ જોગવાઈ

રોકડ સહાય ઉપરાંત રાજ્ય સરકારે અસરગ્રસ્ત વેપારીઓ માટે વ્યાજ સહાયની પણ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. છેલ્લા ત્રિમાસિકનું GST રિટર્ન ભરનાર વેપારીઓ બેંક અથવા નાણાકીય સંસ્થા પાસેથી ટર્મ લોન લે તો તેમને ત્રણ વર્ષ સુધી 7 ટકા વ્યાજ સહાય આપવામાં આવશે. વેપારીના માસિક ટર્નઓવર પ્રમાણે રૂ. 20 લાખ, રૂ. 25 લાખ અથવા રૂ. 30 લાખ સુધીની ટર્મ લોન પર વ્યાજ સહાયનો લાભ મળશે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે રોકડ સહાય અથવા વ્યાજ સહાય,આ બંનેમાંથી કોઈ એક જ વિકલ્પ પસંદ કરી શકાશે. વ્યાજ સહાય મેળવવા માટે પેકેજના ઠરાવની તારીખથી છ મહિનાની અંદર અરજી કરવાની રહેશે.

સહાય પહેલાં થશે સર્વે અને પુરાવાની ચકાસણી

સરકારે જણાવ્યું છે કે સહાયની રકમ સીધી જ ચૂકવવામાં આવશે નહીં, પરંતુ અસરગ્રસ્ત વેપારીઓના નુકસાનનો સર્વે કરવામાં આવશે. ફોટોગ્રાફ, વિડિયોગ્રાફી અને અન્ય ઉપલબ્ધ પુરાવાના આધારે નુકસાનની ચકાસણી કરીને સહાય મંજૂર કરવામાં આવશે. આ પ્રક્રિયાનો હેતુ સાચા લાભાર્થીઓ સુધી સહાય પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જેમણે અગાઉ APMC માટેની સહાય યોજના હેઠળ લાભ મેળવ્યો હશે, તેઓ આ નવી યોજના હેઠળ સહાય મેળવવા પાત્ર રહેશે નહીં. આ નિર્ણયથી સહાયનું પુનરાવર્તન અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સહાય પેકેજની મુખ્ય જોગવાઈઓ

જાહેર કરાયેલા પેકેજ હેઠળ લારી અને રેકડી ધારકોને રૂ. 7,500ની ઉચ્ચક રોકડ સહાય આપવામાં આવશે. 40 ચોરસ ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધરાવતા વેપારીઓને રૂ. 25,000 અને 40 ચોરસ ફૂટથી વધુ વિસ્તાર ધરાવતી મોટી કેબિન સંચાલકોને રૂ. 50,000ની સહાય મળશે. પાકા બાંધકામવાળી અને છેલ્લા ત્રિમાસિકનું GST રિટર્ન ભરેલી દુકાનોને રૂ. 1 લાખની ઉચ્ચક રોકડ સહાય મળશે. જ્યારે GST ટર્નઓવર આધારે રૂ. 20 લાખ, રૂ. 25 લાખ અને રૂ. 30 લાખ સુધીની ટર્મ લોન લેનારા વેપારીઓને ત્રણ વર્ષ સુધી 7 ટકા વ્યાજ સહાય આપવામાં આવશે. આ વ્યાજ સહાયની મહત્તમ મર્યાદા અનુક્રમે રૂ. 5 લાખ, રૂ. 8 લાખ અને રૂ. 10 લાખ સુધી રાખવામાં આવી છે.

આ પણ વાંચો: ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય : ગુજરાતમાં હવે ડામર નહીં પણ CC રોડ બનશે; મનપા-નગરપાલિકાના આંતરિક રસ્તાઓ હવે બનશે વધુ ટકાઉ


વેપારીઓનો આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ

મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે રાજ્ય સરકાર માત્ર આર્થિક સહાય પૂરતી મર્યાદિત નથી, પરંતુ વેપારીઓનો આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરીને અમદાવાદના વેપાર અને ઉદ્યોગને ફરી ગતિ આપવાનો પ્રયાસ કરી રહી છે. નાના વેપારીઓ, સ્વરોજગારી ધરાવતા નાગરિકો અને દુકાનદારો ઝડપથી ફરી વ્યવસાય શરૂ કરી શકે તે માટે સરકાર તમામ જરૂરી સહયોગ આપવા પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે કુદરતી આફતો જેવી પરિસ્થિતિમાં સરકાર હંમેશા નાગરિકોની સાથે ઉભી રહી છે અને ભવિષ્યમાં પણ જરૂરિયાત મુજબ સહાય અને રાહતના પગલાં લેવામાં આવશે. આ પેકેજથી ભારે વરસાદથી પ્રભાવિત હજારો વેપારીઓને સીધો લાભ મળશે તેવી રાજ્ય સરકારને આશા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now