અમદાવાદમાં વરસાદની ધમાકેદાર ઇનિંગ શરૂ થઈ ચુકી છે. પહેલાં જ રાઉન્ડમાં મેઘરાજાએ પોતાનો મેજાજ બતાવી દીધો છે. ભારે વરસાદને કારણે શહેરના પોશવિસ્તારમાં મોઘીદાટ ગાડીઓને મોટું નુકસાન થયું હોવાની તસવીરો સામે આવી છે. અમદાવાદમાં ભારે વરસાદ બાદ જોધપુરમાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે. બેઝમેન્ટમાં ઘૂસેલા પાણીથી કરોડોની લક્ઝરી કાર કાદવમાં ગરકાવ થઈ ગઈ છે. અર્થ 12 એલિગન્સ સોસાયટીના બેઝમેન્ટ પાર્કિંગમાં વરસાદી પાણી ઘૂસતાં અનેક વાહનોને ભારે નુકસાન; તંત્રે પાણી કાઢવાની કામગીરી શરૂ કરી.
આ પણ વાંચોઃ ગુજરાત સરકારનો મોટો નિર્ણય : ઘરવિહોણા કુટુંબો માટે 'દાદા'એ દાખવી દયા, કરી ધરખમ સહાયની જાહેરાત
અમદાવાદ શહેરમાં પડેલા ધોધમાર વરસાદે અનેક વિસ્તારોમાં જનજીવનને પ્રભાવિત કર્યું છે. શહેરના જોધપુર વિસ્તારમાં આવેલી અર્થ 12 એલિગન્સ (Earth 12 Elegance) સોસાયટીમાં વરસાદ બાદ સર્જાયેલા દૃશ્યો ભારે નુકસાનની સાક્ષી બની રહ્યા છે. સોસાયટીના બેઝમેન્ટ પાર્કિંગમાં વરસાદી પાણી અચાનક ઘૂસી જતાં ત્યાં પાર્ક કરાયેલા અનેક મોંઘા અને લક્ઝરી વાહનો પાણી, કાદવ અને કચરામાં ગરકાવ થઈ ગયા હતા.
પાણીના જોરદાર પ્રવાહને કારણે કેટલીક કાર એકબીજા સાથે અથડાઈ ગઈ હતી, જ્યારે કેટલીક કાર એકબીજા પર ચડી જવાના દૃશ્યો પણ જોવા મળ્યા હતા. બેઝમેન્ટમાં ભરાયેલા પાણી સાથે કાદવ અને કચરો પણ ઘૂસી આવતાં વાહનોને ગંભીર નુકસાન પહોંચ્યું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. ઘટનાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થયા હતા, જેમાં કરોડો રૂપિયાની કાર કાદવમાં ફસાયેલી જોવા મળી હતી.
રહીશોને મોટું આર્થિક નુકસાન
અચાનક બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતાં સોસાયટીના રહીશોને વાહનો બચાવવાનો પણ પૂરતો સમય મળ્યો નહોતો. પરિણામે પાર્કિંગમાં ઊભેલા અનેક ચારચક્રી વાહનો પાણીમાં ડૂબી ગયા હતા. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, લાંબા સમય સુધી પાણીમાં ડૂબેલા વાહનોના એન્જિન, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક મોડ્યુલ અને આંતરિક ભાગોને ગંભીર નુકસાન થવાની શક્યતા રહે છે, જેના કારણે મરામતનો ખર્ચ લાખો રૂપિયામાં પહોંચી શકે છે. સ્થાનિક રહીશોએ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અને ડ્રેનેજ સિસ્ટમ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમનું કહેવું છે કે ભારે વરસાદ દરમિયાન બેઝમેન્ટમાં પાણી પ્રવેશી જવાની સમસ્યા સામે યોગ્ય આયોજન અને સમયસર પગલાં લેવાયા હોત તો નુકસાનનું પ્રમાણ ઘટાડી શકાય તેમ હતું.
આ પણ વાંચો: વડોદરા એરપોર્ટ બનશે એવિએશન હબ : જાણો ઉદ્યોગોથી યુવાનો સુધી કોને થશે સૌથી મોટો ફાયદો?
તંત્રે હાથ ધરી રાહત કામગીરી
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક કાઉન્સિલર ભાગ્યેશ પટેલ સ્થળ પર પહોંચ્યા હતા અને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરી બેઝમેન્ટમાંથી પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરાવી હતી. પંપિંગ મશીનોની મદદથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેથી વધુ નુકસાન અટકાવી શકાય. સાથે જ સોસાયટીના રહીશો અને વાહન માલિકોને જરૂરી સહાયતા પૂરી પાડવા તેમજ નુકસાનનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જોકે, કુલ કેટલા વાહનોને નુકસાન થયું અને અંદાજિત નુકસાન કેટલું છે તે અંગે સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી.
ભારે વરસાદ બાદ શહેરમાં અનેક વિસ્તારો પ્રભાવિત
અમદાવાદમાં ભારે વરસાદ બાદ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનવ્યવહારને અસર પહોંચી હતી, જ્યારે કેટલાક વિસ્તારોમાં રહેણાંક અને વ્યાવસાયિક મિલકતોમાં પણ વરસાદી પાણી ઘૂસવાના બનાવો સામે આવ્યા હતા.
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને બેઝમેન્ટ પાર્કિંગ ધરાવતી સોસાયટીઓમાં વરસાદની આગાહી દરમિયાન વાહનોને સુરક્ષિત સ્થળે ખસેડવા અને પાણીના નિકાલની વ્યવસ્થા કાર્યરત છે કે નહીં તેની ખાતરી કરવા નિષ્ણાતો સૂચવે છે. આ ઘટનાએ ફરી એક વખત શહેરી વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની સુવિધા, બેઝમેન્ટ સુરક્ષા અને આપત્તિ પૂર્વ તૈયારી અંગે ચર્ચા તેજ કરી છે. રહીશો હવે નુકસાનની ભરપાઈ, વીમા દાવાની પ્રક્રિયા અને ભવિષ્યમાં આવી સ્થિતિ ટાળવા માટે કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.





