Visavadar News: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ કડીમાં વિસાવદર ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પક્ષના અગ્રણી નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ "વિજય સંકલ્પ યાત્રા" એ સમગ્ર વિસ્તારમાં આકર્ષણ જગાવ્યું હતું.
કેશુભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શરૂઆત
કાર્યક્રમની શરૂઆત ખૂબ જ ભાવુક અને આદરપૂર્ણ રહી હતી. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વિસાવદરના પનોતા પુત્ર એવા સ્વ. કેશુભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, કેશુભાઈના મૂલ્યો અને વિકાસના રસ્તે ચાલીને જનતાના પ્રશ્નોને વાચા આપવી એ તેમની પ્રાથમિકતા છે.
આ પણ વાંચો: ચૈતર વસાવાએ ગજવ્યું ડેડીયાપાડા-સાગબારા : ભવ્ય રોડ શો અને પ્રચંડ જનમેદની સાથે AAPનું શક્તિ પ્રદર્શન
ભવ્ય 'વિજય સંકલ્પ યાત્રા' અને જોશ
પુષ્પાંજલિ બાદ વિસાવદરના મુખ્ય માર્ગો પર "વિજય સંકલ્પ યાત્રા" નીકળી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા. હાથમાં ઝાડુ અને પક્ષના ઝંડા સાથે નીકળેલા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 'પરિવર્તન'ના નારાઓ સાથે આ યાત્રાએ સમગ્ર તાલુકામાં AAPના આગમનનો પડઘો પાડ્યો હતો.
વિવિધ બેઠકો માટે ફોર્મ ભરાયા
વિજય સંકલ્પ યાત્રાના અંતે, ગોપાલ ઇટાલિયાની સીધી દેખરેખ હેઠળ ઉમેદવારોએ તેમના નામાંકન પત્રો ભર્યા હતા. જેમાં મુખ્યત્વે વિસાવદર તાલુકાની વિવિધ જિલ્લા પંચાયતની બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ વિધિવત ફોર્મ ભર્યા. સ્થાનિક સ્તરે સક્રિય અને લોકોમાં જાણીતા ચહેરાઓને પક્ષ દ્વારા મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા હવે પરિવર્તન ઈચ્છે છે. વિસાવદરની આ જનમેદની સાબિત કરે છે કે લોકો ભાજપ-કોંગ્રેસના વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂકી રહ્યા છે. અમે શિક્ષણ, આરોગ્ય અને ખેડૂતોના પ્રશ્નો પર આ ચૂંટણી લડીશું.
વિસાવદરમાં થયેલું આ શક્તિ પ્રદર્શન વિરોધ પક્ષો માટે ચોકાવનારું સાબિત થઈ શકે તેમ છે. ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતા અને જનસંપર્ક અભિયાનને જોતા, આગામી દિવસોમાં આ બેઠકો પર રસાકસીભર્યો જંગ જોવા મળી શકે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં AAPએ જે રીતે પકડ બનાવી છે તે જોતા પરિણામો રસપ્રદ રહેવાની શક્યતા છે.





