logo-img
Great Power Struggle In Bangladesh Voting Begins Battle Between 3 Giants For Pm Post Tariq Rahman In The Lead Jamaat Gets Us Support

બાંગ્લાદેશમાં સત્તાનો મહાસંગ્રામ : મતદાન શરૂ, PM પદ માટે 3 દિગ્ગજો વચ્ચે જંગ, તારિક રહેમાન સૌથી આગળ, જમાતને મળ્યું અમેરિકાનું સમર્થન!

બાંગ્લાદેશમાં સત્તાનો મહાસંગ્રામ
Published by: Offbeat Team
| Last Updated: Feb 12, 2026, 03:35 AM IST

બાંગ્લાદેશના રાજકીય ઇતિહાસમાં આજે એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. દેશભરમાં 51 રાજકીય પક્ષોના ભાવિનો ફેંસલો કરવા માટે આશરે 12.7 કરોડ મતદારો મતદાન કરી રહ્યા છે. આ વખતે ચૂંટણીના કેન્દ્રમાં માત્ર સત્તા પરિવર્તન જ નથી, પણ દેશની આખી શાસન વ્યવસ્થા બદલવા માટેનો 'જનમત સંગ્રહ' પણ સામેલ છે. ખાસ કરીને 18 થી 37 વર્ષની વયના યુવા મતદારો, જે કુલ મતના લગભગ અડધા હિસ્સા જેટલા છે, તેઓ નક્કી કરશે કે બાંગ્લાદેશનું સુકાન કોના હાથમાં જશે.

PM પદના 3 મુખ્ય દાવેદાર: કોણ છે રેસમાં સૌથી આગળ?

આ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે, જેમાં અનુભવ, ધર્મ અને યુવા જોશ - ત્રણેય પરિબળો મેદાનમાં છે:

1. તારિક રહેમાન (BNP): વનવાસ બાદ શક્તિશાળી વાપસી

પૂર્વ પીએમ ખાલિદા ઝિયાના પુત્ર અને BNPના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાન હાલમાં સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. 17 વર્ષના લંડન પ્રવાસ બાદ પરત ફરેલા તારિકને તેમની માતાના નિધન પછી મોટી સહાનુભૂતિ મળી રહી છે. ઓપિનિયન પોલ્સમાં તેમની પાર્ટીને 70% સમર્થન મળતું દેખાય છે. તેઓ 'ફેમિલી મેન'ની ઈમેજ સાથે 1.8 કરોડ નોકરીઓ અને ગરીબો માટે 'ફેમિલી કાર્ડ' જેવા વચનો આપી રહ્યા છે.

2. શફીકુર રહેમાન (જમાત-એ-ઇસ્લામી): કટ્ટરપંથી છબી અને અમેરિકાનું પીઠબળ

જમાત-એ-ઇસ્લામીના અમીર શફીકુર રહેમાન બીજા મોટા ચહેરા છે. રસપ્રદ વાત એ છે કે, જમાતને અમેરિકાનું છૂપું સમર્થન હોવાના અહેવાલો છે. 'ધ ઇન્ટરસેપ્ટ'ના રિપોર્ટ મુજબ, અમેરિકા દક્ષિણ એશિયામાં સંતુલન જાળવવા જમાતને 'ઉદાર ઇસ્લામિક પક્ષ' તરીકે પ્રોજેક્ટ કરી રહ્યું છે. જોકે, 1971માં પાકિસ્તાન સમર્થિત ઇતિહાસ તેમની સૌથી મોટી નબળાઈ છે.

3. નાહિદ ઇસ્લામ (NCP): આંદોલનમાંથી જન્મેલો 'Gen-Z' નો નેતા

વિદ્યાર્થી આંદોલન દ્વારા શેખ હસીના સરકારને ઉથલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર 26 વર્ષીય નાહિદ ઇસ્લામ યુવાનોની પહેલી પસંદ છે. તેમની 'નેશનલ સિટિઝન પાર્ટી' (NCP) ડિજિટલ કેમ્પેઈન અને નવી રાજનીતિની વાત કરી રહી છે. નાહિદે આજે ઢાકા-11 બેઠક પરથી પોતાનો પ્રથમ વોટ આપીને યુવાનોને પરિવર્તન માટે અપીલ કરી હતી.

11 પક્ષોનું ગઠબંધન: BNP ને રોકવા માટે 'વન બોક્સ પોલિસી'

BNP ના વિજય રથને રોકવા માટે જમાત-એ-ઇસ્લામીની આગેવાનીમાં 11 પક્ષોએ ગઠબંધન કર્યું છે. જેમાં નાહિદ ઇસ્લામની NCP પણ સામેલ છે. આ ગઠબંધન 'વન બોક્સ પોલિસી' હેઠળ કામ કરી રહ્યું છે જેથી ઇસ્લામિક અને એન્ટી-BNP મતોનું વિભાજન ન થાય.

ભારત જેવી ચૂંટણી પ્રણાલી અને 'જુલાઈ ચાર્ટર' પર જનમત

બાંગ્લાદેશની ચૂંટણી પ્રક્રિયા ઘણી રીતે ભારતને મળતી આવે છે:

  • કુલ બેઠકો: 350 (300 સીધી ચૂંટણી, 50 મહિલા અનામત).

  • સિસ્ટમ: ફર્સ્ટ-પાસ્ટ-ધ-પોસ્ટ (સૌથી વધુ મત મેળવનાર વિજેતા).

  • રેફરન્ડમ: આ વખતે મતદારોને બે બેલેટ પેપર અપાશે. એક ઉમેદવાર માટે અને બીજું 'જુલાઈ ચાર્ટર' (બંધારણીય સુધારા) માટે. જો જનતા 'હા' કહેશે, તો નવી સરકારને બંધારણમાં મોટા ફેરફાર કરવાની સત્તા મળશે.

સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન

ગૃહ સલાહકાર એમડી જહાંગીર આલમ ચૌધરીએ કડક ચેતવણી આપી છે કે નકલી મતદાન કે મતપેટી છીનવવાની ઘટનામાં શૂન્ય સહિષ્ણુતા દાખવવામાં આવશે.

મહત્વની તારીખો:

  • મતદાન: 12 ફેબ્રુઆરી, સવારે 7:30 થી સાંજે 4:30.

  • મતગણતરી: 12 ફેબ્રુઆરી, સાંજે 4:00 વાગ્યાથી શરૂ.

  • પરિણામ: 13 ફેબ્રુઆરીની સવારે સત્તાવાર જાહેરાત.

બાંગ્લાદેશની આ ચૂંટણી માત્ર પાડોશી દેશ માટે જ નહીં, પણ સમગ્ર દક્ષિણ એશિયાની ભૂ-રાજનીતિ માટે નિર્ણાયક સાબિત થશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now