Home Gujarat Gujarat Banaskantha Who Is Ogadnath Maharaj

ઓગડનાથ મહારાજનું શું છે મહત્વ? : બનાસકાંઠામાંથી વિભાજિત જિલ્લાને કેમ ઓગડ નામ આપવાની માગ?

ઓગડનાથ મહારાજનું શું છે મહત્વ?
Published by: OBS Bureau
Last Updated: Jan 14, 2025, 07:32 AM IST

વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીનો પ્રચાર.... બનાસકાંઠામાં કાંકરેજની ધરતી પર પ્રચારની કમાન ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી હતી, ત્યારે પ્રચારમેદાનમાં પહોંચતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિયોદર તાલુકામાં આવેલા દેવદરબાર જાગીરમઠ જાય છે, જ્યાં તેઓ ઑગડનાથ મહારાજના દર્શન કરે છે, આ એ સ્થળ છે જ્યા ઑગડનાથ મહારાજની ગાદી છે. તે બાદ PM મોદી કાંકરેજમાં હજારોની જનમેદનીને જાહેરમંચ પરથી સંબોધન કરે છે.અને કહે છે...


દેવદરબારની આ પાવન ભૂમિ અને જનદેવતાના આશિર્વાદ... ઓગડનાથની કૃપાએ આપણને બધા સંકટ સામે લડવાની તાકાત આપી છે. ઉત્તર ગુજરાતમાં જ્યારે જ્યારે દુષ્કાળ પડ્યો હોય, મુસિબતના દિવસો આવ્યા હોય, ત્યારે આપણને ઓગડનાથ બાપાના આશિર્વાદ મળ્યા છે

નરેન્દ્ર મોદી, વડાપ્રધાન.... વર્ષ 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દરેક એકશન પર ચૂંટણીની રાજનીતિને નજીકથી સમજનારાઓની નજર રહેતી હોય છે....  PM મોદી ના માત્ર દેવદરબાર જાગીરમથ પર ઑગડનાથ મહારાજની સમાધિ પર દર્શન કરે છે, પરંતુ જનમદેનીને સંબોધતા પણ આ વાતનો ઉલ્લેખ કરે છે... અહીં એ વાત સાબિત થાય છે કે PM મોદી વાવ-થરાદની જનતાને, તેમની આસ્થાને સારી રીતે સમજ્યા છે..... તેઓ એ વાત સમજતા હતા કે ના માત્ર વાવ-થરાદની જનતા પરંતુ આખા બનાસકાંઠા જિલ્લાના લોકોની ઑગડનાથ ધામ સાથે આસ્થા જોડાયેલી છે.

વાવ-થરાદને ઓગડ નામ આપવાની માગ

અહીં આ વાતની ચર્ચા કરવી એટલા માટે જરૂરી બની જાય છે કારણકે વર્ષ 2025માં ગુજરાતને નવો જિલ્લો મળ્યો છે, વાવ-થરાદના નામે...બનાસકાઠામાં વિભાજન કરીને વાવ-થરાદ જિલ્લાને 8 તાલુકા આપવામાં આવ્યા છે, જેમાં વાવ, થરાદ, ભાભર, ધાનેરા, સૂઈગામ, લાખણી, કાંકરેજ અને દિયોદરનો સમાવેશ કરવામા આવ્યો છે. બસ 8 તાલુકાઓના બનેલા વાવ-થરાદ જિલ્લામાં એક તાલુકો દિયોદર છે, જેના સ્થાનિકો રાજ્યસરકાર સામે નારાજગી દર્શાવી રહ્યા છે, અને માગણી કરી રહ્યા છે કે દિયોદરને વડુમથક બનાવવામાં આવે અને પ્રસિદ્ધ ઑગડનાથ બાપુના નામથી જિલ્લાનું નવું નામ ઑગડ રાખવામાં આવે.  વાવ-થરાદ નવો જિલ્લો બનતા દેવદરબાર જાગીરમઠ અને ઓગડનાથનો મુદ્દો ચર્ચાના કેન્દ્રસ્થાને છે...  ત્યારે  કોણ હતા ઑગડનાથ મહારાજ?  બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં તેમનું કેટલું મહત્વ છે અને કેમ જિલ્લાનું નામ ઑગડ બનાવવાની માગ ઉઠી છે... આ સવાલોના જવાબ મેળવવા જરૂરી બની જાય છે.

કોણ હતા ઓગડનાથ મહારાજ?


ઓગડનાથ મહારાજનું તેમનું મહત્વ સમજવું હોય તો તે પહેલા ગોરખનાથનો આ કિસ્સો જાણવો જરૂરી બની જાય છે. લોકવાયકા મુજબ ભારતથી ગોરખનાથ મહારાજ નેપાળના પશુપતિનાથના મેળામાં જાય છે, જ્યાં નેપાળના રાજાના અતિથિ બને છે, આ દરમિયાન નેપાળના રાજાના પુત્ર ગોરખનાથથી ખાસ્સા એવા પ્રભાવિત થાય છે.  નેપાળના 12 વર્ષના રાજકુંવર ગોરખનાથ સામે જીદ્દ પકડે છે કે મને તમારો શિષ્ય બનાવો અને તમારી સાથે લઈ જાવ. ગોરખનાથ મહારાજ આ જીદ્દનો અસ્વીકાર કરે છે કારણકે તેઓ માનતા હતા કે રાજવી પરિવારના મહેમાન બનીને રાજાના જ પુત્રને શિષ્ય બનાવવો તે અયોગ્ય કહેવાય.

 ગોરખનાથ તો ત્યાથી જતા રહે છે, પરંતુ 12 વર્ષના યુવરાજની તેમના શિષ્ય બનવાના દ્રઢ નિર્ધાર સાથે સંસારનો ત્યાગ કરીને નીકળી પડે છે. યુવરાજ ગોરખનાથની શોધ કરતા કરતા સોહમગીરીના સંપર્કમાં આવે છે અને સોહમગીરી તેમને દીક્ષા આપે છે. બસ ત્યારથી તે યુવરાજને બ્રહ્મગીરી નામ આપવામાં આવે છે. યુવરાજમાંથી સાધુ બનનરા બ્રહ્મગીરી 51 શક્તિપીઠમાંથી એક હાલના પાકિસ્તાનમાં આવેલા હિંગળાજ માતાના મંદિરે જાય છે, જ્યા હિંગળાજ માતાને પ્રસન્ન કરવા તપ કરે છે, અને માતા પ્રસન્ન પણ થાય છે. આ વાતની જાણ જ્યારે ગોરખનાથને થાય છે ત્યારે તેમને આશ્ચર્ય થાય છે કે કારણકે વર્ષોની તપસ્યા બાદ પણ તેઓ હિંગળાજ માતાને પ્રસન્ન કરી શક્યા નહોંતા.

બસ તે ઘટનાક્રમથી ગોરખનાથ બ્રહ્મગીરીથી પ્રભાવિત થયા, અને અંતે ગોરખનાથ તેમને દીક્ષા આપે છે, આ સાથે બ્રહ્મગીરી ગોરખનાથના શિષ્ય બને છે. ગોરખનાથના શિષ્ય બનવાથી બ્રહ્મગીરીનો નાથ સંપ્રદાયમાં સમાવેશ થાય છે. આ સાથે ગોરખનાથ પોતાના શિષ્યને મથ અને ગાદી સ્થાપવાની છૂટ આપે છે, તે બાદથી તેમને ઓગડનાથ નવું નામ મળ્યું.ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસમાં ઑગડનાથના નામનો ઉલ્લેખ જોવા મળે છે.

ઉત્તર ગુજરાત માટે આસ્થાનું કેન્દ્ર

નાથ સંપ્રદાય શિવને સર્વપ્રથમ પૂજે છે, અને ઑગડનાથ બાપા શૈવસિદ્ધાંતમાં માનનારા હતા.   લૉકવાયકા મુજબ બનસકાંઠાના તેરવાડામાં ઑગડનાથે ધૂણી ધખાવી હતી, પરંતુ લોક વિરોધ થવાના કારણે તેમણે ગામ છોડ્યુ હતું, ત્યારબાદ તેમણે હાલના ઓગડથળી ખાતે તપસ્યા કરી હતી. તે બાદ રાજાના કહેવાથી તે જ સ્થાન પર મઠની સ્થાપના કરવામાં આવી.  એકસમયે રાજવીઓ અને અન્ય વિવાદોનો ઉકેલ પણ ઓગડનાથ મહારાજ અને તે બાદના મહંતો લાવતા હતા,  કાંકરેજ, દિયોદર અને આસપાસના પંથકોમાં રહેતા લોકો માટે દેવદરબાર જાગીરમઠ અને ઓગડધામ આસ્થાનું કેન્દ્ર છે.  ગુજરાત અને રાજસ્થાન જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ કેટલાક સ્થાનોમાં ઓગડનાથના મંદિર આવેલા છે.

દિયોદરની જનતાની ખાસ માગણી


ઑગડનાથ બાપુના દેવ થયા બાદ થળીમાં જ તેમને સમાધિ આપવામાં આવી. તે બાદના મહંતોની સમાધિ પણ મંદિર પરિસરમાં આવેલી છે. ઓગડધામ થળી પર હાલ 16માં ગાદીપતિ તરીકે બળદેવનાથ જવાબદારી સંભાળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે જાગીરમઠના મહંત બળદેવનાથ બાપુએ પણ પ્રતિક્રિયા આપી છે.  તેમણે કહ્યું- વાવ-થરાદ જિલ્લાનું નામ ઓગડજી મહારાજના નામથી જાહેર કરવામાં આવે તો સરાહનીય છે.  દિયોદરને વડુમુથક બનાવીને ઓગડ જિલ્લો જાહેર કરવાની ઈચ્છા તેમણે દર્શાવી છે. રાજ્યસરકારે નવા વાવ-થરાદ જિલ્લાની જાહેરાત કરી, જેમાં દિયોદર અને કાંકરેજનો સમાવિષ્ટ થયેલો છે. અને અહીંની જનતામાં સવિશેષ ઑગડનાથ બાપુ માટે શ્રદ્ધા છે, તેમના માટે દેવદરબાર જાગીરમઠ અને ઓગડનાથ એ આસ્થાનું કેન્દ્ર છે, જો જિલ્લાને ઑગડ નામ મળે તો ઑગડનાથ ધામની કીર્તિ દેશભરમાં ફેલાવી શકાય છે.  બસ આસ્થા સાથે આ વિષય જોડાયેલો હોવાથી કાંકરેજ અને દિયોદરની જનતા સરકાર સામે વિરોધ કરી રહી છે, આવેદનપત્રો આપીને રજૂઆત કરી રહી છે, અને માગણી એ જ કરી રહી છે કે તેમના જિલ્લાને ઓગડનાથ બાપુની ઓળખ મળે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now