Grand Vitara and Hyryder : ભારતીય ઓટોમોબાઈલ બજારમાં હાલના સમયમાં હાઇબ્રિડ SUV વાહનોની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે. આ સેગમેન્ટમાં Maruti Grand Vitara અને Toyota Urban Cruiser Hyryder સૌથી વધુ લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ગાડીઓ છે. આ બંને SUV એક જ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે અને તેમાં એકસમાન ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. પરંતુ વર્તમાન સમયમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં આ બંને કારના માઇલેજ પર કેવી અસર પડે છે અને વાસ્તવિક પરિસ્થિતિમાં કઈ કાર વધુ સારી સાબિત થાય છે તે જાણવું ખૂબ જ રસપ્રદ છે.
એક જ પ્લેટફોર્મ અને સમાન એન્જિન પાવર
મારુતિ ગ્રાન્ડ વિટારા અને ટોયોટા અર્બન ક્રુઝર હાઇરાઇડર બંનેમાં 1.5-લિટરનું પાવરફૂલ સ્ટ્રોંગ હાઇબ્રિડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન અને હાઇબ્રિડ સિસ્ટમને ટોયોટાની જગવિખ્યાત હાઇબ્રિડ ટેકનોલોજીના આધારે વિકસાવવામાં આવી છે. કંપનીના સત્તાવાર દાવા (ARAI) મુજબ આ બંને SUV પ્રતિ લિટર આશરે 27.97 કિલોમીટર (kmpl) સુધીની દમદાર માઇલેજ આપવા સક્ષમ છે. જોકે, વાસ્તવિક રસ્તાઓ પર અને ખાસ કરીને ઉનાળાની આકરી ગરમીમાં આ આંકડામાં થોડો ફેરફાર જોવા મળે છે.
ભારે ગરમીમાં માઇલેજ પર થતી અસરો
સામાન્ય કે સારા હવામાનમાં આ બંને SUV ખૂબ જ સરળતાથી 22 થી 25 કિલોમીટર પ્રતિ લિટરની માઇલેજ આપી શકે છે. પરંતુ જ્યારે તાપમાન ખૂબ ઊંચું હોય અને કારમાં સતત ફૂલ સ્પીડ પર AC ચલાવવામાં આવે ત્યારે માઇલેજ ઘટીને આશરે 18 થી 22 કિલોમીટર સુધી પહોંચી જાય છે. સતત AC ચાલવાના કારણે હાઇબ્રિડ બેટરી અને પેટ્રોલ એન્જિન બંને પર કામનું ભારણ વધી જાય છે. તેમ છતાં સામાન્ય પેટ્રોલ SUV કારોની સરખામણીએ આ માઇલેજ ઘણું વધારે અને આકર્ષક માનવામાં આવે છે. ખાસ કરીને શહેરના ભારે ટ્રાફિકમાં આ હાઇબ્રિડ સિસ્ટમ વરદાન સાબિત થાય છે, કારણ કે ઓછી સ્પીડ પર કાર મોટાભાગે ફક્ત ઇલેક્ટ્રિક મોટર પર ચાલે છે, જેનાથી ફ્યુઅલનો મોટો બચાવ થાય છે.
મારુતિની કાર ખરીદવાની સુવર્ણ તક: Invicto અને Fronx સહિતની નેક્સા કાર પર મળી રહ્યું છે ₹2.15 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ અને આકર્ષક ડિઝાઇન
બંને કારોનું એન્જિન અને પ્લેટફોર્મ એક સરખું હોવાથી તેમનો ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ પણ લગભગ સમાન જ છે. પરંતુ ઝીણવટપૂર્વક જોતાં કેટલાક તફાવતો સામે આવ્યા છે. ઘણા ઓટો એક્સપર્ટ્સ અને ગ્રાહકોનું માનવું છે કે, ટોયોટા હાઇરાઇડરનું કેબિન ઇન્સ્યુલેશન (બહારનો અવાજ અંદર ન આવવો) થોડું વધારે સારું છે, જેના કારણે હાઇવે પર મુસાફરી કરતી વખતે કેબિનમાં એકદમ શાંતિનો અનુભવ થાય છે. બીજી તરફ મારુતિ ગ્રાન્ડ વિટારાનું સ્ટીયરિંગ ઘણું હળવું છે, જેના કારણે તેને શહેરના ગીચ ટ્રાફિક અને સાંકડી ગલીઓમાં ચલાવવી ખૂબ જ સરળ બને છે. ડિઝાઇન પર નજર કરીએ તો ગ્રાન્ડ વિટારા બહારથી વધુ બોલ્ડ અને પરંપરાગત SUV જેવો લુક આપે છે, જ્યારે હાઇરાઇડર પ્રીમિયમ અને શાર્પ સ્ટાઇલિંગ સાથે વધુ મોડર્ન દેખાય છે.





