logo-img
Gujarat Assembly Labor And Employment Department Working Hours Increased From 9 To 10

ગુજરાત સરકારે નોકરીના કલાકો 9 થી વધારી 10 કર્યા : મહિલાઓને નાઇટ શિફ્ટ કરવાની છૂટ, 20 થી વધુ કર્મચારી કામ કરતા હોય એ સંસ્થા પર નિયમ લાગુ

ગુજરાત સરકારે નોકરીના કલાકો 9 થી વધારી 10 કર્યા
Published by: Offbeat Team
| Last Updated: Feb 17, 2026, 12:05 PM IST

વિધાનસભા ગૃહમાં શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા રાજ્યપત્રમાં અગાઉ પ્રસિદ્ધ થયેલા ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનિયમનું સુધારા વિધેયક આજે રજૂ કરવામાં આવ્યું હતું. જેને ગૃહના સભ્યો દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.

ગુજરાત દુકાન અને સંસ્થા (સુધારા) વિધેયક વિશે મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમ, 2019 માં કામદારોની કામની સ્થિતિમાં સુધારો કરવા, સ્ત્રીઓ માટે નોકરીની વધુ તકો ઊભી કરવા, ધંધો કરવા માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવા, વર્ષમાં 365 દિવસ સંસ્થા ચલાવવાની અને સંસ્થા ખોલવાના અને બંધ કરવાના સમયની સ્વતંત્રતાનો, સ્ત્રીઓને પૂરતી સુરક્ષા અને સલામતીની જોગવાઇઓ સાથે રાતપાળી દરમિયાન કામ કરવાની પરવાનગી, ઓનલાઇન રજિસ્ટ્રેશન જેવી વિવિધ જોગવાઇ કરવામાં આવી છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે સમગ્ર દેશમાં વિકાસની દિશામાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે, તેમ જણાવતા મંત્રી બાવળીયાએ કહ્યું હતું કે, આજના આધુનિક સમયની માંગ મુજબ અને ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ અંતર્ગત તેમજ રાજ્યની બદલાતી જતી સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓને અનુરૂપ શ્રમયોગીઓ, વેપારીઓ, માલિકો તથા પ્રજાજનો એમ તમામના હિતોનો તટસ્થ રીતે વિચાર કરીને ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનિયમ, 2019 માં સુધારો કરવા અંગેનું વિધેયક લાવવામાં આવ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ સુધારાથી કાયદો લાગુ કરવાની જોગવાઈમાં અગાઉ 10 કે તેથી વધારે કામદારોને બદલે હવે 20 કે તેથી વધારે કામદારો ધરાવતી દુકાનો અને સંસ્થાઓને આ કાયદો લાગુ પડશે. આમ, જે દુકાનો અને સંસ્થાઓમાં 20 થી ઓછા શ્રમયોગીઓ–કર્મચારીઓ કામ કરતા હોય તેવી દુકાનો અને સંસ્થાઓએ આ કાયદા હેઠળ નોંધણી કરાવવી જરૂરી નથી, પરંતુ ઓનલાઈન જાણ કરવાની રહેશે. જેના પરિણામે હજારો નાના વેપારીઓ, સ્ટાર્ટ-અપ્સને આગળ વધવામાં વેગ મળશે.

મંત્રી બાવળીયાએ કહ્યું હતું કે, સંસ્થાઓના કામકાજના કલાકોમાં વધારો કરવાથી ગ્રાહક સુવિધામાં વધારો થશે. આમ, આર્થિક પ્રવૃત્તિને વેગ મળે અને દેશના આર્થિક વિકાસમાં વધારો કરવાના આશયથી આ સુધારાથી દૈનિક કામના કલાકોની મર્યાદામાં 9 કલાકથી વધીને 10 કલાક કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સળંગ કામના કલાકોની મર્યાદા પણ 5 કલાકથી વધીને 6 કલાક કરવામાં આવી છે.

આ ઉપરાંત ઓવરટાઇમ કામ કરવાની મહત્તમ મર્યાદા, ત્રણ મહિનામાં કુલ 125 કલાક હતી, જે હવેના સુધારામાં વધારીને કુલ 144 કલાક કરવામાં આવી છે, જેનાથી ઉત્પાદકતામાં વધારો થશે. ઉત્પાદકતામાં વધારો થવાથી દુકાનદારોના નફામાં વધારો થતાં, શ્રમયોગીઓની નફામાં સહભાગિતા વધશે અને તેમની આર્થિક સુખાકારીમાં વધારો થશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

મંત્રીએ કહ્યું હતું કે, આજના આધુનિક સમયમાં દેશના આર્થિક વિકાસમાં મહિલાઓનું પ્રદાન ઝડપભેર વધી રહ્યું છે. મહિલા શ્રમયોગીની સંમતિ હોય અને સંસ્થા દ્વારા મહિલાઓને આરામ માટેના રૂમ, રાત્રિ ઘોડીયાઘર, મહિલા માટેના શૌચાલય, તેમના ગૌરવ, સન્માન અને સલામતીના યોગ્ય રક્ષણ, જાતીય સતામણીથી રક્ષણ તેમજ સંસ્થાથી તેમના નિવાસ સ્થાન સુધી તેમને લાવવા-લઇ જવાની વ્યવસ્થા માલિક દ્વારા પૂરી પાડવામાં આવતી હોય એવી દુકાન અથવા સંસ્થામાં મહિલા શ્રમયોગીને રાત્રિના 9 કલાકથી સવારના 6 કલાક વચ્ચેના સમયમાં કામ કરવાની પરવાનગી આપી શકાશે. આમ, કામના સ્થળ પર મહિલાની ગરિમા, સુરક્ષા અને સલામતી જળવાઇ રહે તેની સંપૂર્ણ તકેદારી રાખવાની જોગવાઇ રાજ્ય સરકારે આ કાયદામાં કરી છે.

મહિલા સશક્તીકરણની વાત કરતા મંત્રીએ ઉમેર્યું હતુંકે, આપણો દેશ જ્યારે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે પોતાનુ આગવુ સ્થાન ધરાવે છે, ત્યારે મહિલાઓનો પણ દેશના આર્થિક વિકાસમાં મહત્વનો ફાળો છે અને આ સુધારાથી મહિલાઓની રોજગારીની તકો વધતા તેઓ મુક્તપણે કોઇ પણ અડચણ વિના પોતાની પ્રતિભા સાબિત કરવાની વધુ સાનુકૂળ તકો પ્રાપ્ત થશે. આમ, ગુજરાત સ્ત્રી સશક્તીકરણની દિશામાં ખરેખર આગેકૂચ કરશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

મંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક ક્ષેત્રમાં “મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સીમમ ગવર્નન્સ”ની નીતિ અપનાવી છે. “વિકસિત ભારત@2047”ના વિઝન અંતર્ગત ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) (સુધારા) વિધેયક, 2026 પ્રેરક બળ પૂરું પાડશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now