Home Gujarat Ahmedabad Gujarat Heavy Rain Orange Alert Ahmedabad Dholera Ndrf Rescue July 27

આગામી 3 કલાક ભારે! અમદાવાદ સહિત 14 જિલ્લામાં ત્રાટકશે મેઘરાજા : જાણો ગુજરાતમાં ક્યાં-ક્યાં ધડબડાટી બોલાવશે વરસાદ

gujarat rain alert
Image Credit: OBS Bureau
Published by: Vishal Dave
Last Updated: Jul 27, 2026, 06:50 AM IST

Gujarat Rain Alert: ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 3 કલાક માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે અમદાવાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, તો ધોલેરાના વણી તળાવ ગામમાં NDRF દ્વારા બોટ મારફતે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ સહિત 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે આગામી 3 કલાક (બપોરે 1 વાગ્યા સુધી) માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા, વડોદરા, ભાવનગર, અમરેલી, બોટાદ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદર-નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

11 જિલ્લા અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારે વરસાદની આગાહી

આજે (27 જુલાઈ) રાજ્યના વાવ-થરાદ, પાટણ, વડોદરા સહિત 11 જિલ્લાઓ અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ નદીઓ-નાળાઓમાં પાણીની સપાટી વધવાની શક્યતા દર્શાવી છે.

અમદાવાદમાં દોઢ ઇંચ વરસાદે સર્જી જળબંબાકાર સ્થિતિ

અમદાવાદ શહેરમાં માત્ર દોઢ ઇંચ વરસાદમાં જ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. એસ.જી. હાઇવે, થલતેજ, ચાણક્યપુરી, ચાંદલોડિયા અને બોપલ જેવા વિસ્તારોમાં ઘૂંટણથી લઈને કમર સુધી પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાણી ભરાવાને કારણે અનેક ટુ-વ્હીલર રસ્તા વચ્ચે જ બંધ પડી ગયા હતા અને ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી.

વૃક્ષ ધરાશાયી અને જર્જરીત મકાન પડવાની ઘટના

ભારે વરસાદ વચ્ચે અમદાવાદના પકવાન વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જ્યારે આસ્ટોડિયાની ઢાળની પોળમાં જર્જરીત મકાનનો ભાગ ધરાશાયી થયો હતો. ઘટનાની જાણ થતાં એસ્ટેટ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને ભયજનક ભાગ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી.

ધોલેરાનું વણી તળાવ ગામ બન્યું બેટ

બીજી તરફ ધંધુકા અને ધોલેરા પંથકમાં વહેલી સવારથી જ ભારે વરસાદ વરસ્યો હતો. સતત વરસાદ અને પાણીની ભારે આવકને કારણે ધોલેરા તાલુકાનું વણી તળાવ ગામ ચારેય બાજુથી પાણીમાં ઘેરાઈ જતાં બેટમાં ફેરવાઈ ગયું છે. ગામનો અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે.

NDRF બોટ સાથે રેસ્ક્યૂ ઓપરેશનમાં તૈનાત

પરિસ્થિતિ ગંભીર બનતાં તંત્ર દ્વારા NDRFની ટીમને બોટ સાથે તૈનાત કરવામાં આવી છે. બચાવ ટીમ બોટ મારફતે ગામના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી રહી છે. સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને અનાવશ્યક બહાર ન નીકળવાની અને નીચાણવાળા વિસ્તારોમાંથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now