Bangladesh violence: બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. 5 જાન્યુઆરી, 2026ના રોજ એક જ દિવસમાં બે અલગ-અલગ હુમલામાં બે હિન્દુ વ્યક્તિઓની હત્યા થઈ, જેનાથી છેલ્લા 18 દિવસમાં માર્યા ગયેલા હિન્દુઓની સંખ્યા છ થઈ ગઈ છે. આ ઘટનાઓએ દેશમાં સાંપ્રદાયિક તણાવ વધાર્યો છે અને હિન્દુ સમુદાયમાં ભયનું વાતાવરણ સર્જ્યું છે.

નરસિંગદીમાં કરિયાણા વેપારી પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો
નરસિંગદી જિલ્લાના પલશ ઉપજિલ્લાના ચોરસિંદુર બજારમાં કરિયાણાની દુકાન ચલાવતા મોની ચક્રવર્તી (ઉંમર આશરે 40) પર 5 જાન્યુઆરીની રાત્રે લગભગ 10 વાગ્યે અજાણ્યા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો. ગંભીર રીતે ઘાયલ થયેલા મોનીને સ્થાનિકો દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. મોની વિસ્તારમાં જાણીતા વેપારી હતા.
જશોરમાં પત્રકારની ગોળી મારી હત્યા
તે જ દિવસે સાંજે લગભગ 6 વાગ્યે જશોર જિલ્લાના મણિરામપુર વિસ્તારમાં હિન્દુ પત્રકાર તથા આઈસ ફેક્ટરી માલિક રાણા પ્રતાપ બૈરાગી (ઉંમર 38-45)ની ધોળા દિવસે હત્યા કરવામાં આવી. મોટરસાઈકલ પર આવેલા હુમલાખોરોએ તેમને ફેક્ટરીમાંથી બહાર કાઢી નજીકની ગલીમાં લઈ જઈને માથામાં અનેક ગોળીઓ મારી અને ગળું કાપીને હત્યા કરી. 'દૈનિક બીડી ખબર'ના કાર્યકારી સંપાદક પણ હતા. પોલીસે આને આંતરિક વિવાદ સાથે જોડ્યો છે, પરંતુ સમુદાયમાં આને લક્ષિત હુમલો માનવામાં આવે છે.
અન્ય તાજેતરની ઘટનાઓ
આ બે હત્યાઓ પહેલા પણ છેલ્લા કેટલાક અઠવાડિયામાં હિન્દુઓ પર હુમલા થયા છે, જેમાં ખોકન દાસને જીવતો સળગાવી દેવામાં આવ્યા (3 જાન્યુઆરીએ મૃત્યુ), દીપુ દાસની લિંચિંગ વગેરેનો સમાવેશ થાય છે. આ ઘટનાઓથી હિન્દુ સમુદાયમાં સુરક્ષાની માંગ તીવ્ર બની છે.પોલીસ તપાસ ચાલુ છે, પરંતુ હજુ સુધી મોટા પાયે ધરપકડો થઈ નથી. માનવાધિકાર સંગઠનો અને સમુદાયના નેતાઓએ સરકાર પાસેથી તાત્કાલિક કડક પગલાંની માંગ કરી છે, નહીં તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે.






