Home Gujarat Gujarat Ayurveda University Bams Paper Leak Junagadh

Neet પેપર લીકની બબાલ વચ્ચે ગુજરાતમાં ફરી પેપર લીક : આયુર્વેદ યુનિવર્સિટીનું BAMS પ્રશ્નપત્ર વોટ્સએપ પર વાયરલ, તપાસ શરૂ

Gujarat Ayurveda University Paper Leak
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 27, 2026, 07:33 AM IST

Gujarat Ayurveda University Paper Leak: ગુજરાતમાં પેપર લીકની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. સરકારી ભરતી પરીક્ષાઓ બાદ હવે ઉચ્ચ શિક્ષણની પરીક્ષાઓ પણ વિવાદમાં આવતાં શિક્ષણ વ્યવસ્થા ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી ગઈ છે. જુનાગઢ સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMS અભ્યાસક્રમના ત્રીજા વર્ષના શલ્ય તંત્ર (Shalya Tantra) વિષયનું પ્રશ્નપત્ર પરીક્ષા પહેલાં જ વોટ્સએપ પર વાયરલ થયું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ ઘટનાએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણવિદોમાં ભારે ચિંતા અને રોષ ફેલાવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા પર ફરતા પ્રશ્નપત્ર અને મૂળ પ્રશ્નપત્ર વચ્ચે સામ્યતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. વિદ્યાર્થીઓનો દાવો છે કે મૂળ પ્રશ્નપત્રના કુલ 12માંથી 11 પ્રશ્નો પરીક્ષા પહેલાં જ વોટ્સએપ પર વાયરલ થયેલા પ્રશ્નપત્રમાં હતા. આ દાવા બાદ સમગ્ર ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે અને યુનિવર્સિટી તંત્રે તપાસ શરૂ કરી છે.

12માંથી 11 પ્રશ્નો એકસરખા હોવાનો આક્ષેપ

વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ પરીક્ષા પૂરી થયા બાદ કેટલાક ગ્રુપમાં ફરતા પ્રશ્નપત્રની સરખામણી કરવામાં આવી હતી. તેમાં મોટાભાગના પ્રશ્નો મૂળ પ્રશ્નપત્ર સાથે મળતા આવતા હોવાનું સામે આવ્યું હતું. જો આ દાવાની તપાસમાં પુષ્ટિ થશે તો પરીક્ષાની ગોપનીયતા અને વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા થશે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર પણ પ્રશ્નપત્રના સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.

પરીક્ષા બાદ વિદ્યાર્થીઓને થઈ જાણ

મહત્વની વાત એ છે કે, વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર લીક થયાની માહિતી પરીક્ષા પૂર્ણ થયા બાદ મળી હોવાનું સામે આવ્યું છે. પરીક્ષા આપી બહાર આવેલા કેટલાક વિદ્યાર્થીઓએ વોટ્સએપ પર ફરતા પ્રશ્નપત્રને જોયા બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હોવાનું જણાવ્યું છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, જો ખરેખર પ્રશ્નપત્ર અગાઉથી બહાર આવ્યું હોય તો નિયમિત તૈયારી કરીને પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે. આવી સ્થિતિમાં પરીક્ષાની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘમહેરથી છલકાયા ડેમ : 13 જળાશય 100% ભરાયા, 21 ડેમ પર હાઈ એલર્ટ, જાણો નર્મદા ડેમની સ્થિતિ

NSUIએ તંત્ર પર કર્યા ગંભીર આક્ષેપ

આ સમગ્ર મામલે જિલ્લા NSUI પ્રમુખ મયુર સરવૈયાએ પરીક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં વારંવાર પેપર લીકની ઘટનાઓ સામે આવી રહી છે, છતાં તેને રોકવા માટે અસરકારક વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. તેમણે માંગ કરી કે, સમગ્ર ઘટનાની સ્વતંત્ર અને ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે તેમજ જો કોઈ અધિકારી અથવા વ્યક્તિ જવાબદાર હોય તો તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારાઓને કોઈપણ સંજોગોમાં છોડવા ન જોઈએ તેવું પણ તેમણે જણાવ્યું.

યુનિવર્સિટીએ તપાસ શરૂ કરી

આયુર્વેદ યુનિવર્સિટીના સ્કોર્ડ મેમ્બર અલ્પેશ જાણસારિયાએ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે પ્રશ્નપત્ર લીક થયાના આક્ષેપોની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે અને તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. પ્રશ્નપત્ર ક્યાંથી બહાર આવ્યું, સોશિયલ મીડિયા સુધી કેવી રીતે પહોંચ્યું અને તેમાં કોણ સંડોવાયેલું છે તે સહિતના તમામ મુદ્દાઓની તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું.

આ પણ વાંચો: ગાંધીનગરના કુડાસણમાં કપિરાજનો આતંક : 7 દિવસમાં 15થી વધુ લોકો પર કર્યો હુમલો, વન વિભાગ પણ હાંફ્યું, રહિશોમાં ફફડાટ

પરીક્ષા નિયામકનું શું કહેવું?

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક એચ.પી. ઝાલાએ પણ સમગ્ર મામલે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે હાલમાં ઉપલબ્ધ માહિતીના આધારે તપાસ ચાલી રહી છે અને તમામ હકીકતો સામે આવ્યા બાદ જ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, તપાસ પૂર્ણ થયા પહેલાં કોઈ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નહીં ગણાય. જો તપાસમાં પ્રશ્નપત્ર લીક થયાની પુષ્ટિ થશે તો યુનિવર્સિટી નિયમો અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા પર ફરી સવાલ

ગુજરાતમાં અગાઉ પણ અનેક ભરતી પરીક્ષાઓ અને શૈક્ષણિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર લીકના બનાવો સામે આવી ચૂક્યા છે. આવી ઘટનાઓને કારણે વિદ્યાર્થીઓમાં પરીક્ષા પ્રક્રિયા પ્રત્યેનો વિશ્વાસ સતત ઘટી રહ્યો છે. શિક્ષણવિદોનું માનવું છે કે, માત્ર તપાસની જાહેરાતોથી સમસ્યાનો ઉકેલ આવવાનો નથી. પ્રશ્નપત્રની સુરક્ષા માટે આધુનિક ટેક્નોલોજી, કડક મોનિટરિંગ અને જવાબદારી નક્કી કરવાની વ્યવસ્થા જરૂરી છે. જવાબદારો સામે ઝડપી અને કડક કાર્યવાહી થશે ત્યારે જ આવી ઘટનાઓ પર અંકુશ આવી શકશે.

તપાસના પરિણામો પર સૌની નજર

હાલ સમગ્ર મામલો તપાસ હેઠળ છે અને યુનિવર્સિટીએ પ્રશ્નપત્ર લીક થયાની સત્તાવાર પુષ્ટિ કરી નથી. વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાક્રમ અંગે સત્તાવાર સ્થિતિ સ્પષ્ટ થશે. વિદ્યાર્થીઓ અને વાલીઓ હવે તપાસના પરિણામોની રાહ જોઈ રહ્યા છે. જો આક્ષેપો સાચા સાબિત થશે તો તે માત્ર એક યુનિવર્સિટીનો નહીં પરંતુ સમગ્ર રાજ્યની પરીક્ષા વ્યવસ્થા માટે ગંભીર ચિંતાનો વિષય બની શકે છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક એચ.પી. ઝાલા અને સ્કોર્ડ મેમ્બર અલ્પેશ જાણસારિયાના જણાવ્યા મુજબ સમગ્ર ઘટનાની પ્રાથમિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ હકીકતોના આધારે યુનિવર્સિટી નિયમાનુસાર યોગ્ય અને કડક નિર્ણય લેશે.

જિલ્લા NSUI પ્રમુખ મયુર સરવૈયાએ પરીક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠાવતા સમગ્ર ઘટનાની સ્વતંત્ર અને ઉચ્ચસ્તરીય તપાસ કરવાની તથા જવાબદાર અધિકારીઓ કે વ્યક્તિઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

વિદ્યાર્થીઓનો દાવો છે કે, પરીક્ષા પૂર્ણ થયા બાદ સોશિયલ મીડિયા પર ફરતા પ્રશ્નપત્ર અને મૂળ પ્રશ્નપત્રની સરખામણી કરતા, મૂળ પ્રશ્નપત્રના કુલ 12માંથી 11 પ્રશ્નો વાયરલ થયેલા પ્રશ્નપત્ર સાથે હૂબહૂ મળતા આવતા હતા.

જુનાગઢ સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના BAMS (આયુર્વેદ) અભ્યાસક્રમના ત્રીજા વર્ષના 'શલ્ય તંત્ર' (Shalya Tantra) વિષયનું પ્રશ્નપત્ર પરીક્ષા પહેલાં જ વોટ્સએપ (WhatsApp) પર વાયરલ થયું હોવાનો આક્ષેપ થયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now